• શનિવાર, 02 માર્ચ, 2024

સોનું $ 2038ના મથાળે મક્કમ   

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 30 : સોનાના ભાવમાં તેજીનો દોર અટક્યો હતો. છ મહિનાની ઉંચાઇએ પહોંચ્યા પછી સોનું અટકીને 2038 ડોલર હતુ. ગઇકાલે 2048 ડોલર સુધીનો ભાવ થયો હતો. જોકે લગાતાર ચાર દિવસ સોનું વધ્યું હતુ. ડોલરના મૂલ્યમાં ઘટાડો અને બોન્ડમાં નરમાઇને લીધે સોનું વધતું જાય છે. અમેરિકા દ્વારા વ્યાજદરમાં વધારો અટકાવાયો છે અને નવા વર્ષથી કાપ મૂકાશે એવા ફફડાટને લીધે હવે બોન્ડ-ડોલર ચમક ગૂમાવી રહ્યા છે. એ જોતા ટૂંકાગાળામાં સોનાનો ભાવ તેજીમય રહે તેવી શક્યતા છે.  

વિષ્લેષકો કહે છેકે, હવે વ્યાજદર વધશે નહીં એવી બજારને ધરપત છે એટલે સોનામાં તેજી આગળ વધી છે. જો અમેરિકાના ફુગાવાના આંકડા અને જીડીપીના નંબર ઉંચા આવે તો સોનામાં તેજી થોડો સમય અટકી શકે છે. અત્યારે બજાર સારી રીતે ગળ ધપી રહી છે. નીચાં વ્યાજદર સોનામાં રોકાણકારોનું આકર્ષણ વધારે એમ છે. 

અમેરિકી ફેડના ગવર્નર ક્રિસ્ટોફર વોલર કહે છેકે, અમેરિકાની નાણાનીતિમાં અમને પૂર્ણ વિશ્વાસ છે અને સારી રીતે નિર્ણયો અમલમાં આવ્યા છે અને અસરકારક રહ્યા છે. અમેરિકામાં પર્સનલ કન્ઝમ્પશન અને એક્સપેન્ડિચરના આંકડાઓની જાહેરાત હવે થવાની ચે. એના પરથી બજારને વધારે આગળની દિશા મળશે.ચાર્ટ પ્રમાણે સોનાનો ભાવ 2 હજાર ડોલરની સપાટી જાળવી રાખી શકે ત્યાં સુધી મોટી મંદી નથી. એની નીચે જાય તો 1980 ડોલર સુધી ઘટાડો થઇ શકે છે. જ્યારે ઉંચામાં 2045 વટાવાય તો 2075ની શક્યતા રહેશે. 

રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 50ના સુધારા સાથે રૂ. 63000 અને મુંબઇમાં રૂ. 22 ઘટીને રૂ. 62607 હતો. ચાંદી રાજકોટમાં એક કિલોએ રૂ. 74000ના મથાળે ટકેલી હતી. મુંબઇમાં રૂ. 234 વધતા રૂ. 75934ના મથાળે હતી.

Budget 2024 LIVE
હેડલાઇન્સ