શહેરો સ્વચ્છ રાખવાના સતત અને સઘન પ્રયાસોના દાવા વચ્ચે સફાઈ સંદર્ભના પ્રશ્નો સદા ઊઠતા રહે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની તો આ પ્રાથમિક ફરજ છે જ પરંતુ કેન્દ્ર સરકાર પણ હવે આ મુદ્દે ગંભીર બની રહી છે. 2026માં સ્વચ્છતા માટે વિશેષ અભિયાન હાથ ધરવાની તૈયારી થઈ રહી છે તે વેળા સર્વોચ્ચ અદાલતે પણ સૌને તાકીદ કરી છે. ઘન કચરાના નિકાલને કોર્ટે સહિયારી જવાબદારી ગણાવી છે.
સ્વચ્છ ભારત મિશન
એક દાયકાથી ચાલે છે. સફાઈ માટે વિવિધ યોજના અમલી છે. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાને કરોડો
રૂપિયાનાં સાધન-વાહન અપાય છે. શહેર - ગામ સ્વચ્છ
રાખવા માટે મોટું મહેકમ હોય, છેલ્લાં અનેક વર્ષથી કૉન્ટ્રાક્ટ પદ્ધતિથી પણ સફાઈનું
કામ થાય છે. રાત્રી સફાઈ મોટાં શહેરોમાં નિત્યક્રમ છે. આ બધું હોવા છતાં સફાઈની સમસ્યા
શાશ્વત છે. કોર્ટે કહ્યું છે કે ઘન કચરાના વ્યવસ્થાપન માટે ગંભીરતા દર્શાવવામાં નહીં
આવે તો ભવિષ્યમાં મોટું નુકસાન થશે.
સ્વચ્છ, સ્વસ્થ
પર્યાવરણનો અધિકાર જીવનના અધિકારનો જ અભિન્ન હિસ્સો છે એવા શુભ અભિપ્રાય સાથે સર્વોચ્ચ
અદાલતે કહ્યું કે પહેલી એપ્રિલથી આખા દેશમાં `ઘન કચરા વ્યવસ્થાપન નિયમ' અમલી બની રહ્યો
છે ત્યારે તેનો અમલ પ્રશાસન સુનિશ્ચિત કરે.
ઘન કચરાના વધતા
પ્રમાણ અને તેની ઉપેક્ષાથી અર્થતંત્ર અને આરોગ્ય બન્ને સામે પ્રશ્નો ઊભા થશે તેવી સર્વોચ્ચ
અદાલતની વાત અસ્થાને નથી. આમ તો સફાઈ માટે વ્યવસ્થા કે પ્રયાસ થતા રહ્યા છે. 2015માં
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વયં દેશને સ્વચ્છતા માટે આહ્વાન કર્યું, બ્રાન્ડ એમ્બેસેડર્સ
પણ જાહેર કર્યા. દર વર્ષે દેશમાં વિવિધ સ્તરે શહેરો, ગામો વચ્ચે સ્વચ્છતા સર્વેક્ષણની
હોડ પણ થાય છે.
હવે એપ્રિલથી
નિયમોનો અમલ થઈ રહ્યો છે ત્યારે સર્વોચ્ચ અદાલતના જજ એસ.વી.એન. ભટ્ટી, પંકજ મિથલની
બેન્ચે આ સમગ્ર કાર્યવાહી માટે સમગ્ર પ્રશાસનને તાકીદ કરી છે. જિલ્લા કલેક્ટરને આના
માટે જવાબદારી સોંપી છે. ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે કૉર્પોરેટર, સુધરાઈ સભ્યો પણ
આ ઝુંબેશમાં સક્રિય રહે તેવું કહ્યું છે.
આ મુદ્દો અગત્યનો
છે. ફ્ક્ત તંત્ર એટલે કે અધિકારી, કર્મચારી આ કાર્ય કરે તે નોકરી કે ફરજ હશે. લોક જાગૃતિ
અને તેના જોડાણ માટે તો જનપ્રતિનિધિ જ માધ્યમ બની શકે. પ્રજા સાથે તેઓ સીધા જોડાયેલા
હોય, તેમનો અવાજ પહોંચે. કચરા મુક્ત ભારત બધાની જવાબદારી છે.
બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે જ્યારે જ્યારે સફાઈ કે અન્ય કોઈ કાર્યવાહીની વાત આવે ત્યારે દંડ વસૂલાત થાય. `જાહેરમાં કચરો ફેંકશે તો આટલા રૂપિયા દંડ' આ ઉકેલ નથી. દંડ વસૂલવાથી સફાઈનો ખર્ચ નીકળે. કચરો ન નીકળે. જન જાગૃતિ સૌથી મોટી બાબત છે. સર્વોચ્ચ અદાલતે પણ એ જ કહ્યું છે. આપણે સ્વતંત્રતાના આઠમા દાયકે પણ હજી સ્વચ્છતા સજાગતા માટે અભિયાનો ચલાવીએ છીએ. 2047માં વિકસિત રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત થવું હોય તો શરૂઆત તો આ સ્વચ્છતાથી જ કરવી પડે.