• રવિવાર, 05 મે, 2024

મુલુંડમાં બનશે નવી ધારાવી

રહેવાસીઓ માટે 64 એકરનો પ્લોટ ફાળવાયો

મુંબઈ, તા. 18 : ધારાવીની ઝૂંપડપટ્ટીમાં કટ અૉફ ડેટ પહેલી જાન્યુઆરી, 2001 બાદ વસવાટ કરનારાઓને વસાવવા માટે રાજ્ય સરકારે મુંબઈ પાલિકાની માલિકીના મુલુંડ ઇસ્ટમાં આવેલા 64 એકરના પ્લોટની પસંદગી કરી છે. બુધવારે હાઉસિંગ ડિપાર્ટમેન્ટે શહેરી વિકાસ ખાતાને પત્ર લખી મુલુંડ જકાતનાકા પાસે આવેલી જમીનને ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. જ્યાં ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (ડીઆરપી) ને કારણે અસરગ્રસ્તોને વસાવવા માટે રહેણાંક ઇમારતો બનાવવામાં આવશે. 

નવી ધારાવીમાં કુલ સાડા ત્રણથી ચાર લાખ જેટલા ઝૂંપડાવાસીઓને વસાવવામાં આવશે, મુલુંડમાં બનનારી નવી ધારાવી પ્રોજેક્ટ પૈકીની એક હશે. ધારાવીમાં કેટલાંક કટ અૉફ ડેટ બાદ વસવાટ કરનારાઓને પણ રહેણાંક આપવાની સરકારની યોજના હતી. સરકારે 13 જુલાઈ 2023ના રોજ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે અદાણી પ્રોપર્ટીઝની નિમણૂક કરી હતી. તેમ પ્રોજેક્ટના ઝડપી અમલીકરણ માટે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (ડીઆરપીપીએલ)ની રચના કરી હતી. જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે જે રહેવાસીઓને પ્રોજેક્ટ સાઇટના 10 કિલોમીટરના પરિઘમાં વસવાટ કરાવવા માટે યોગ્ય જમીન મળે તો એવા સંજોગોમાં એમને મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં યોગ્ય સ્થળે વસાવવામાં આવે.

સરકારના ઠરાવ મુજબ ધારાવીના અસરગ્રસ્તોને પાલિકાની માલિકીના મુલુંડમાં આવેલા બે પ્લોટમાં વસાવવામાં આવશે. બન્ને પ્લોટ નજીક નજીક છે. એક પ્લોટ થાણે ચેક નાકા પાસે તો બીજો ઐરોલી રોડ પર આવેલો છે. જમીનના રૂપિયાની ચૂકવણી ડીઆરપીપીએલ કરશે. તો રાજ્ય સરકાર જમીન સંપાદનની પ્રક્રિયામાં મદદ કરશે.