• શનિવાર, 13 એપ્રિલ, 2024

શાહજહાંની ધરપકડ અને બંગાળનું સમીકરણ  

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓના જાતીય શોષણ અને જમીન પડાવી લેવા જેવા ગંભીર આરોપો ધરાવતા   તૃણમૂલ કૉંગ્રેસના નેતા શાહજહાં શેખની આખરે બંગાળ પોલીસે ધરપકડ કરી. શાહજહાંને આગોતરા જામીન અપાવવા વકીલે કરેલા નિષ્ફળ પ્રયાસ પછી શાહજહાં પોલીસના હાથમાં આવ્યો હતો.   શાહજહાં શેખ અને તેમના સમર્થકો સામે વિવિધ આરોપોના પગલે છેલ્લા એકાદ મહિના કરતાં વધુ સમયથી દેખાવો તથા ઊહાપોહ ચાલી રહ્યો છે.

શાહજહાં શેખનો મુદ્દો આગામી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં સૌથી મોટો મુદ્દો બનશે, એમાં બેમત નથી તથા ભાજપ આનો લાભ ઉપાડી મમતા બેનરજી સરકારને મુસ્લિમ તુષ્ટીકરણ સાથે જોડવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને મુસ્લિમ વર્ચસવાળા વિસ્તારોમાં હિન્દુ મતદારો વચ્ચે મુદ્દો સંવેદનશીલ બની શકે છે, જેનાથી મમતા બેનરજીને નુકસાન અને ભાજપને લાભ થઈ શકે છે.  પશ્ચિમ બંગાળમાં સાંપ્રદાયિક આધાર પર મતદારોનું વિભાજન થાય છે, તો આનાથી સ્થાપિત રાજનીતિક સમીકરણ પૂર્ણપણે બદલાઈ શકે છે.

ભાજપના જોરદાર અભિયાન પછી પણ પશ્ચિમ બંગાળમાં હિન્દુ-મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ થયું નહોતું. આના માટે પશ્ચિમ બંગાળની સંસ્કૃતિનાં ઊંડાં મૂળિયાં એક હદ સુધી જવાબદાર હતાં, જ્યાં હિન્દુ મુસ્લિમમાં વધુ ભેદ નથી. અહીં મુસલમાન પણ દુર્ગા પૂજામાં સામેલ થાય છે. તો હિન્દુ સમુદાયને પણ મસ્જિદોમાંથી આવતા અઝાનના અવાજથી વાંધો નથી. આનું પરિણામ આવ્યું કે ભાજપને પશ્ચિમ બંગાળમાં પગપેસારો કરવામાં ધારી સફળતા મળી નહોતી અને સુવેન્દ્ર અધિકારીના હાઈ પ્રોફાઈલ પ્રચાર અભિયાન છતાં ભાજપ માત્ર 77 બેઠકો જીતી શક્યો હતો. જોકે, ચૂંટણીમાં ભાજપની મત ટકાવારીમાં 28 ટકા અને બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર 74નો વધારો થયો હતો.

ગઈ લોકસભા ચૂંટણીમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં 18 બેઠકો હાંસલ કરી હતી. બદલાતાં રાજકારણ સમીકરણોમાં અનુમાન હતું કે ભાજપ વખતે છેલ્લો વધારો જાળવી રાખવામાં સફળ નહીં થાય, પરંતુ સંદેશખાલીની ઘટના બાદ જે રીતે હિન્દુ સમુદાયની શાહજહાં શેખ પર કાર્યવાહીમાં થઈ રહેલા ભારે વિલંબના કારણે મમતા સરકાર પ્રતિ નારાજગી વધી છે, તેની અસર ચૂંટણીમાં જોવા મળી શકે છે. અનુમાન છે કે માહોલમાં ભાજપ પોતાની અગાઉથી બેઠકોને યથાવત્ રાખવાની સાથે વધુ બેઠકો પણ જીતી શકે છે.

જોકે, શાહજહાં શેખનું સંપૂર્ણ પ્રકરણ જોતાં મમતા સરકારે છેલ્લી ઘડી સુધી તેને છાવરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે એક ગુનેગાર લગભગ બે મહિના સુધી પોલીસની પકડથી દૂર રહી શક્યો. આવામાં પશ્ચિમ બંગાળની પોલીસથી ન્યાયની આશા કેવી રીતે રાખી શકાય? પોલીસ તપાસમાં ગોબાચારી નહીં આચરે એની ખાતરી કોણ આપશે? આથી મામલાનું આખું સત્ય બહાર લાવવા માટે પ્રકરણ કેન્દ્રીય તપાસ એજન્સીઓને સોંપવું જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ