• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

દાઉદે કર્યા બીજા નિકાહ, ઠેકાણું પણ બદલ્યું 

ભાણેજ અલીશાહ પારકરે એનઆઇએ સમક્ષ વટાણા વેર્યા

મુંબઈ, તા.17 (પીટીઆઇ) : દાઉદ ઇબ્રાહિમના ભાણેજ અલીશાહ ઇબ્રાહિમ પારકરે અંડરવર્લ્ડ ડોન વિશે ચોંકાવનારી માહિતી આપી છે. આતંકવાદને ભંડોળ આપવાની તપાસ કરી રહેલી એનઆઇએ(નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) સમક્ષ નોંધાવેલા નિવેદનમાં અલીશાહ પારકરે દાઉદનું સરનામું આપતાં જણાવ્યું હતું કે મામા દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનના કરાચીમાં રક્ષા ક્ષેત્ર(ડિફેન્સ કોલોની)માંની અબ્દુલ્લા ગાજી બાબા દરગાહ પાસે રહે છે. દાઉદે બીજા લગ્ન કર્યા છે અને બીજી પત્ની પાકિસ્તાની પઠાણ છે. પહેલી પત્ની મહજબીન સાથે છૂટાછેડા થયા નથી. અલીશાહે મહજબીન સાથે ગયા વર્ષે જુલાઇમાં દુબઇમાં મુલાકાત કરી હતી. અલીશાહે જણાવ્યું હતું કે મહજબીન અમારા સંપર્કમાં છે. તહેવારોમાં તેઓ મારી પત્ની સાથે વ્હોટ્સ એપ કોલ ઉપર વાતચીત કરે છે. હવાલા ચેનલો મારફત દાઉદ ભારતમાં ભારેમાત્રામાં રૂપિયા મોકલાવે છે. 

એનઆઇએએ દાવો કર્યો છે કે દાઉદ ઇબ્રાહિમ વિશેષ ટુકડી બનાવી રહ્યો છે, જે દેશના મોટા નેતાઓ અને ઉદ્યોગપતિઓ ઉપર હુમલા કરી શકે છે. મોટા શહેરોમાં તે હિંસાચાર ફેલાવવા માગે છે. આ મામલે તપાસ દરમિયાન અલીશાહ પારકરનું નિવેદન નોંધી દાઉદના પરિવાર અંગેની વિગતો તેમ જ અન્ય વાતો નોંધી લેવાઇ હતી. અલીશાહના નિવેદન અનુસાર દાઉદના ચાર ભાઇ અને ચાર બહેનો છે. દાઉદે પાકિસ્તાની પઠાણ યુવતી સાથે બીજા લગ્ન કર્યા છે. તેણે બીજા લગ્ન પહેલી પત્નીને તલાક આપ્યા વગર કર્યા છે. બીજા લગ્ન બાદ દાઉદે કરાચીમાં રહેઠાણ બદલ્યું છે તે હવે કરાચીના જ સંરક્ષણ વિભાગના વિસ્તારમાં આવેલી અબ્દુલ્લા ગાજી બાબાની દરગાહની નજીક રહે છે. 

દાઉદના પરિવાર વિશે અલીશાહે એનઆઇએને આપેલા નિવેદન અનુસાર દાઉદ ઇબ્રાહિમ કાસકરને બે પત્ની છે. ત્રણ પુત્રીઓ મરૂખ, મહરીન અને મઝિયા અને પુત્ર મોહિન નવાઝ છે. તેમ જ ઇકબાલ કાસકર (દાઉદનો ભાઇ) ગત પાંચ વર્ષથી થાણે જેલમાં બંધ છે. ઇકબાલ કાસકરની પત્નીનું નામ રિઝવાના છે જે દુબઇમાં રહે છે. તેને પાંચ બાળકો છે, દુબઇમાં રહેતી પુત્રી હફસા, સ્પેનમાં રહેતી ઝારા, દુબઇમાં પોતાની માતા સાથે રહેતી એમન, મુંબઈમાં આર્થર રોડ જેલમાં બંધ રિઝવાન અને બીજો પુત્ર અબાન દુબઇમાં છે. ત્યારબાદ અલીશાહે દાઉદના આખા પરિવારની વિગતો તપાસ ટીમને આપી હતી. તેઓ હાલ કયાં રહે છે તેની વિસ્તૃત જાણકારી પણ આપી હતી. અલીશાહ દાઉદની બહેન હસીના પારકરનો પુત્ર છે જેની એક હવાલાકાંડમાં પણ પૂછપરછ થઇ રહી છે.