• શનિવાર, 02 માર્ચ, 2024

નવેમ્બરમાં મેન્યુફેકચરિંગ ગતિવિધિમાં ઉછાળો  

નવી દિલ્હી, તા. 1 (એજન્સીસ) : મેન્યુફેકચરિંગ ક્ષેત્રનો નવેમ્બરમાં સારો દેખાવ રહ્યો હતો. અૉક્ટોબરમાં ઉત્પાદન સહેજ ધીમું પડયું હતું, પરંતુ ત્યાર બાદ નવેમ્બરમાં ગ્રાહકોની માગ મજબૂત બનતા અને કાચા માલના પુરવઠાની સ્થિતિ વધુ અનુકૂળ બનતા ઉત્પાદનવૃદ્ધિને પ્રોત્સાહન મળ્યું હતું. 

અૉક્ટોબરમાં એસઍન્ડપી ગ્લોબલ ઇન્ડિયા મેન્યુફેકચરિંગ પર્ચેઝિંગ મૅનેજર્સ ઈન્ડેક્સ (પીએમઆઈ) આઠ મહિનાના સૌથી નીચા સ્તર 55.5 સુધી પહોંચી ગયો હતો, જે નવેમ્બરમાં સુધરીને 56.0 થયો હતો. તે દર્શાવે છે કે કાર્યકારી સ્થિતિમાં સુધારો થયો છે. જોકે બીજા ત્રિમાસિકની 57.9ની સરેરાશ કરતાં ઓછો છે.

50થી ઉપરનો પીએમઆઈ અર્થતંત્રનું વિસ્તરણ દર્શાવે છે, જ્યારે 50થી નીચેનો પીએમઆઈ અર્થતંત્રની નબળાઈ દર્શાવે છે. હાલમાં ફુગાવાનું દબાણ ઘટયું છે. અૉગસ્ટ, 2020થી કેટલીક કિંમતો વધવાનું શરૂ થયું હતું, જે હવે ધીમી ગતિએ વધે છે. મોટા ભાગની કંપનીઓએ અૉક્ટોબરથી તેમની ફી વધારી નથી.

એસઍન્ડપી ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સના પોલિઆના દ'લિમાએ જણાવ્યું હતું કે નવેમ્બરમાં ભારતના ઉત્પાદન ઉદ્યોગે મજબૂત દેખાવ કર્યો હતો. ઉત્પાદનની ગતિવિધિઓ વધી હતી. આ ઉપરાંત કંપનીઓની દેશ-વિદેશમાંથી નવા ઓર્ડર પ્રાપ્ત કરવાની ક્ષમતા, તેમની સફળતાના કેન્દ્રસ્થાનમાં હતી.

ભાવવધારાનું દબાણ ઓછું થયું તે છેલ્લું ચાવીરૂપ પરિબળ હતું. જોકે સરેરાશ ખરીદ કિંમત ફરીથી વધી હતી. આમ છતાં ફુગાવાનો દર છેલ્લાં 40 વર્ષમાં સૌથી નીચો હતો અને ઐતિહાસિક દૃષ્ટિએ નગણ્ય હતો. નવા ઓર્ડરમાં સ્થિર વધારો દેશના શ્રમજીવીઓ અને કામદારો માટે સારા સમાચાર છે, કારણ કે તેનાથી નવી રોજગારી વધે છે. ક્ષમતાનું વિસ્તરણ થાય છે, કાર્યભાર વધે છે અને તૈયાર માલના સ્ટોકમાં પરિવર્તન થાય છે.આ બધી બાબત સંયુક્તપણે દર્શાવે છે કે 2023ના અંતિમ ચરણમાં ભારતનું ઉત્પાદકીય અર્થતંત્ર સ્પષ્ટપણે સારી સ્થિતિમાં છે અને 2024માં તેનું મજબૂત પ્રદર્શન ચાલુ રહેશે તેવી આશા છે.

ઉત્પાદન ખર્ચ વધતા કંપનીઓએ ભાવ વધાર્યા હતા. આમ છતાં ભાવવધારો સાત મહિનામાં સૌથી ઓછો હતો. કંપનીઓએ ભાવ વધાર્યા તેના મુખ્ય કારણોમાં મજબૂત માગ, વેતનમાં વધારો અને બહેતર સામગ્રીના ઉપયોગને ગણાવ્યા હતા.

Budget 2024 LIVE
હેડલાઇન્સ