• શનિવાર, 02 માર્ચ, 2024

અૉક્ટોબરમાં આઠ ચાવીરૂપ ક્ષેત્રોનું ઉત્પાદન 12.1 ટકા વધ્યું  

નવી દિલ્હી, તા. 30 (એજન્સીસ) : દેશનાં આઠ મુખ્ય ચાવીરૂપ માળખાકીય ક્ષેત્રોએ અૉક્ટોબર, 2023માં વાર્ષિક ધોરણે 12.1 ટકાનો વૃદ્ધિ દર નોંધાવ્યો હતો. ગયા સપ્ટેમ્બર મહિનામાં આ આઠ મુખ્ય ક્ષેત્રોનો વિકાસદર 9.2 ટકા રહ્યો હોવાનું આજે જાહેર થયેલા સત્તાવાર આંકડામાં જણાવવામાં આવ્યું હતું. ગત વર્ષે સમાનગાળા આ ક્ષેત્રોનો વિકાસદર માત્ર 0.7 ટકા થયો હતો. 

સિમેન્ટ, કોલ, અૉઈલ, ક્રુડ વીજળી, ખાતર, કુદરતી ગૅસ, રિફાઈનરી ઉત્પાદનો અને સ્ટીલ ક્ષેત્રોનો આઠ ચાવીરૂપ અથવા મુખ્ય ક્ષેત્રોમાં સમાવેશ થાય છે. અૉક્ટોબર, 2023માં આ તમામ ક્ષેત્રોએ સકારાત્મક વૃદ્ધિ નોંધાવી હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આજે પ્રસિદ્ધ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું.કોલસા ક્ષેત્રનો વિકાસ 18.4 ટકા, ક્રૂડતેલનો 1.3 ટકા, નેચરલ ગૅસનો 9.9 ટકા, રિફાઈનરી ઉત્પાદનોનો 4.2 ટકા, ખાતરોનો 5.3 ટકા, સ્ટીલનો 11 ટકા, સિમેન્ટનો 17.1 ટકા અને વીજળી ક્ષેત્રનો વિકાસદર અૉક્ટોબર, 2023માં વાર્ષિક ધોરણે 20.3 ટકા નોંધાયો હતો.

એપ્રિલ-અૉક્ટો. ગાળામાં રાજકોષીય ખાધ બજેટ અંદાજના 45 ટકા થઈ

અૉક્ટોબર માસના અંતે છ માસિક ધોરણે સરકારની રાજકોષીય ખાધ સંપૂર્ણ વર્ષના કુલ અંદાજના 45 ટકાએ પહોંચી હોવાનું કંટ્રોલર જનરલ અૉફ એકાઉન્ટ્સ (સીજીએ) દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું હતું. સરકાર દ્વારા થતાં ખર્ચ અને તેમને થતી મહેસૂલી આવક વચ્ચેના નકારાત્મક ફરકને રાજકોષીય ખાધ તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ પાછળ થતાં ખર્ચની માત્રા મહેસૂલી આવક કરતાં વધારે થાય તો તે ખાધમાં પરિવર્તિત થાય છે. 

નાણાવર્ષ 2023-24ના એપ્રિલથી અૉક્ટોબર સુધીના પહેલા છ માસ દરમિયાન રાજકોષીય ખાધ રૂા. 8.03 લાખ કરોડ થઈ હતી. ગયા વર્ષના સમાનગાળા દરમિયાન રાજકોષીય ખાધ બજેટના કુલ અંદાજની 45.6 ટકા થઈ હતી. નાણાવર્ષ 2023-24 માટે કેન્દ્ર સરકારે બજેટમાં રાજકોષીય ખાધનો કુલ અંદાજ રૂા. 17.86 લાખ કરોડ રાખ્યો છે, જે જીડીપીના 5.9 ટકા જેટલો છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ