• સોમવાર, 06 મે, 2024

વારાણસીની નજમા પરવીને કરી વડા પ્રધાન મોદી ઉપર પીએચડી

મોદી ઉપર પીએચડી કરનારી દેશની પહેલી મુસ્લિમ મહિલા બની

વારાણસી, તા. 6 : ધર્મ નગરી વારાણસીની એક મુસ્લિમ મહિલાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પીએચડી કર્યું છે. આ મહિલાનું નામ નજમા પરવીન છે અને તેમણે પોતાની પીએચડી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના રાજનીતિક વિજ્ઞાનથી કરી છે. પીએચડી પૂરું કરવામાં નજમા પરવીનને આઠ વર્ષ લાગ્યા છે. પાંચ ભાગમાં પીએચડી કરવામાં આવ્યું છે. ખાસ વાત તો એ છે કે પરવીન એક પુસ્તક પણ લખી રહી છે. જે  મોદી ઉપર કેન્દ્રિત છે. નજમા પરવીન મોદી ઉપર પીએચડી કરનારી પહેલી મુસ્લિમ મહિલા બની છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના પીએચડી વિષય તરીકે પસંદ કરવા ઉપર નજમાએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ દેશ જ નહી દુનિયામાં પણ ભારતની છબી મજબૂત કરી છે. તેઓ આજે એક ગ્લોબલ લીડર તરીકે સ્થાપિત છે અને મોદીની પૂરી સફર સંઘર્ષથી પરેલી છે. 

એટલે પીએચડી માટે આ વિષય ખૂબ જ મહત્ત્વનો હતો અને રોચક પણ રહ્યો છે. પીએચડીમાં નજમાએ મોદીનાં વ્યક્તિગત અને રાજનીતિક જીવનની પ્રમુખ ઘટનાઓને આવરી લીધી છે. 

ગુજરાતના મુખ્ય પ્રધાનથી લઈને કાશીના સાંસદ બની વડા પ્રધાન પદ સુધી પહોંચ્યા તેની પૂરી વાત પીએચડીમાં કરવામાં આવી છે. પીએચડીમાં મોદીના મહત્ત્વનાં ભાષણોને પણ આવરી લેવામાં આવ્યા છે. નજમા દેશની પહેલી મુસ્લિમ મહિલા છે જેઓએ મોદી ઉપર રિસર્ચ કર્યું છે.