વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા અને અસ્થિરતા, ઊંચો વ્યાજદર તથા અસમાન આર્થિક વૃદ્ધિ વચ્ચે ભારતમાં કુલ 576 કરદાતાઓએ રૂા. 100 કરોડથી વધુની વાર્ષિક આવક જાહેર કરી છે. નાણાં મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં અલ્ટ્રા-રિચ અથવા હાઈ નેટવર્થ ધરાવતા લોકોના આંકડામાં 2021થી 300 ટકા જેટલો કૂદકો જોવા મળ્યો છે. કોરોનાકાળ પછીનાં વર્ષોમાં સુપર-રિચ એટલે કે અતિ-ધનાઢયોની સંખ્યા ક્રમશ: સાતત્યપૂર્વક વધી રહી છે - 2021માં દેશમાં નવ આંકડાની કમાણી જાહેર કરનારાઓની સંખ્યા 142 હતી. એક તરફ, દેશમાં આર્થિક અસમાનતાની ખાઈ સતત પહોળી થઈ રહી છે અને બીજી તરફ, અબજોપતિઓની સત્તાવાર સંખ્યા વધી રહી છે. આથી આ બાબતની ઉજવણી કરવી કે ચિંતા કરવી એવી દ્વિધા છે. આને કર એકત્રીકરણની દૃષ્ટિએ જોઈએ તો દેશમાં ટૅક્સ ફાઈલિંગમાં વધારો તથા કર વહીવટમાં પ્રગતિ તથા આ પ્રણાલીમાં પારદર્શિતા જેવા સકારાત્મક પાસાં સામે આવે છે, પણ બીજી તરફ હજી કરોડો લોકો આવકવેરાની મર્યાદાની બહાર છે તથા આર્થિક વિષમતામાં છેલ્લાં અનેક વર્ષોથી કોઈ ફરક પડયો નથી. આ વિષમતા વધી ન હોવા છતાં ભારતમાં સંપત્તિની વહેંચણીના આંકડા જોઈએ તો ચોંકી જવાય-આર્થિક દૃષ્ટિએ ટોચના દસ ટકા લોકો પાસે 58 ટકા સંપત્તિ છે અર્થાત્ બાકીના 90 ટકા લોકો પાસે બધું મળીને 42 ટકા જ બચે છે. ટૂંકમાં, ધનાઢય વધુ સંપન્ન થઈ રહ્યા છે અને ગરીબ જ્યાંનો ત્યાં છે.
સંસદમાં અબજોપતિઓ વિશે પુછાયેલા એક સવાલના જવાબમાં રાજ્યકક્ષા નાણાપ્રધાન પંકજ ચૌધરીએ આપેલા જવાબમાં સામે આવ્યું છે કે, દેશમાં સુપર-રિચની સંખ્યા વધી રહી છે. સવાલમાં અબજોપતિ શબ્દ હોવા છતાં ચૌધરીએ જવાબમાં બિલિયનેર એટલે કે અબજોપતિ શબ્દનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું. તેમણે સરકાર વતી સ્પષ્ટતા કરતાં કહ્યું કે, બિલિયનેર શબ્દની કોઈ વ્યાખ્યા સરકાર પાસે નથી. આથી આવકવેરા રિટર્નના આંકડાના આધારે તેમણે વર્ષે દહાડે રૂા. 100 કરોડની આવક રળનારાઓને દેશના સર્વોચ્ચ ઇન્કમ અર્નર ગણાવ્યા હતા. સરકાર કોરોનાકાળથી હજી પણ 82 કરોડ લોકોને નિ:શુલ્ક અનાજ આપે છે. આ ઉપરાંત, પણ અનેક પગલાં લેવાઈ રહ્યાં છે, છતાં આર્થિક અસમાનતા ઓછી થઈ રહી નથી. આર્થિક અસમાનતાની વધતી ખીણ માત્ર ભારતની સમસ્યા નથી, વિશ્વના બધા જ દેશોમાં ઓછા વત્તા અંશે આ બાબત જોવા મળે છે. જોકે, બીજી દૃષ્ટિએ આ 100 કરોડની કમાણી કરનારાઓનો વધતો આંકડો આવક, બચત અને ખર્ચમાં પણ વૃદ્ધિ સૂચવે છે અને મૂડીની ઉપલબ્ધિ અર્થતંત્રને અનૌપચારિકથી ઔપચારિક તરફ લઈ જાય છે. આનાથી લાંબા ગાળે સરકારને કલ્યાણકારી યોજનાઓની લક્ષિત પહોંચની દિશામાં કાર્ય કરવાનો માર્ગ ચીંધે છે. ટોચ વિસ્તરે એની સાથે પાયો પણ વિસ્તૃત થાય એ દિશામાં કામ કરવાનો સમય આવી ગયો છે, એ સંકેત પર કામ કરવાનું શરૂ થવું જોઈએ.