• સોમવાર, 06 મે, 2024

મુંબઈનાં 20 સ્ટેશનોની કાયાપલટ થશે  

`અમૃત ભારત' યોજના

મુંબઈ, તા. 22 : મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનોમાં મુંબઈગરાનો પ્રવાસ સરળ અને સુવિધાજનક બનાવવા રૂા. 497 કરોડ રૂપિયાના ખર્ચે 20 સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવશે. ડિસેમ્બર 2024 સુધીમાં તમામ સ્ટેશનોનું કામ પૂરું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 26મી ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશનાં 556 સ્ટેશનોના પુનર્વિકાસનો શિલાન્યાસ કરશે. સ્ટેશનો ઉપરાંત સંપૂર્ણ દેશમાં લગભગ 1500 રોડ ઓવર બ્રિજ (આરઓબી) અને રોડ અન્ડર બ્રિજ (આરયુબી)નું પણ ઉદ્ઘાટન થશે. `અમૃત ભારત' સ્ટેશન પ્રોજેક્ટ હેઠળ દેશનાં 1309 રેલવે સ્ટેશનોનું રીડેવલપમેન્ટ કરીને વિશ્વ સ્તરના ટર્મિનલોમાં પરિવર્તિત કરાશે.

મહારાષ્ટ્ર માટે રૂા. 2274 કરોડ : મુંબઈ સહિત મહારાષ્ટ્રનાં 56 સ્ટેશનોનો યોજનામાં સમાવેશ કરાયો છે. રીતે રાજ્યના કુલ 175 આરઓબી અને આરયુબીનું પણ ઉદ્ઘાટન કરાશે. માટે રૂા. 2274 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષના બજેટમાં મહારાષ્ટ્રને વિક્રમી રૂા. 15,554 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 

મધ્ય અને પશ્ચિમ રેલવેનાં સ્ટેશનો : `અમૃત ભારત' યોજના હેઠળ મધ્ય રેલવેનાં ભાયખલા, સેન્ડહર્સ્ટ રોડ, ચિંચપોકલી, વડાલા રોડ, માટુંગા, કુર્લા, વિદ્યાવિહાર, મુંબ્રા, દિવા, શહાડ, ટિટવાલા અને ઈગતપુરી તથા પશ્ચિમ રેલવેનાં મરીન લાઈન્સ, ચર્ની રોડ, ગ્રાન્ટ રોડ, લોઅર પરેલ, પ્રભાદેવી, જોગેશ્વરી, મલાડ અને પાલઘર સ્ટેશનનું નવનિર્માણ થઈ રહ્યું છે. ઉપરાંત મરીન લાઈન્સ, ચર્ની રોડ, ગ્રાન્ટ રોડ, લોઅર પરેલ, પ્રભાદેવી, જોગેશ્વરી અને મલાડના ફૂટઓવર બ્રિજ પહોળા કરાઈ રહ્યા છે. 

`અમૃત ભારત' યોજના હેઠળ સ્ટેશનોના મુખ્ય દ્વારને સુંદર બનાવવામાં આવશે. સ્ટેશનની ઈમારત, પ્રવેશ અને નિકાસ માર્ગમાં સુધારો કરવામાં આવશે. રેલવેના પાટા વચ્ચે લીલોતરી વધારવાની પણ યોજના છે. પ્લૅટફૉર્મના સર્ફેસિંગમાં સુધારો કરવામાં આવશે. સુવિધાજનક શૌચાલય અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પર ધ્યાન આપવામાં આવશે.