વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકાના મશહૂર રિસર્ચર, પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેનું વિસ્તૃત પોડકાસ્ટ હાલમાં રજૂ થયું છે. આ પોડકાસ્ટમાં વડા પ્રધાન મોદીના જીવન, વિચારધારા અને વૈશ્વિક મુદ્દાઓ પર તેમના દૃષ્ટિકોણની ઝલક જોવા મળી છે. વડા પ્રધાને પાકિસ્તાન સાથે શાંતિ માટેના તેમના પ્રયાસો અંગે કહ્યું કે, તેમણે 2014માં તેમના શપથગ્રહણ સમારોહમાં પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફને આમંત્રિત કર્યા હતા, આવી શરૂઆત છતાં પાકિસ્તાન સાથે શાંતિ માટેના દરેક ઉમદા પ્રયાસના બદલામાં દુશ્મનાવટ અને વિશ્વાસઘાતનો સામનો કરવો પડÎો છે. પાકિસ્તાનના લોકો પણ શાંતિ ઈચ્છે છે, પરંતુ તેમની સરકાર આતંકવાદનું સમર્થન કરે છે. ભારત હંમેશાં શાંતિનું હિમાયતી રહ્યું છે. વડા પ્રધાન મોદીએ ભારપૂર્વક કહ્યું કે, આતંકવાદનાં મૂળ ક્યાં છે તે અંગે વિશ્વમાં કોઈને હવે શંકા નથી.
આજે દુનિયામાં ક્યાંય પણ
આતંકવાદની ઘટના બને તો પાકિસ્તાનનાં કનેક્શન સામે આવે છે. અમેરિકામાં 9/11ની મોટી ઘટના
બની. આનો મુખ્ય સૂત્રધાર ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં શરણ લઈ છૂપાઈ રહ્યો હતો. હવે
દુનિયા ઓળખી ગઈ છે કે પાકિસ્તાન દુનિયા માટે આતંકવાદી કરતૂતનું કેન્દ્ર બની ચૂક્યું
છે. પાડોશી ભારત અને અફઘાનિસ્તાન સાથે હંમેશાં સીમા પાર આતંકવાદના આક્રમણ કર્યાં છે.
પાકિસ્તાને ચારવેળા ભારતથી જંગમાં કારમો પરાજય ભોગવ્યો છે.
પાકિસ્તાન ભારતથી અલગ મુસ્લિમો
માટે અલગ રાષ્ટ્ર બનાવવા માટે થયું, પરંતુ પાકિસ્તાની રાજકર્તાઓએ શાંતિ અને વિકાસના
બદલે સંઘર્ષના પ્રોક્સી જંગનો માર્ગ પસંદ કર્યો છે તેનાં પરિણામ પાકિસ્તાનની જનતા ભોગવી
રહી છે. પાકિસ્તાન આતંકવાદની વૈશ્વિક રાજધાની બની ગયું છે. અનેક ઘોષિત ગ્લોબલ આતંકવાદીઓ
હાલના સમયે પણ પાકિસ્તાનમાં છૂપાયા છે. ભારતનું
વલણ સ્પષ્ટ છે; પાકિસ્તાન આતંક બંધ કરે પછી નવી દિલ્હી - ઈસ્લામાબાદ વચ્ચે મંત્રણા
થશે. પાકિસ્તાને ભારતવિરોધી આતંકવાદ ખતમ કરવો જ પડશે. હાલમાં સંયુક્ત રાષ્ટ્રમાં પણ
પાકિસ્તાને કાશ્મીર રાગ આલોપ્યો છે, જેનો ભારતે જડબાંતોડ જવાબ આપ્યો છે. આતંકવાદને
જડબાંતોડ જવાબ આપવા માટે ભારત સક્ષમ છે.
પાકિસ્તાની જનતાનો એક મોટો
વર્ગ શાસકોની ભૂલોને સારી રીતે જાણે છે, આમ છતાં પાકિસ્તાની સેના અને તેની જાસૂસી એજન્સી
ભારતવિરોધી વલણ ત્યાગવા તૈયાર નથી. પાકિસ્તાન ઘરઆંગણે જ અનેક સંકટોનો સામનો કરી રહ્યું
છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં અશાંતિ ફેલાવવાની પોતાની હરકતોથી બાજ નથી
આવી રહ્યું, તે પોતાના આંતરિક માળખા દ્વારા ભારતને ક્ષતિ પહોંચાડવાના પ્રયાસો કરતું
જ રહે છે, બોલીને ફરી જવું તેની તાસીર છે, તેની રગેરગમાં ભારતવિરોધી રક્ત વહી રહ્યું
છે, તેને લઈ તેના પર બાજનજર રાખવી અમારા માટે આવશ્યક બને છે.
વડા પ્રધાન મોદીએ એ ઉલ્લેખ
કરી કહ્યું છે કે, પાકિસ્તાને ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધ રાખવામાં હંમેશાં દગો જ આપ્યો
છે, કારણ કે તે હજી તેના જૂના માર્ગો પર જ ચાલી રહ્યું છે એથી નુકસાન એને જ થઈ રહ્યું
છે. ભારતને નીચું દાખવવાના ઇરાદા અને પ્રયાસોમાં તેને ભાન નથી કે તેની સામાજિક, આર્થિક
અને રાજકીય દુર્દશા વધતી જાય છે અને આંતરરાષ્ટ્રીય ક્ષિતિજ પર તેની રોજેરોજ હાંસી ઊડી
રહી છે. વડા પ્રધાન મોદી આમ છતાં આશાવાદી છે અને કહ્યું છે કે, એકને એક દિવસ પાકિસ્તાનમાં
સદ્બુદ્ધિ આવશે પણ કહેવું કઠિન છે કે ક્યારે આવશે?