નીટના પેપર લીક પ્રકરણથી રચાયેલી કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ આ મામલે કેન્દ્રના શિક્ષણ પ્રધાનપદેથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સરકાર પાસે પરાણે મનાવીને વિજય મેળવ્યો છે, પણ આ દરમિયાન રાજધાની દિલ્હીના જંતરમંતર પર યુવાનોની તીવ્ર બનેલી લાગણીઓ અને તેની સામે પોલીસે લીધેલાં પગલાંની હવે ચોમેર ચર્ચા છે. એક તરફ, સીજેપીએ દેખાવકારો સામેના પોલીસ કેસ આટોપી લેવા અને તેમના દેખાવો દરમિયાન બળપ્રયોગ કરનાર પોલીસ જવાનો - અધિકારીઓની સામે કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. સંસદમાં આ મુદ્દો ગાજી રહ્યો છે ત્યારે હવે સર્વોચ્ચ અદાલતે પોલીસ પગલાંની સ્વતંત્ર તપાસની હિમાયત કરી છે. સાથોસાથ સગીર વિદ્યાર્થીઓ અને કોઈ ગુનાહિત ભૂતકાળ ન હોય તેવા અન્ય દેખાવકારોને રાહત આપવાની સૂચના આપી છે.
આખા દેશનું ધ્યાન આકર્ષિત કરનાર સીજેપી હવે પોલીસની કાર્યવાહીમાં પોતાના કાર્યકરો ભોગ બન્યાનું જણાવીને જવાબદારો સામે પગલાં લેવા દબાણ ઊભું કરી રહી છે ત્યારે આખા પ્રકરણમાં હવે નવું પરિમાણ ઉમેરાયું છે. દેખાવો દરમિયાન હુમલાનો ભોગ બનેલા પોલીસના પરિવારજનોએ જવાબદારો સામે પગલાં લેવા સર્વોચ્ચ અદાલતનાં દ્વાર ખટખટાવ્યાં છે. દિલ્હી પોલીસ સૂત્રો તરફથી સાંપડેલી એક વિગત એવી પણ છે કે, સંસદ તરફ કૂચમાં અને દેખાવોમાં અપરાધીક રેકૉર્ડ ધરાવતાં તત્ત્વો ભળી ગયાં હતાં અને તેમણે હુમલા-ભાંગફોડ, અરાજકતા ફેલાવવા જેવાં કૃત્યો આચર્યાં હતાં. સુપ્રીમ કોર્ટની ચિંતા એ અનુસંધાને હોવાનું સમજાય છે. ગુનાહિત ભૂતકાળ ધરાવતા હિંસક દેખાવકારોને રાહત ન અપાવવાની સર્વોચ્ચ અદાલતની સૂચના તેમને ગળે ઊતરી નથી. સીજેપીએ પોલીસ પર હુમલો કરનાર ગુનાહિત ઇતિહાસ ધરાવતા દેખાવકારોને જવા ન દેવા સામે વાંધો ઉઠાવ્યો છે. સીજેપીએ તમામ દેખાવકારો સામે કેસ પાછા ખેંચવાનો હઠાગ્રહ રાખ્યો છે.
સીજેપીએ પોતાના દેખાવો અને ધરણાં શાંતિપૂર્ણ હોવાનું જણાવ્યા પછી સીજેપીએ સર્વોચ્ચ અદાલતની સૂચના સામે વાંધો ઉઠાવવો યોગ્ય નથી. હવે તો ચોંકાવનારી હકીકતો અને આંકડા સામે આવી રહ્યા છે, જેમાં આ યુવાનો વચ્ચે 2873 દેખાવકાર ગુનાહિત ભૂતકાળ કે વર્તમાન ધરાવતા હતા. આમાંથી લગભગ 900 એવા હતા જેમની સામે હત્યા, લૂંટ અને દુષ્કર્મ જેવા આરોપ લાગેલા છે. માત્ર દેખાવ કરનાર યુવાનોને દોષમુક્ત કરી દેવાની વાત વાજબી છે, પણ ભૂતકાળમાં ખરડાયેલા લોકોને પોલીસ કેસમાંથી રાહત આપવાની સીજેપીની જીદ ખરા અર્થમાં અરાજક્તાને સીધા સમર્થન સમાન છે. જંતરમંતરના હિંસક દેખાવોની સ્વતંત્ર તપાસના સર્વોચ્ચ અદાલતના આદેશને આવકારવો જોઈએ. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. બાકી સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે, એને કેમ કોઈ સૂચન આપી શકે?