• મંગળવાર, 19 મે, 2026

જરાંગે-પાટીલ ફરી મેદાનમાં

મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલે વધુ એકવાર રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપતાં 30મી મેથી આમરણ અનશન પર બેસવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મરાઠા સમાજને ગેરમાર્ગે દોરી તેમની સાથે છેતરાપિંડી કરી છે, એવો સીધો આક્ષેપ કરતા જરાંગે-પાટીલે મરાઠાઓને કુણબી તરીકેનાં પ્રમાણપત્ર આપવા તથા સાતારા, હૈદરાબાદ તથા અન્ય સંસ્થાનોના ગૅઝેટ અધ્યાદેશ લાગુ કરવા, મરાઠા આંદોલનકારીઓ સામેના રાજ્યમાંના તમામ ગુનાઓ પાછા ખેંચવા તથા આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનોને મહાવિતરણ તથા એમઆઇડીસીમાં નોકરીઓ આપવાનો અધ્યાદેશ બહાર પાડવાની માગણી પૂરી કરવા માટે 29મી મે સુધીનો સમય આપ્યો છે. જો, સરકાર આ વખતે અમારી સાથે ચાલાકી કરશે તો 30મી મેથી બહુ મોટું આંદોલન થશે. જરાંગે-પાટીલ છેલ્લાં ત્રણેક વર્ષથી મરાઠા આંદોલનનો મુખ્ય ચહેરો બની ગયા છે અને મરાઠાઓને ઓબીસીને મળતા લાભ મળે તથા સરકારી નોકરીઓ તથા શિક્ષણમાં અનામત મળે એ મુખ્ય માગ લઈ તેઓ સતત લડતા રહ્યા છે. ગયા વર્ષે અૉગસ્ટ-સપ્ટેમ્બરમાં મુંબઈમાં મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી આવેલા મરાઠા આંદોલનકારીઓએ અનેક દિવસો સુધી ચક્કાજામ કર્યા બાદ સરકારે તેમની માગ માન્ય રાખી હતી. જરાંગેનું હવે કહેવું છે કે, સરકાર પોતાનું વચન પાળી રહી નથી અને અમારી સાથે છેતરાપિંડી કરી રહી છે.

મહારાષ્ટ્ર સરકાર માટે મરાઠા અનામતનો મુદ્દો બહુ લાંબા સમયથી મુશ્કેલીનું કારણ બન્યું છે. સરકારો મરાઠાઓને ઓબીસીના લાભ આપવા તૈયાર છે, પણ તેમાં એક સમસ્યા છે આવું કરવાથી એકંદર અનામતનું પ્રમાણ 51 ટકાથી વધી જાય છે, આથી અદાલતના આદેશ અનુસાર આવું થઈ શકે એમ નથી. તો, બીજી તરફ ઓબીસી ક્વૉટામાં મરાઠાઓને અનામત અપાય એ સામે ઓબીસી જૂથોનો તથા સત્તાધારી મહાયુતિમાંના કેટલાક રાજકીય નેતાઓનો પણ વિરોધ છે. જરાંગે પોતે પણ કહી ચૂક્યા છે કે ઓબીસીનો હક છીનવી અમને અપાય એવું મરાઠા નથી ઇચ્છતા. છતાં, તેઓ રાજ્યના તમામ મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવાની માગ પર અટળ છે. મુંબઈમાં મરાઠા સમાજ એકત્ર થયો ત્યારે રાજ્ય સરકારે કુણબી પ્રમાણપત્ર અપાશે એનું આશ્વાસન આપ્યું હતું, પણ હવે તેમણે આ પ્રમાણપત્રો શા માટે રોકી રાખ્યાં છે? એવો સવાલ કરતા જરાંગેએ લડી લેવાનો હુંકાર કર્યો છે. છેલ્લાં ત્રણેક વર્ષમાં એકથી વધુ વાર મરાઠા આંદોલને સરકારને અસ્વસ્થ કરી મૂકી છે. મરાઠાઓના નામે રાજરમત પણ જોરમાં ચાલી રહી છે. જોકે, અત્યાર સુધીમાં આ આંદોલનનો મંચ બિન-રાજકીય રહ્યો છે. જોકે, ચોક્કસ રાજકીય પક્ષનો આ આંદોલન પાછળ હાથ હોવાના આક્ષેપો પણ થતાં રહ્યા છે. મરાઠા સમુદાય આ આંદોલન સાથે મક્કમપણે ઊભો છે ખાસ કરીને મરાઠવાડામાં.

જરાંગે પણ આ વખતે વધુ આક્રમક જણાય છે, તેમણે કહ્યું છે કે, મારા વિરોધમાં બોલવા માટે કેટલાક  પ્રધાનોએ એક સંગઠનને બે-બે કરોડ રૂપિયા આપ્યા છે. મરાઠા સમાજમાં ફૂટ પડાવવા માટે પણ પ્રયત્નો થઈ રહ્યાનો દાવો જરાંગેએ કર્યો છે. સરકારી અધ્યાદેશ સંદર્ભમાં ચર્ચા કરવા માટે જરાંગેએ 28મી મેએ અભ્યાસકોની એક બેઠક પોતાના ગામ અંતરવાલી સરાટી ખાતે યોજી છે. મરાઠાઓ અને જરાંગે-પાટીલ સાથે કામ લેવાનું ફડણવીસ માટે પડકારરૂપ બની રહેશે એવું જણાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ