ગીરના જંગલમાં વિહાર અને વસવાટ કરતા સિંહોના જીવન અને સ્વાસ્થ્ય ઉપર ફરી એકવાર સંકટનો ઓછાયો દેખાઈ રહ્યો છે. એશિયાટિક સિંહની એકમાત્ર ભ્રમણભૂમિ એવા ગીરમાં વન્યસૃષ્ટિ અને વિશેષતઃ સિંહના સંવર્ધનમાં સરકાર અને વન પ્રશાસન દ્વારા નોંધપાત્ર, માતબર અને સાતત્યપૂર્ણ પ્રયાસો થયા છે, છતાં સિંહના જીવ જોખમમાં મુકાતા હોવાના કિસ્સા પણ બને છે. વનમાં પ્રદૂષણથી લઈને માનવીય રંજાડ દૂર કરવાની દિશામાં હજી કામ કરવું જરૂરી છે. વન્ય સંપદા પ્રવાસન વિકાસ માટે સાધ્ય છે, તેનું સાધન તેને બનવા દેવાય જ નહીં.
માનવી કે પ્રાણીમાં વાઇરસ ફેલાય તે કુદરતને આધીન છે
અને તેમાં વિશેષ કશું થઈ શકે નહીં, છતાં સેજળ પીતા આ સાવજોને જરૂર પડÎે રોગવિરોધી રસી
તો અપાય છે. 2018માં સીડીવી- કેનન ડિસ્ટેમ્પર વાઇરસને લીધે ગીરની સરસિયા રેન્જમાં બે
માસના ટૂંકા ગાળામાં 27 સિંહનાં મૃત્યુ થયાં હતાં. વનવિભાગ વાઇરસને કદાચ ન રોકી શકે,
પરંતુ વાઇરસ ફેલાવતાં કારણ કે સ્થિતિ ઉપર નિયંત્રણ મૂકી શકે. સિંહ અને માનવના સહઅસ્તિત્વનો
મુદ્દો આ સંદર્ભે ઘણા સમયથી અગત્યનો છે. મધ્યગીર ગણાતા સાસણ-હવે ગીર સોમનાથ વિસ્તારમાં
આ અંગે જાગૃતિનું મોટું કામ થયું છે અને તેને સફળતા મળી છે. સિંહના અપમૃત્યુ ન થાય
તે માટે ખેડૂતો, નેસવાસીઓને સતર્ક કરાયા છે.
અન્ય વિસ્તારમાં આ કામ કરવાનો અવકાશ છે. જંગલની આસપાસનાં
ગામો અને અંતરિયાળ વિસ્તારમાં થતા ગેરકાયદે સિંહદર્શન સત્વરે બંધ કરાવવા આવશ્યક છે.
આ સિંહદર્શન માટે સિંહને જે મારણ અપાય તેને લીધે વાઇરસ ફેલાવાનું જોખમ અનેકગણું છે.
સિંહના મૃત્યુની ઘટના નિવારવા માટે જંગલની અંદર કૂવા
ફરતે પાળી, ફેન્સિંગ કરવાનાં પગલાં લેવાય છે, પરંતુ સિંહદર્શનનો વેપાર બંધ કરાવવા નક્કર
કામ નથી થતું. ક્યાં શું થાય છે? તે વનવિભાગ જાણે છે. સિંહદર્શનનાં વાહનથી લઈને અંદર
અપાતાં ભોજનનાં પૅકેજ છે. અધિકારીઓને થોડો ડર પણ છે અને થોડાં પ્રલોભનો છે. કામ આ દિશામાં
થવું જરૂરી છે. ગીર વિશ્વભરના પ્રવાસીઓનાં આકર્ષણનું સ્થળ બન્યું છે તે સારી વાત છે,
પરંતુ તેને લીધે તેની નૈસર્ગિકતા ઉપર જ જોખમ ઊભું થયું છે. ગીરમાં બનેલા અદ્યતન, ભવ્ય
રિસોર્ટ-હૉટેલ, ફાર્મ હાઉસ જંગલનું મૂળ સ્વરૂપ બગાડી રહ્યા છે. સરકારે નેસવાસીઓને બહાર
કાઢÎા, રિસોર્ટને ઘૂસવા દીધા. વાહનોની વધતી સંખ્યા, જંગલમાં વધતો માનવીઓનો ધસારો સહિતની
બાબતો છે જેના ઉપર ધ્યાન અપાવું જોઈએ. ત્રણ સિંહબાળનાં મોત પછી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર
પટેલે વિશેષ બેઠક બોલાવી, વનપ્રધાન અર્જુન મોઢવાડિયા પોતે તંત્રના સીધા સંપર્કમાં છે
તે આવકાર્ય છે. સિંહ અને ગીર તો અભિન્ન છે. ગીર ઉપર આપણું પર્યાવરણ અને અર્થકારણ બન્ને
પર નિર્ભર છે. કુદરતી મૃત્યુ નિવાર્ય નથી. સિંહના વસવાટ અને જીવન ઉપર માનવીય જોખમ વધે
નહીં તે જોવું જ જોઈએ.