• શનિવાર, 27 એપ્રિલ, 2024

મુંબઈમાં કન્ઝક્ટિવાઇટિસના કેસમાં 20 ટકાનો વધારો

મુંબઈ, તા. 27 : શહેર હાલ અતિ વરસાદ અને વધતા ચેપી સંક્રમણના બેવડા પડકારનો સામનો કરી રહ્યું છે ત્યારે બાળકો અને મોટેરાઓમાં કન્ઝક્ટિવાઇટિસ (આંખ લાલ થવી, આંખ આવવી)ના કેસમાં 15થી 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જોકે, આંખ આવવાના કેસોમાં મુંબઈ એકલું જ નથી, દિલ્હી અને અન્ય શહેરોમાં પણ લોકોની આંખ લાલ થઈ જવાના કેસ વધી રહ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ મોટા ભાગના આ કેસોમાં એડનોવાયરસથી થતા વાયરસ કન્ઝક્ટિવાઇટિસ જવાબદાર છે. એડનોવાયરસ પુખ્તવયના લોકો કરતાં બાળકોને વધુ અસર કરે છે.

બુધવારે યોજાયેલા વેબીનાર કે જેમાં કોલકાતા અને ભુવનેશ્વર સહિતના ભારતનાં વિવિધ શહેરોના ઓપ્થેલમોલોજિસ્ટોએ ભાગ લીધો હતો.  તેમાં એવું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કે કેટલાક પ્રાંતોમાં તો કન્ઝક્ટિવાઇટિસના કેસ મહામારીના સ્તરે પહોંચી ગયા છે. જોકે, મુંબઈના ડૉક્ટરોએ આ રોગ માટે મહામારી શબ્દનો ઉપયોગ કર્યો નથી, પરંતુ કેસ વધ્યા હોવાનું તેમણે પણ સ્વીકાર્યું છે.અન્ય ઋતુઓની સરખામણીમાં ચોમાસામાં કન્ઝક્ટિવાઇટિસના કેસોમાં 10થી 15 ટકાનો વધારો જોવા મળતો હોય છે, એમ એસ.એલ. રાહેજા હૉસ્પિટલનાં નેત્ર ચિકિત્સક ડૉ. માધવી જેસ્તેએ જણાવ્યું હતું. 

અન્ય નેત્ર ચિકિત્સક ડૉ. અર્જુન આહુજાએ પણ આંખ આવવાના કેસ વધ્યા હોવાની વાતની પુષ્ટિ કરી હતી.`આ એક વાયરસ રોગ છે અને ઘણીવાર પોતાની રીતે મટી જતો હોય છે, પરંતુ જો કોર્નિયાને વાયરસની અસર થાય તો કેસ જટિલ બની શકે છે. એડનોવાયરસને કારણે કેસ વધી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અસરગ્રસ્તોમાંના 40 ટકા બાળકો છે.