• બુધવાર, 20 મે, 2026

બાઈક ટૅક્સી મુદ્દે યુ-ટર્ન

લોકોની સુરક્ષા બાબતે સરકારનો આગ્રહ યોગ્ય છે, પણ ઉતાવળે અને ઉત્સાહમાં ગૂગલ સ્ટોર અને ઍપલ સ્ટારમાંથી ઍપ જ દૂર કરવાનો આદેશ ઊભડક ગણાય બાઈક ટૅક્સીને મહારાષ્ટ્રમાં મંજૂરી આપવામાં આવી નથી, આથી અનધિકૃત રીતે ચાલતી એ સેવા બંધ કરવાની નોટિસ મહારાષ્ટ્ર પોલીસના સાયબર સેલે ઉબર, ઓલા અને રૅપિડો જેવી કંપનીઓને મોકલી આપી. વળી, તાકીદ કરી કે બાઈક ટૅક્સી સેવાની ઍપ ગૂગલ સ્ટોર પરથી હટાવી લેવામાં આવે. જોકે, ચોવીસ કલાકમાં નોટિસ પાછી ખેંચી લીધી, જેના પગલે પરિવહન ખાતું, સાયબર સેલ તથા સરકારી અધિકારીઓની હાંસી ઊડી છે કે, શું આ લોકોને એટલી પણ ખબર નથી કે, ત્રણેય ઍપ પર ટૅક્સી, રિક્ષા અને બાઈકની સેવાના વિકલ્પો હોય છે અને આ ઍપ દૂર કરવામાં આવે તો બધી જ સેવા સંપૂર્ણપણે બંધ થઈ જાય. આ પહેલાં પરિવહન ખાતાએ પહેલી મેથી રિક્ષા-ટૅક્સીચાલકો માટે મરાઠી બોલવું-વાંચવું-લખવું ફરજિયાત કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે પણ વિરોધ થતાં તેનો અમલ હાલ પૂરતો ટાળી દેવાયો છે. આમ ઉતાવળે નિર્ણયો લઈ પછી બ્રૅક મારવી અને એકાએક યુ-ટર્ન લેવાનું પરિવહન ખાતા દ્વારા વારંવાર થઈ રહ્યું છે.

નવેમ્બર, 2020માં રૅપિડોએ બાઈક ટૅક્સી સેવા મહારાષ્ટ્રમાં શરૂ કરી હતી, એ વખતે તત્કાલીન ટ્રાન્સપોર્ટ કમિશનરે કહ્યું હતું કે, કંપનીની અરજી નામંજૂર કરાઈ હતી અને તેમને આ સેવા શરૂ કરવા માટેનો પ્રસ્તાવ ટ્રાન્સપોર્ટ ખાતાને મોકલવાના નિર્દેશ અપાયા હતા. 2022માં કંપનીની અરજી પુણે આરટીઓએ નકારતાં કારણ આપ્યું કે, આના માટે ઔપચારિક નીતિ માળખું જ નથી. 2023ની શરૂઆતમાં બૉમ્બે હાઈ કોર્ટે લાઈસન્સ વિના બાઈક ટૅક્સી સેવા ચલાવવા બદલ રૅપિડોનો કાન આમળ્યો હતો અને આ સેવા રાજ્યમાં એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી હતી. સુરક્ષાનું કારણ આગળ કરી રાજ્ય સરકારે આ ટુ-વ્હીલર સેવા પર પ્રતિબંધ મૂકતો ઠરાવ પસાર કર્યો. એ પછી ગયા વર્ષના અંતે સરકારે ત્રણેય કંપનીઓને બાઈક ટૅક્સી સેવા માટે ત્રીસ દિવસનાં લાઈસન્સ આપ્યાં અને માત્ર ઈલેક્ટ્રિક બાઈકનો જ ઉપયોગ આ સેવા માટે થઈ શકશે એવી નીતિ ઘડી. જોકે, આ કંપનીઓએ આ નિયમ પાળવાની તસ્દી લીધી નહીં આથી ગત માર્ચમાં સરકારે આ સેવા માટેનાં લાઈસન્સ પાછાં ખેંચવાનું પગલું લીધું અને છતાં આ પ્લૅટફૉર્મ પર આ સેવાઓ અવિરત ચાલુ હતી.

વળી, ડ્રાઈવરોની ચકાસણીમાં ખામીઓ, અપૂરતા વીમા તથા મહિલા સુરક્ષા પગલાં બાબતે કચાશ જેવા મુદ્દા તથા મુંબઈમાં બાઈક ટૅક્સીને સાંકળતા જીવલેણ અકસ્માતના કિસ્સા સામે આવવાને પગલે સરકારે કડક રુખ લીધો છે. લોકોની સુરક્ષા બાબતે સરકારનો આગ્રહ યોગ્ય છે, પણ ઉતાવળે અને ઉત્સાહમાં ગૂગલ સ્ટોર અને ઍપલ સ્ટારમાંથી ઍપ જ દૂર કરવાનો આદેશ ઊભડક ગણાય. વળી, મુંબઈના ટ્રાફિકમાં બાઈક ટૅક્સીને કારણે વધારો થઈ શકે એ ચિંતામાં પણ વજૂદ તો ખરું, પણ મુંબઈમાં બેસ્ટની બસોની ઘટતી સંખ્યા, રિક્ષા-ટૅક્સીચાલકોની ભાડાં નકારવાની દાદાગીરી વચ્ચે ઓલા, ઉબર અને રૅપિડો જેવા મંચ મુંબઈગરા માટે આશીર્વાદરૂપ બન્યા છે. આશા રાખીએ કે, સાર્વજનિક પરિવહન સેવા સુધરે અને પરિવહન ખાતા પાસેથી અબાઉટ-ટર્ન જેવા નિર્ણયો ન આવે.