કેટલાક યુવાન બેરોજગારો વંદાઓ સિસ્ટમ પર હુમલા કરે છે તથા એક વર્ગ પરજીવીની જેમ સમાજ પર નભી રહ્યો છે, એવી ચીફ જસ્ટિસ અૉફ ઈન્ડિયા સૂર્યકાંતે કરેલી ટિપ્પણી બાદ આખી વાતને એ રીતે રજૂ કરવામાં આવી કે, જાણે તેમણે દેશના યુવાનોને પરજીવી અને વંદા ગણાવ્યા હોય. વળી, જાણે કે દેશની સર્વોચ્ચ અદાલત તંત્ર સામે વિરોધ કરનારાઓને સુપ્રીમ કોર્ટે પરજીવી કહ્યા હોય એવો હોબાળો ઊભો કરાયો. આખરે સૂર્યકાંતે સ્પષ્ટતા કરવી પડી કે, એક ક્ષુલ્લક કેસની સુનાવણી દરમિયાન કરાયેલા મારા મૌખિક નિરીક્ષણને ખોટી રીતે ચગાવવામાં આવ્યો છે. કાયદાકીય વ્યવસાયમાં ખોટી અથવા બનાવટી ડિગ્રીની મદદથી પ્રવેશેલા લોકોની ટીકા કરતી એ ચોક્કસ ટિપ્પણી જાણે બધાને લાગુ પડતી હોય એ રીતે રજૂ કરાઈ છે. જે કેસના સંબંધમાં ચીફ જસ્ટિસે ટિપ્પણ કરી હતી તેમાં એક વકીલે સિનિયર ઍડવોકેટના ડેઝિગ્નેશનના નિયમનની સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શિકાના અમલમાં દિલ્હી હાઈ કોર્ટ દ્વારા થઈ રહેલા કથિત વિલંબ બાબતે હતો. આ અરજીની સુનાવણી હાથ ધરવાનો ઈન્કાર કરતા સુપ્રીમ કોર્ટની ખંડપીઠે (જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલા બાગચી) નિરીક્ષણ કર્યું હતું કે, સિનિયર ઍડવોકેટ એ અદાલત દ્વારા આપવામાં આવેલી વિશિષ્ટ યોગ્યતા છે, સ્ટેટસ સિમ્બૉલ નથી. વળી, સર્વોચ્ચ અદાલતે આ સાથે બનાવટી કે ખોટી ડિગ્રી ધરાવતા વકીલોની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરતા આ બાબતમાં તપાસ હાથ ધરવાની વાત પણ કરી હતી. આખી વાતમાંથી માત્ર પરજીવી અને વંદાઓવાળી વાતને જ ચગાવવામાં આવી છે.
સમાજમાં એવા પરજીવીઓ
છે, જેઓ સિસ્ટમ પર હુમલા કરે છે, તેમની પાસે કોઈ રોજગાર નથી કે વ્યવસાયનું કોઈ ઠેકાણું
છે. તેમાંથી કેટલાક મીડિયા બની જાય છે, કેટલાક સોશિયલ મીડિયા બની જાય છે, તો થોડાક
આરટીઆઈ ચળવળકાર બની જાય છે અને પછી તેઓ સૌકોઈ પર હુમલા કરે છે, એવી ચીફ જસ્ટિસની ટિપ્પણી
જરાય અણછાજતી કે અયોગ્ય નથી. છેલ્લા એકાદ દાયકામાં વિવિધ માધ્યમો પર સિસ્ટમ પર દરેક
વાતે હુમલા કરવાનું પ્રમાણ વધ્યું છે. લોકતંત્રમાં વિરોધ અને અસહમતી મહત્ત્વની બાબત
હોવા છતાં તેનો અતિરેક ઘણીવાર વિના કારણ વ્યવસ્થામાં અવરોધ ઊભા કરે છે. ખાસ તો ન્યાયતંત્રમાં
આ પ્રકારનાં તત્ત્વો પહેલેથી જ તાણ હેઠળના ન્યાયતંત્રમાં વધુ વિલંબો સર્જે છે અને કેસોનો
ભરાવો થયા કરે છે. વળી, બનાવટી અને ખોટી ડિગ્રીઓનું દૂષણ પણ કાયદાકીય વ્યવસાયમાં વધી
રહ્યું હોવાનું પણ જોવા મળ્યું છે.
ચીફ જસ્ટિસ અૉફ
ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું કે, દેશના યુવાનો પર મારી ટિપ્પણ નહોતી. યુવાનો દેશનું ભવિષ્ય
છે, રાષ્ટ્રના વિકાસના સ્તંભ છે અને તેમની પાસેથી મને પ્રેરણા મળે છે. તેમના માટે મને
માન છે. ગંભીર અને મહત્ત્વનાં ક્ષેત્રોમાં બેજવાબદારપણે વર્તતા લોકોને કારણે આખા ક્ષેત્રનું
નામ ખરડાતું હોવાનું જોવા મળે છે. આવામાં, સુપ્રીમ કોર્ટની ટિપ્પણને યોગ્ય અર્થમાં
લઈ તેના આ મોરચે તપાસ હાથ ધરી ખોટી કે બનાવટી ડિગ્રી ધરાવનારાઓને બહાર કાઢવા એ સમયની
માગ છે.