• શુક્રવાર, 29 મે, 2026

હીટવેવ અને વડા પ્રધાનની હિદાયત

આ વર્ષે ઉનાળામાં ગરમીએ માઝા મૂકી છે અને ભારતની 76 ટકા જનસંખ્યા પારાવાર ગરમીનો સામનો કરી રહી છે, આવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી દૃષ્ટિકોણ અપનાવવા પર ભાર આપ્યો છે. હીટવેવ વચ્ચે વ્યક્તિગત તકેદારીઓ, સામુદાયિક સંભાળ તથા અન્યો પ્રત્યે અનુકંપાની ભાવના રાખવાની અપીલ વડા પ્રધાને કરી છે. હાલમાં જ યોજાયેલી કૅબિનેટની બેઠકમાં તમામ મંત્રાલયોને તાકીદ કરી કે, હીટવેવથી લોકોની સુરક્ષા બાબતે પગલાં લેવામાં આવે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસો પર ભાર આપ્યો હતો અને બેઠકમાં ચર્ચાયેલી બાબતો પર તરત અમલ કરવાની તાકીદ પણ તેમણે કરી. એક વાત તો સ્પષ્ટ છે કે, હીટવેવ હવે માત્ર હવામાન સાથે સંકળાયેલી બાબત રહી નથી.

દેશના શહેરી વિસ્તારોમાં ગરમીની સમસ્યા વધુ વ્યાપક છે. એક તો કપાતાં વૃક્ષો અને એમાં ખરાબ આયોજન સાથે થયેલો વિકાસ આ સમસ્યાના મૂળમાં છે. આ સાથે જ શહેરોમાં વસ્તી, ગીચતા, પ્રદૂષણ અને કૉંક્રીટીકરણ તેને વધુ વકરાવે છે. વળી, શહેરોમાં લોકોને રોજબરોજ ઘરની બહાર નીકળવું અનિવાર્ય હોય છે અને આવામાં તેમના પર હીટવેવના ભોગ બનવાનું જોખમ વધુ હોય છે.

વર્લ્ડ હૅલ્થ અૉર્ગેનાઈઝેશનના આંકડા અનુસાર, વર્ષ 2000થી 2004ની સરખામણીમાં 2017થી 2021 વચ્ચે 65 વર્ષથી વધુ વયના લોકોમાં ગરમીને કારણે થયેલા મૃત્યુમાં 85 ટકા જેટલો વધારો નોંધાયો છે. આથી, વડા પ્રધાને સૂચના આપી છે કે, શક્ય હોય ત્યારે તમારાં માતા-િપતા કે દાદા-દાદી જેવા વડીલોની હીટવેવ દરમિયાન પૃચ્છા કરતા રહેવી. તેમને સતત પાણી પીતાં રહેવાનું યાદ અપાવો તથા તડકામાં બહાર નીકળવાનું ટાળવા તથા આરામ લેવાનું કહો.

મોદીએ આપેલી સૂચનાઓ સામાન્ય છે અને ઉનાળા પહેલાં ઘરના વડીલો પણ આપતા હોય છે, પણ તેમણે આ વાત પર ભાર આપ્યો છે, એ દેખાડે છે કે ગરમીની સમસ્યાને ગંભીરતાથી લેવાની અને સાવચેતી રાખવાની જરૂર છે. પોતાનું ધ્યાન રાખવા સાથે અન્યોની દરકાર લેવાની વાત દર્શાવે છે કે, હીટવેવ રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે. અન્ય આપદા કે ઘટનાઓમાં લોકો રાહત-મદદ માટે દોડી આવે છે, એવા સહકાર, જાગરૂકતા અને સંવેદનશીલતાની જરૂર આત્યંતિક ગરમીના દિવસોમાં પણ આવશ્યક છે, એ વાતને વડા પ્રધાન લોકો સુધી પહોંચાડવા માગે છે. ભારતમાં ભીષણ ગરમીનું કારણ ક્લાયમેટ ચૅન્જ છે અને આગળ જતાં પરિસ્થિતિ વધુ વણસવાની શક્યતા છે, આથી નાગરિકો અને સરકારોએ સાથે મળી લાંબા ગાળાના ઍક્શન પ્લાનને અપનાવવાની જરૂર છે. જે રીતે ચોમાસા અને ઉનાળા માટે વહીવટી સ્તરે તૈયારીઓ હાથ ધરવામાં આવે છે, તેમ ઉનાળા માટે પણ આયોજન કરવાનો સમય આવી ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ