• શનિવાર, 07 નવેમ્બર, 2026

સરહદની સુરક્ષા કરનાર હવે સુરક્ષિત

દેશનાં સશત્ર દળમાં ટૂંકાગાળાની ભરતી યોજના શરૂઆતમાં મોટા વિવાદનો વિષય બન્યા બાદ તાજેતરમાં કેન્દ્રીય કૅબિનેટે તેમાં નોંધપાત્ર સુધારા કર્યા છે. આવકારવા જેવી આ બાબત છે સાથે જ તેનું એક તારણ એ પણ નીકળે છે કે, પ્રજાતંત્રમાં લોક લાગણી, ક્યારેક આક્રોશ અને વ્યવહારુ માગણીને આજે નહીં તો કાલે સ્વીકૃતિ મળે છે. જૂન 2022માં કેન્દ્ર સરકારે લશ્કરમાં આ ભરતી પદ્ધતિની જાહેરાત કરી ત્યારે સેનામાં ભરતી થઈને કાયમી કારકિર્દી બનાવવા માટે પ્રતિબદ્ધ યુવાનોને આંચકો લાગ્યો હતો. અનેક મુદ્દા હતા જેને કારણે વિરોધ પક્ષોએ સરકારને ઘેરી હતી. સૈનિક પરિવારોમાં પણ આ મુદ્દે થોડી નારાજગી હતી. ચાર વર્ષના ગાળામાં જ સરકારે સ્થિતિ પારખીને સુધારા કર્યા છે. 

લશ્કરમાં હંગામી ભરતી હોય જ કેવી રીતે? તે પ્રશ્ન સૌથી પહેલો હતો. મૂળ યોજના એ હતી કે, યુવાનોને સશત્ર દળમાં ચાર વર્ષ રાખવાનું નક્કી થયું હતું. તેમાંથી 25 ટકાને જ કાયમી ધોરણે સેનામાં રાખવા અને 75 ટકા યુવાનોને રૂા.12 લાખનું સેવાનિધિ પૅકેજ આપીને મુક્ત કરી દેવા. 21-22 વર્ષની યુવાન વયે દેશસેવા માટે તૈયાર થયેલા આ યુવાનોનું ભાવિ પછી શું? સંરક્ષણ જેવા મહત્ત્વના ક્ષેત્રે કાર્યરત રહ્યા પછી ફરીથી તેમણે બેરોજગાર યુવાનોની કતારમાં ઊભા રહેવાનું? આ પ્રશ્ન અગત્યનો હતો. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં તો સૈન્યની નોકરી અનેક કિસ્સામાં પારિવારિક પરંપરા છે.

સરકારે જ્યારે યોજના અમલી બનાવી ત્યારે સંરક્ષણ તજજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી હતી કે, એક સૈનિકને લશ્કર માટે પરિપક્વ રીતે તૈયાર કરવા માટે 4 વર્ષની અવધિ પર્યાપ્ત નથી. લશ્કર જેવા મહત્ત્વના ક્ષેત્રે કાયમી ભરતી કેમ નહીં? તે પ્રશ્ન વારંવાર ચર્ચામાં રહ્યો હતો. જોકે, હવે વ્યવસ્થિત નિર્ણય થયા હોવાના સંકેત છે. અગ્નિવીરોનો કાર્યકાળ 4 વર્ષથી વધારીને 6 વર્ષ કરાયો છે. આ સમય પછી લાયક હોય તેવા તમામ ઉમેદવારો-સૈનિકો સેનામાં કાયમી થશે. `ચીફ અૉફ ડિફેન્સ સ્ટાફ' (સીડીએસ) દ્વારા થયેલી જાહેરાત મુજબ અગ્નિવીરોને કાયમી સૈનિક બનવા માટે બે વાર તક અપાશે. અર્થાત્ જે શારીરિક-માનસિક રીતે સક્ષમ હશે તેવા અગ્નિવીરને ફરજિયાત નિવૃત્ત થવું પડશે નહીં. 

સરકારની મક્કમતા અને વ્યવહારુપણું અહીં સ્પષ્ટ થયા છે. સેનાને ટેક્નૉલૉજીથી સજ્જ રાખવાનો મુખ્ય ઉદ્દેશ યથાવત્ રાખીને યુવાનોની આજીવિકા અને ભાવિ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. સૈન્યમાં પણ નોકરીની અસુરક્ષા કે થોડી વિસંગત બાબત હતી જે હવે દૂર થશે. સરહદની રક્ષા કરનાર પોતે તો વ્યાવસાયિક રીતે સુરક્ષિત હોવા જ જોઈએ ને!