2008માં અમદાવાદમાં થયેલા ઘાતક-જીવલેણ બૉમ્બધડાકાની ઘટનાના 38 આરોપીને ફાંસીના માંચડે ચડાવવાની ટ્રાયલ કોર્ટે આપેલી સજા હાઈ કોર્ટે યથાર્થ ઠેરવી છે. બૉમ્બધડાકામાં જેમના મૃત્યુ થયાં હતાં તેમના પરિવારજનના ઝખ્મો ઉપર તો આ એક પ્રકારે મલમ છે જ, સાથે જ આતંકવાદ સામે ભારતની અવિરત લડાઈનો આ વધુ એક પુરાવો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરેલી દીર્ઘકાલીન અને સચોટ તપાસનું આ પરિણામ છે. ગુજરાત હાઈ કોર્ટનો આ ચુકાદો એટલા માટે પણ અગત્યનો છે કે આતંકવાદીઓ માટે કોઈ જ દયા કે આર્દ્રતા દર્શાવવામાં આવી નથી અને સામે મૃતકો તથા ઘાયલો માટે આર્થિક સહાયનો આદેશ રાજ્ય સરકારને કરાયો છે.
2008ની
26મી
જુલાઈએ અલગઅલગ 20 સ્થળે થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બધડાકાએ ધબકતા-દોડતા અમદાવાદ શહેરને સ્તબ્ધ કરી દીધું હતું. 56 માણસોએ ગણતરીની કલાકોમાં પોતાના જીવ ખોયા હતા. કેટલી હદે ક્રૂર લોકોએ પોતાની અત્યંત વિકૃત અને વરવી, માનવતાવિરોધી માનસિકતાના પરિણામે આ કૃત્યને અંજામ આપ્યો હશે કે જ્યાં ઘાયલોને લઈ જવાતા હતા તે સિવિલ હૉસ્પિટલને પણ તેમણે છોડી નહોતી! ત્યાં પણ બૉમ્બધડાકા થયા હતા. 99 લોકોની તપાસ બાદ 82 આરોપીની ધરપકડ થઈ હતી. તપાસની મુખ્ય એજન્સી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ રહી હતી. સ્પેશિયલ સિટી કોર્ટે 49 આરોપીને દોષિત ઠેરવીને 38ને ફાંસી અને 11ને આજીવન કેદની સજા આપી હતી.
18 ફેબ્રુઆરી, 2022ના રોજ આ ચુકાદો આવ્યા બાદ કેસ હાઈ કોર્ટમાં ચાલ્યો હતો. 1163 સાક્ષીની જુબાની અને 8 લાખ પાનાંના દસ્તાવેજના આધારે દોઢ વર્ષ આ કેસની સુનાવણી ચાલ્યા બાદ આ ચુકાદો આવ્યો છે. ધડાકા થયા ત્યારે ગુપ્તચર એજન્સીઓની ટીકા કરનારાઓએ કરી હતી, પરંતુ પછી પોલીસે આ કેસમાં ઘણું ઝીણુ કાંત્યું છે, ધમાકાની થોડી કલાકો પહેલાં ઇન્ડિયન મુજાહિદ્દીનના નામે ધમકીભર્યા ઈ-મેઈલ મોકલાયા હતા. ધમાકા માટે ચોરાયેલી મોટરકારનો ઉપયોગ થયો હતો સહિતના પુરાવા પોલીસે સખત મહેનત કરીને એકઠા કર્યા હતા. બૉમ્બ માટે ગૅસ સિલિન્ડર ખરીદાયા તે દુકાનની ઓળખ, સાઇકલ બૉમ્બ માટે સાઇકલ ક્યાંથી ખરીદાઈ તે દુકાન સહિતનું સંશોધન પોલીસે સતત કર્યા કર્યું. 11 રાજ્યમાં આ ધડાકાનાં જોડાણો મળી આવ્યાં હતાં.
સરકાર
અને સેનાની સાથે જ ભારતની ન્યાયપાલિકા પણ આતંકવાદની સખત વિરુદ્ધ વલણ અપનાવે છે. રાષ્ટ્રવિરોધી, માનવતાવિરોધી કોઈ કૃત્ય થશે તો આ જ હાલ થશે તેવો સ્પષ્ટ સંદેશ છે. કોર્ટે મૃતકના પરિવારોને 10 લાખ રૂપિયા અને ઘાયલ થયેલાઓના પરિજનોને 5 લાખ રૂપિયાની સહાય કરવાનો આદેશ કર્યો છે, જેનો અમલ તત્કાલ થશે તેવી ખાતરી રાજ્ય સરકાર વતી ગૃહપ્રધાને આપી છે. ગુજરાતમાં 2002માં થયેલા રમખાણના પાયામાં રહેલો ગોધરાકાંડ, અક્ષરધામ ઉપરનો હુમલો, 2008ના શ્રેણીબદ્ધ બૉમ્બધડાકા સહિતની ઘટનાઓ સામે ચુસ્ત કાર્યવાહી થઈ છે, આજે આવેલો ચુકાદો તેનું જ ઉદાહરણ છે. જે કોઈ ઊંચી આંખ કરીને ભારત-ગુજરાતની શાંતિ સામે જોશે તેનો અંત ફાંસીનો માંચડો જ છે તે સંદેશ આ ચુકાદામાંથી સંભળાઈ રહ્યો છે.