• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

પાકિસ્તાનનો યુ-ટર્ન છતાં મિયાં ગીરે લેકિન...

મિયાં ગીરે લેકિન... પાકિસ્તાનનું ભારત સંબંધિત બધી જ બાબતોમાં આ વલણ વધુ એકવાર છતું થયું છે. ગાઈ-વગાડીને પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે ભારત સામેની ટી-20 વર્લ્ડ કપની મૅચનો બહિષ્કાર કર્યા બાદ હવે યુ-ટર્ન લેતાં આગામી રવિવારે કોલંબોમાં ભારત સામે રમવા મેદાનમાં ઊતરશે. બાંગ્લાદેશનું ઉપરાણું લેતાં મોટા ભાઈની ભૂમિકામાં આવેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આ પગલાંથી કોઈ સીધો લાભ થયો નથી, પણ બાંગ્લાદેશને અમે આઈસીસીના દંડથી બચાવ્યું એવો દેખાડો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, તેના વડા મોહસીન નક્વી અને શરીફ સરકાર કરી રહી છે. પાકિસ્તાને રાખેલી એક પણ શરત આઈસીસીના વડા જય શાહે સ્વીકારી નથી, આથી અમે તો આ બાંગ્લાદેશનાં હિતોનાં રક્ષણ માટે અને શ્રીલંકા તથા યુએઈ જેવા મિત્ર દેશોના આગ્રહને કારણે તથા ક્રિકેટનાં હિતમાં ભારત સામેની મૅચ  રમવાના છીએ. આ આખા ઘટનાક્રમમાં મજાની વાત એ છે કે, પાકિસ્તાન સરકારે મૅચના બહિષ્કારનો નિર્ણય લીધો એ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જ આઈસીસીનો સંપર્ક કરી બહિષ્કાર પાછો ખેંચવા બાબતે ચર્ચા શરૂ કરવાનો સંદેશ મોકલ્યો હતો. પાકિસ્તાનને આ વિવાદથી કોઈ દેખીતો લાભ થવાનો નહોતો, પણ નુકસાન ખાસ્સું થઈ શકે એમ હોવાથી, સરકાર અને બોર્ડની સાન ઠેકાણે આવી છે.

ભારતમાં અમારા ક્રિકેટરોની સુરક્ષા સામે જોખમ છે, એવું કારણ આપી બાંગ્લાદેશે વર્લ્ડ કપની મૅચો ભારતથી ખસેડી અન્યત્ર યોજવાની વાત કરી ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એવો સંકેત આપ્યો હતો કે, બાંગ્લાદેશની માગની ઉપેક્ષા કરવામાં આવશે, તો વર્લ્ડ કપમાં ભાગ લેવા અંગે અમારે પણ ફરી વિચાર કરવો પડશે. જોકે, આઈસીસી ટસની મસ ન થઈ અને વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશની હકાલપટ્ટી થઈ ત્યારે પાકિસ્તાને નવો રાગ આલાપ્યો - અમે ભારત સામેની મૅચ નહીં રમીએ. એ પછી આર્થિક નુકસાન તથા મૅચ ન રમાય તો બ્રૉડકાસ્ટરને નુકસાની ચૂકવવાની વાત આવી. પાકિસ્તાનના કરોડરજ્જુ વિનાના વડા પ્રધાન અને બોર્ડને ત્યાં સુધી એમ જ હતું કે આઈસીસીનું નાક દબાવી ભારતનું નાક કપાવી શકાશે. એ પછી પરિસ્થિતિ એવી થઈ કે, મુર્ગી જાન સે ગઈ ઔર ખાનેવાલે કો મઝા ભી નહીં આયા, આથી પાકિતાનને થૂંકેલું ચાટવા સિવાય કોઈ વિકલ્પ ન રહ્યો. આઈસીસીની આવકમાં મોટો હિસ્સો તથા ભારત-પાક વચ્ચે દ્વિ-પક્ષીય શ્રેણી ફરી શરૂ કરાવવા જેવી પીસીબીની શરતો સ્વીકારાવાની નહોતી, છતાં આગળ કરાઈ. ટી-20 વર્લ્ડ કપમાંથી ખસી જવાને કારણે બાંગ્લાદેશ સામે ક્રિકેટ વિશ્વમાં કેટલાંક દંડાત્મક પગલાં તોળાઈ રહ્યાં હતાં. જોકે, આઈસીસીએ સ્પષ્ટ કર્યું છે તે, બાંગ્લાદેશ સામે આર્થિક, રમત સંબંધી કે વહીવટી કોઈ પગલાં નહીં લેવાય. આ ઉપરાંત, 2031ના વન-ડે વિશ્વ કપ પહેલાં બાંગ્લાદેશની ધરતી પર આઈસીસી ઈવેન્ટ યોજવાની ખાતરી અપાઈ છે. પાકિસ્તાન આને પોતાની જીત ગણાવે છે પણ આઈસીસીની ચીમકીઓથી ચમકેલા નક્વી જાણે છે કે, ભારતને અપશુકન કરાવવાના પ્રયાસમાં પાકિસ્તાન ક્રિકેટનું બહુ મોટું નુકસાન કરી બેઠું છે. યાદ રહે, પીસીબી ચૅરમૅન હોવા ઉપરાંત નક્વી પાકિસ્તાનના ગૃહપ્રધાન પણ છે અને ભારત સામેની મૅચના બહિષ્કાર પછી નાકલીટી તાણી રમવા તૈયાર થવાના નિર્ણયથી દેશમાં તેમની સામેનો વિરોધ બુલંદ થયો છે.