• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

આંદોલન બરાબર, અરાજકતાનો અધિકાર નથી

દિલ્હી અને દેશના અન્ય હિસ્સાઓમાં પ્રસરેલી આંદોલનની આબોહવાની વચ્ચે સુપ્રીમ કોર્ટનું વલણ અગત્યનું નિવડે તેવું છે. કોર્ટે મુદ્દાસર આ વિષય ઉપર વાત કરી છે જેનો સાર એટલો છે કે લોકતંત્રમાં આંદોલન તો નાગરિકનો અધિકાર છે. તેને અપરાધ ગણી શકાય નહીં, તેની સામે આંદોલનના અંચળા નીચે અરાજકતા અને અપરાધી પ્રવૃત્તિ પણ ચલાવી શકાય નહીં. જંતર-મંતર વિસ્તારમાં થયેલા નવી પેઢીના પરીક્ષાલક્ષી આંદોલનના દૂરોગામી પરિણામ તો જે આવે તે સમય કહેશે, પરંતુ દેશની ન્યાયપાલિકા-સર્વોચ્ચ ન્યાયાલય આંદોલન માટે શું અભિપ્રાય ધરાવે છે તે સ્પષ્ટ થયું. 

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્ત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી તથા વી. મોહનાની બેન્ચે આંદોલન કરનારા વિદ્યાર્થીઓ સામે પોલીસબળનો ઉપયોગ કરવાનો આરોપ મૂકતી અરજીનો ઉલ્લેખ કરતી વખતે એવું કહ્યું કે શાંતિપૂર્ણ અને કાયદેસર વિરોધ કરવાનો અધિકાર બંધારણીય રીતે સુરક્ષિત છે. જો કોઈ આંદોલન જ કરતું હોય તો લાઠીચાર્જને યોગ્ય ઠેરવી શકાય નહીં. પોલીસ દ્વારા જો અતિરેક થયો હોય તો સ્વતંત્ર રીતે તે તપાસનો મુદ્દો બને છે. પ્રદર્શનો સામે પોલીસ કાર્યવાહી કરે તો તેનો પ્રોટોકોલ હોવો જોઈએ. ફક્ત કોઈ વિરોધ કરે છે એટલે લાઠીઓ વરસાવવી તે યોગ્ય નથી. સાથે જ જસ્ટિસ બાગચીએ એવું પણ કહ્યું કે આવા ઘર્ષણમાં ઘાયલ થનાર વ્યક્તિ આંદોલનકર્તા હોય કે પોલીસ કર્મચારી હોય, તે ચિંતાનો જ વિષય છે. 

પોલીસ જ્યારે આવા કોઈ મોરચાની સામે જાય ત્યારે તેમની પાસે હેલમેટ સહિતનાં સાધનો હોવા જરૂરી છે. સુપ્રીમ કોર્ટે અત્યંત તટસ્થ રીતે આખી વાતને જન ગણ સમક્ષ મૂકી છે. આંદોલનને તેમણે જનતાનો અધિકાર ગણાવ્યું છે. આંદોલન થતું હોય ત્યારે પોલીસ જો વધારે પડતું સખત વલણ દાખવે તો તે યોગ્ય નથી. દેશભરના આંદોલનકારીઓની વિરુદ્ધ કોઈપણ દંડનાત્મક કાર્યવાહી ન કરવી તેવું કોર્ટે કહ્યું છે, સગીર આંદોલનકર્તાને તરત મુક્ત કરવા પણ જણાવ્યું છે. વિવિધ રાજ્યોને પણ સુપ્રીમ કોર્ટે નોટિસ આપીને પોલીસ કાર્યવાહી અને હિંસક ઘટનાઓના કારણની નિષ્પક્ષ તપાસના આદેશ આપ્યા છે. 

કોર્ટે કહ્યું છે કે જેમની પશ્ચાદ્ભૂ ગેરકાનૂની પ્રવૃત્તિઓવાળી હોય, ગુનાઈત કામોમાં જેમના નામ અગાઉ આવી જ ચૂક્યા હોય અને જેઓ આંદોલનમાં હોય તેમના માટે રાહતની કોઈ શક્યતા જ નથી. તેમને બક્ષવામાં ન આવે. લોકોને આંદોલનનો અધિકાર છે, અંધાધૂંધીનો નહીં. એક આંદોલન પછી આવેલી આ કાનૂની પ્રતિક્રિયા દેશભરમાં ભાવિ આંદોલનો સંદર્ભે પ્રશાસન અને આંદોલનકર્તા બન્ને માટે માર્ગદર્શક બની રહેશે.