• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

હોમિયોપથી વિ. એલોપથી

લાયકાત ધરાવતા હોમિયોપથી તબીબો એલોપથીની દવાઓ પ્રિક્રાઈબ કરી શકે એ માટે મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલમાં (એમએમસી) નોંધણી કરાવી શકશે એવા મહારાષ્ટ્ર સરકારના નિર્ણયના વિરોધમાં રાજ્યના તબીબોની હડતાળ તો ઉચ્ચ અદાલતના આદેશને પગલે પાછી ખેંચાઈ છે, પણ આ મુદ્દે મડાગાંઠ હજી અકબંધ છે. તબીબોની હડતાળને પગલે દરદીઓની હાલાકીનું શું? કોઈ દરદીનું મોત થયું તો તેને જીવતો કરશો? એવી બૉમ્બે હાઈ કોર્ટની ટિપ્પણને પગલે મહારાષ્ટ્ર ઍસોસિયેશન અૉફ રેસિડન્ટ ડૉક્ટર્સ (માર્ડ) દ્વારા હડતાળ આટોપી લેવાની જાહેરાત કરી અને તરત ફરજ પર પાછા ફરવાનો નિર્ણય લીધો. રાજ્ય સરકારે પણ હાઈ કોર્ટ આ મામલે જે અંતિમ નિર્દેશ આપે એને અનુસરવાની ખાતરી આપતાં અત્યાર પૂરતું તો સમાધાન થયું છે. સરકારે નિર્દેશિત કરેલો બ્રિજ કૉર્સ પૂર્ણ કરનાર બીએચએમએસ (બેચલર અૉફ હોમિયોપથિક મેડિસિન ઍન્ડ સર્જરી) પ્રૅક્ટિશનર્સ એમએમસી હેઠળ નોંધણી કરાવી શકશે એવા રાજ્ય સરકારના નિર્ણય વિરુદ્ધ એલોપથી ડૉક્ટરોમાં વિરોધનો વંટોળ ફૂંકાયો હતો. તેમની દલીલ છે કે, આ પ્રકારે હોમિયોપથીના ડૉક્ટરોનું રજિસ્ટ્રેશન આધુનિક તબીબશાસ્ત્ર અને હોમિયોપથી વચ્ચેની ભેદરેખા ધૂંધળી થાય છે અને દરદીની સલામતી જોખમમાં મુકાઈ શકે છે. વળી, એલોપથીની દવાઓ પ્રિક્રાઈબ કરવા માટે વ્યાપક ક્લિનિકલ પ્રશિક્ષણ જરૂરી છે.

આમ તો હોમિયોપથીના પ્રૅક્ટિશનર માટે એલોપથીની દવા પ્રિક્રાઈબ કરી શકે એ માટે એક વર્ષનો બ્રિજ કૉર્સ કરવો ફરજિયાત છે, એવો ફેરફાર કાયદામાં કરાયો હતો. એક દાયકા કરતાં વધુ સમયથી આ કાયદો વિવિધ ખટલાને કારણે અમલમાં મુકાયો નહોતો, પણ બૉમ્બે હાઈ કોર્ટના નિર્દેશોના પગલે હાલમાં જ આ રજિસ્ટ્રેશન ફરી શરૂ કરાતા નિવાસી તબીબો હડતાળ પર ઊતર્યા હતા. સામા પક્ષે હોમિયોપથીના તબીબોની દલીલ એવી છે કે, આયુર્વેદના પ્રેક્ટિશનર્સ માટે ઉપલબ્ધ હક્કોની અમારી માગણી છે અને આ મુદ્દે અમારી સાથે ભેદભાવભર્યું વર્તન થઈ રહ્યું છે. આયુર્વેદ અને યુનાની તબીબોને બહુ લાંબા સમયથી ચોક્કસ એલોપથી દવાઓ લખી આપવાની છૂટ છે.

સરકારની દલીલ એવી છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં ડૉક્ટર્સની સંખ્યા ઓછી હોવાથી અમારે આ નિર્ણય લેવાની ફરજ પડી છે. આ દલીલનો વિરોધ થઈ રહ્યો છે અને સામે એવા પ્રશ્નો પુછાય છે કે, ગ્રામીણ ક્ષેત્રમાં એન્જિનિયર્સની પણ કમી છે, તો શું ત્યાં પુલો તથા બંધ બાંધવા માટે સરકાર કડિયાઓને ઈજનેર ગણશે? તો, તર્ક એવો પણ છે કે, બહુ ઓછા વિદ્યાર્થીઓની પહેલી પસંદ હોમિયોપથી હોય છે. એલોપથી શાખામાં પ્રવેશ ન મળતાં આ તરફ તેઓ વળતા હોય છે. કાલે ઊઠીને મેડિકલ સ્ટોર ચલાવનારાઓ પણ દવા પ્રિક્રાઈબ કરવાની છૂટ માગશે તો? આનો કોઈ અંત નથી. ફડણવીસ સરકારે અત્યારે તો સમાધાનનો માર્ગ લીધો છે.  

ઇ-પેપરના નવા શુલ્ક