• શુક્રવાર, 13 નવેમ્બર, 2026

રાષ્ટ્રવાદી કૉંગ્રેસની એકતા : શરદ પવાર ઉપર આશા

રાષ્ટ્રવાદી કૉંગ્રેસની એકતા - જોડાણ માટે મહારાષ્ટ્રમાં પડદા પાછળ રાજકીય હિલચાલ થઈ રહી છે તેનું પરિણામ નજીકના ભવિષ્યમાં જાણવા મળશે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સ્થાપક શરદ પવારે `જોડાણ'ની વાતોને અફવા કહીને રદિયો આપ્યા પછી પણ તાજેતરમાં જોડાણ-એકતાની હિલચાલ રાજકારણમાં ચર્ચાનો વિષય છે. અજિત પવાર જૂથના `રાષ્ટ્રવાદી કૉંગ્રેસ'નાં કાર્યકારી પ્રમુખ સુનેત્રા અજિત પવારે એકતાની હિલચાલને રદિયો આપવાને બદલે `યોગ્ય સમયે' જાહેરાત કરવામાં આવશે, એમ કહ્યું છે. તેથી એકતાની જાહેરાત ટૂંક સમયમાં થશે એમ મનાય છે. જાણકાર સૂત્રો માને છે કે શરદ પવાર અત્યારે ટૂંકી માંદગી પછી સારવાર અને આરામ લઈ રહ્યા છે. તેઓ સ્વસ્થ થઈ જાય ત્યારે એકતાની જાહેરાત થશે. નોંધપાત્ર બાબત એ છે કે આવી `િહલચાલ'ને ભાજપના મોવડી-વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનું સમર્થન છે.

સંસદનું સત્ર પૂરું થયા પછી લગભગ ત્રણ મહિના થવા આવ્યા છતાં રાષ્ટ્રપતિજીએ `સત્ર સમાપ્તિ'ની જાહેરાત કરી નથી તેથી સંસદીય વર્તુળોમાં એવી અટકળ અને ચર્ચા છે કે મતવિસ્તારના સીમાંકન તથા મહિલા આરક્ષણ - એ બન્ને ખરડાને મંજૂરી મેળવવા સરકાર આતુર, સક્રિય છે અને સંસદમાં મંજૂરી મેળવવા માટે પ્રાદેશિક પક્ષોનો ટેકો અનિવાર્ય છે. આથી જ પસંદગીના પ્રાદેશિક પક્ષોનો સતત સંપર્ક જાળવી રાખવામાં આવ્યો છે. શરદ પવારના રાષ્ટ્રવાદી કૉંગ્રેસના આઠ સભ્યોનો ટેકો અમૂલ્ય છે અને આ માટે રાષ્ટ્રવાદી કૉંગ્રેસની એકતા પણ જરૂરી છે.

વડા પ્રધાન મોદી અને શરદ પવાર વચ્ચે જાહેરમાં રાજકીય સંબંધની કડવાશની છાપ જાણીતી હોવા છતાં અંગત - વ્યક્તિગત સંબંધ ઘણા સારા છે. તાજેતરમાં શરદ પવાર પુણેની હૉસ્પિટલમાં દાખલ થયા ત્યારે વડા પ્રધાને એમને ફોન કરીને સ્વાસ્થ્યની પૂછપરછ કરીને આરામ કરવાની સલાહ પણ આપી હતી.

મહિલા આરક્ષણના ખરડાને ટેકો આપવાથી કોઈ પક્ષના રાજકીય હિતને આંચ નહીં આવે એમ પણ જણાવાયું છે. હવે શરદ પવાર કૉંગ્રેસ અને રાહુલ ગાંધીના તથા મહારાષ્ટ્રમાં રાજકીય ભવિષ્યનો અભ્યાસ કરીને `એકતા' બાબત નિર્ણય કરશે એવું અનુમાન છે ત્યારે બન્ને પક્ષોના નેતાઓ એકતા થવાની આશા રાખે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ