• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

એકતા દેખાડવાનો અને લડાઈ ચાલુ રાખવાનો સંઘર્ષ

રાહુલ ગાંધી શક્તિ પ્રદર્શન પછી વધુ આક્રમક બની રહ્યા છે ત્યારે ભાજપે પણ `વાકયુદ્ધ'માં સિનિયર નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે વિરોધીઓની દલીલ અને મુદ્દાઓનો છેદ ઉડાવી દીધો છે. મતદારોની યાદી સુધારવાની શરૂઆત 2024માં થઈ અને સુપ્રીમ કોર્ટની મંજૂરીથી થઈ છે. પણ તે પહેલાં ઘણાં રાજ્યોમાં કૉંગ્રેસે દાયકાઓથી જનતાનો વિશ્વાસ અને સત્તા ગુમાવી છે તે કેમ ભૂલી જાય છે?

વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટ સામે મોરચો કાઢીને શક્તિ પ્રદર્શન કર્યા પછી જંતરમંતરમાં પ્રવેશબંધી તોડવાની સ્પર્ધામાં કોક્રોચ પાર્ટીના લોકો `બાજી' જીતી ગયા હોવાની છાપ પડી તે ભૂંસવા, સુધારવા માટે રાહુલ ગાંધીએ ઇન્ડિયા મોરચા ઉપરાંત `અન્ય' પક્ષોના નેતાઓને `ચાય પાર્ટી' માટે આમંત્ર્યા અને તમામ રાજકીય પક્ષો - ભાજપ સહિત - અમારી સાથે જોડાઈ શકે છે - એવી જાહારત કરી. મલ્લિકાર્જુન ખડગેએ પણ પત્રકારોને કહ્યું કે કોઈ સાથે મતભેદ નથી - અમે બધા સાથે જ છીએ.

વિપક્ષી એકતા બતાવવાની અને જારી રાખવાની અનિવાર્યતા રાહુલ ગાંધી સમજે-સ્વીકારે છે અને કાર્યકરો તથા લોકોના જુસ્સાનો જુવાળ ઓસરી જાય નહીં તે માટે જ એમણે ફરીથી `ગૅરન્ટી' આપી છે કે વોટ ચોરી બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને વોટ ચોરી માટે સજા થશે જ. આ લડાઈમાં કોઈ જુદા-અલગ નથી. દેશમાં લોકતંત્ર ફરીથી સ્થાપવામાં સૌ એકમત છીએ. વોટ ચોરી સામે આ એક `સંયુક્ત' લડાઈ છે.

રાહુલ ગાંધી કહે છે કે લડાઈ આજે, આવતીકાલે નહીં તો ભલે ત્રણ મહિના થાય - ચાલુ જ રહેશે. બંધ નહીં થાય. અમારા વ્યૂહની માહિતી આપી શકાય નહીં. જંતરમંતરની બંધી સામે પણ અમારો સૌનો વિરોધ છે.

રાહુલ ગાંધીએ લડાઈ ચાલુ રહેશે એવી ખાતરી આપી છે તેનું કારણ છે, ચા-પાણીની પાર્ટીમાં કેટલાક સિનિયર નેતાઓનું સૂચન હતું કે તહેવારો-ઉત્સવના દિવસો છે. દશેરાથી દિવાળી સુધી `બ્રેક' રાખીએ.

આ સાથે છઠ્ઠનો મોટો તહેવાર પણ છે અને અધૂરામાં પૂરું જે રાજ્યોમાં વિધાનસભાઓની ચૂંટણી છે ત્યાંના રાજકીય પક્ષો અને નેતાઓએ ચૂંટણી-પ્રચારમાં રહેવું પડશે તેથી આ સમયગાળામાં આંદોલન દિલ્હીને બદલે પ્રાદેશિક રાખવું જોઈએ. પણ આ સામે એવી દલીલ થઈ કે આપણા વકીલો સુપ્રીમ કોર્ટ વચગાળાનો હુકમ આપીને મતદાર યાદી સુધારણા તાત્કાલિક રોકે, બંધ કરાવે એવા પ્રયાસ કરી રહ્યા છે અને વચગાળાનો મનાઈહુકમ આવે તો ચૂંટણીમાં આપણા માટે લાભકર્તા હશે. એક સભ્યે તો લડાઈ દિલ્હીથી ખસેડીને વારાણસી લઈ જવાનું સૂચન કર્યું પણ મોટા ભાગના નેતાઓ દિલ્હીમાં જ લડાઈનું કેન્દ્ર રાખવાનો આગ્રહ રાખ્યો અને આખરે રાહુલ ગાંધીએ લડાઈ ચાલુ જ રહેશે એવી જાહેરાત કરી.

રાહુલ ગાંધી શક્તિ પ્રદર્શન પછી વધુ આક્રમક બની રહ્યા છે ત્યારે ભાજપે પણ `વાકયુદ્ધ'માં સિનિયર નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે વિરોધીઓની દલીલ અને મુદ્દાઓનો છેદ ઉડાવી દીધો છે. મતદારોની યાદી સુધારવાની શરૂઆત 2024માં થઈ અને સુપ્રીમ કોર્ટની મંજૂરીથી થઈ છે. પણ તે પહેલાં ઘણાં રાજ્યોમાં કૉંગ્રેસે દાયકાઓથી જનતાનો વિશ્વાસ અને સત્તા ગુમાવી છે તે કેમ ભૂલી જાય છે? સંયોગવશાત્ - ગુજરાતમાં ગાંધીનગરની સુધરાઈનાં પરિણામ આવ્યાં તેમાં અને રાજસ્થાનમાં પણ કૉંગ્રેસના ઉમેદવારોએ ડિપૉઝિટ ગુમાવી છે તેની માહિતી આપીને અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી ઘૂસણખોરો અને વોટ બૅન્ક બચાવવા માટે લડી રહ્યા છે.

ઇન્દિરા ગાંધીએ 1975ની ઈમર્જન્સી જાહેર કરીને સંવિધાન અને સમગ્ર લોકતાંત્રિક વ્યવસ્થા ખતમ કરીને `સમાંતર' ગેરબંધારણીય સરકાર ચલાવી હતી. સત્તા માટે લોકતંત્ર બંદીવાન બનાવવાનો અપરાધ કર્યો હતો - હવે રાહુલ ગાંધીએ આ રસ્તો પકડયો છે. પણ 2029ની ચૂંટણીમાં જનતા એમને જવાબ (સજા) આપશે?

અમિત શાહ પછી પીયૂષ ગોયલ, રાજનાથ સિંહ પણ સામે આવ્યા છે અને રાહુલ ગાંધીને જવાબ આપી રહ્યા છે. જોકે, રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે તે પછી પણ મોદી-હટાવ લડાઈ ચાલુ રાખવા માગે છે. એમની સામે અમિત શાહ છે અને વડા પ્રધાન મોદી સંસદમાં જવાબ આપશે - પણ ત્યાં સુધીમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે. તે પછી પણ `રાજકીય' લડાઈ ચાલુ રાખવાની જાહેરાત વિપક્ષી નેતાએ કરી છે તેથી અશાંતિનો અંત આવવાની આશા નથી.

રાહુલ ગાંધીનો આશય દેશમાં અરાજક્તા-અંધાધૂંધી ઊભી કરવાનો હોય એવું જણાય છે. એક તો તેમની પાસે કોઈ ચોક્કસ વ્યૂહરચના નથી અને કદાચ છે તો કોઈને દેખાતી-સમજાતી નથી. રાહુલ અને કૉંગ્રેસની રીતરસમ તો એવી રહી છે કે, અન્ય પક્ષોને કે સાથીદારોને ક્યારેય મોટા થવા ન દેવા. પણ, અત્યારે સીજેપી તથા અન્ય પક્ષોના વિદ્યાર્થી પાંખના નેતાઓને તેઓ મોટા કરી રહ્યા છે. જોકે, આ કેટલું ચાલશે, એ કદાચ રાહુલ ગાંધી પણ જાણતા નહીં હોય.

આ લડાઈ ટૂંકી-લાંબી ચાલશે. હવે મહત્ત્વની વાત એ છે કે બન્ને પક્ષો સામે પડકાર તો લોકોનો વિશ્વાસ જીતવાનો છે. કેન્દ્ર સરકારની કોઈ સીધી ભૂમિકા નથી છતાં દેખાવકારોનાં સૂત્રો પછી છાપ એવી ઊભી થઈ કે આ ઘર્ષણ વિદ્યાર્થીઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે છે. વાસ્તવમાં વિરોધ છે ચૂંટણી કમિશનરનો. સરકારની ભૂમિકા વિશે તો ફક્ત એક વર્ગને શંકા છે. સંઘર્ષ લાંબો છે અને સૌએ એ યાદ રાખવાનું છે કે આ ચૂંટણી જીતવા જેવું સહેલું કામ નથી, અહીં તો પ્રજાનો વિશ્વાસ જીતવાનો છે - એ પ્રજાનો જે ચૂંટણી જીતાડે અને હરાવે છે.