રાજ્યમાં ગયા અઠવાડિયે આખરે નકલી પનીરનાં ઉત્પાદન-વેચાણ ઉપર પ્રતિબંધ આવી ગયો. આપણે ત્યાં અધિકારીઓની જે મથરાવટી છે તે જોતાં જનતાનાં મનમાં એવું થાય જ કે આમ અચાનક બંધન પાછળ કંઈક કારણ તો હશે. જોકે, અત્યાર સુધી જે કરવાનું હતું તે કોઈ કારણે નહોતું થયું તેનો અર્થ એવો તો નહીં કે તે હવે ન થાય. બહુજન હિતમાં આ નિર્ણય થયો છે અને તેનો સીધો વિરોધ કરવા પાછળ કોઈ તર્ક નથી જણાતો.
પનીર શુદ્ધ દૂધને ફાડીને બનાવવામાં આવતું હોય છે. એનાલોગ પનીર દૂધની ફેટ, શુદ્ધ દૂધના બદલે પામ અૉઈલ કે વનસ્પતિ તેલ, સ્ટાર્ચ, દૂધનો પાઉડર કે અન્ય રસાયણના ઉપયોગથી બનાવવામાં આવે છે. સાચા પનીરની સરખામણીમાં તે ઘણું સસ્તું પડે છે. નિયમ એવો હતો કે કોઈ ડેરી કે દુકાનમાં એનાલોગ પનીર વેચાતું હોય, હોટેલમાં જો તેનો ઉપયોગ થતો હોય તો તેમણે એવું બોર્ડ રાખવું ફરજિયાત છે કે અમે એનાલોગ પનીરનો ઉપયોગ કરીએ છીએ. આ નિયમ મોટા ભાગના વેપારીઓએ પાળ્યો નહીં. નફાની લહાયમાં નકલી પનીર અસલીના ભાવે વેચ્યું. લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં થયાં. ગ્રાહકો આર્થિક રીતે પણ છેતરાય અને તેમણે એનાલોગ પનીરને લીધે થતી બીમારીનો પણ ભોગ બનવું પડે. દુકાન, હોટલ, ઢાબાની બહાર પાટિયું મારવાનો નિયમ પળાયો નહીં તેથી આખરે રાજ્યના ફૂડ ઍન્ડ ડ્રગ કન્ટ્રોલ ઍડ્મિનિસ્ટ્રેશન વિભાગે છત્તીસગઢ અને મહારાષ્ટ્રની જેમ એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
હવે આ પ્રતિબંધનો અમલ થવો પણ એટલો જરૂરી છે. આદર્શ વાત તો એ છે કે ખાદ્ય પદાર્થોમાં કોઈ મિશ્રણ, કોઈ ભેળસેળ ન થાય, કારણ કે નાગરિકોનાં સ્વાસ્થ્ય સાથે તેનો સીધો સંબંધ છે, પરંતુ વેપારીઓનો એક મોટો વર્ગ આવું માનતો નથી. ફરસાણમાં દાઝિયું તેલ હોય કે ફૂડ કલર કે પછી દિવસો સુધી સંગ્રહી રખાતી સામગ્રી હોય તે લોકો તેનું વેચાણ કરે છે. શ્રાવણ માસમાં તો પેટીસ પણ મકાઈના લોટમાં બનાવીને તેને ફરાળી નામ આપીને લોકોની શ્રદ્ધા સાથે ચેડાં થતાં હોય છે. ફૂડ ઍક્ટ અત્યંત પાંગળો છે. એનાલોગ પનીર વેચવા બદલ કોઈ કેદ નથી, આર્થિક દંડ રૂા. ત્રણ લાખનો છે. હલકી ગુણવત્તાનું એનાલોગ પનીર વેચતા ઝડપાય તો તેને રૂા. પાંચ લાખ દંડ થાય. નકલી પનીર ખાવાથી કોઈ ગ્રાહકનું મૃત્યુ થાય તો વેપારીને ઓછામાં ઓછી સાત વર્ષની અને વધારેમાં વધારે આજીવન કેદની સજા થઈ શકે છે.
આવું ખાદ્ય વસ્તુઓ સંબંધિત અન્ય અપરાધોમાં પણ છે. જેટલો દંડ વસૂલાય તેટલો નફો તો આ વેપારીઓ કરી જ ચૂક્યા હોય છે. પનીર હોય કે અન્ય ભેળસેળ, કાનૂની કાર્યવાહી અત્યંત આકરી થવી જરૂરી છે. આ સમસ્યાનો સૌથી અક્સિર ઉકેલ-ઉપાય તો પ્રજા પાસે જ છે. નકલી વસ્તુઓ મળતી હોય. વાસી પદાર્થ વેચાતા હોય ત્યાં જવાનું જ બંધ થાય તો ભેળસેળ કરનારા વેપારીઓના પગ તળે રેલો આવે, એ તો જ્યારે થાય ત્યારે ત્યાં સુધી તો પ્રશાસને જ મથવું રહ્યું.