ટેરિફનું ભૂત ધુણવાનું ઝટ અટકે એવું લાગતું નથી. અમેરિકાની સર્વોચ્ચ અદાલતે 6-3ની બહુમતીથી ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના વિવિધ દેશો પર આડેધડ અને બેફામ લાદેલી ટેરિફને ગેરકાયદે ઠરાવી, પણ ટ્રમ્પે આખા વિશ્વ પર પંદર ટકા ટેરિફ ઝીંકી દીધી છે. ટ્રમ્પે ધારણા પ્રમાણે ધાર્યું જ કર્યું છે અને અદાલતી આદેશને લાંછનસ્પદ ગણાવતી પહેલી પ્રતિક્રિયા આપ્યા બાદ કહ્યું કે, કશું જ બદલાયું નથી, ટેરિફ તો આપવી જ પડશે. યુએસ સુપ્રીમ કોર્ટના આદેશની અસર શું થશે એનો કયાસ કાઢી શકાય એ પૂર્વે ચર્ચા શરૂ થઈ કે, અત્યાર સુધી ટેરિફ દ્વારા એકત્ર કરાયેલા 175 બિલિયન ડૉલર રિફન્ડ કરવાની પ્રક્રિયા શરૂ થશે તો એમાંથી પાર ઉતરવામાં પાંચ વર્ષ લાગશે-સમસ્યા કરતાં ઉપાય જાલિમ છે. તો શું ટ્રમ્પની દાદાગીરી ઓછી થશે? અમેરિકાના પ્રમુખનો અત્યાર સુધીનો ટ્રેક રેકૉર્ડ કહે છે કે, ટ્રમ્પ શું કરશે એનો અંદાજ કદાચ ટ્રમ્પને ખુદને પણ નહીં હોય.
અમેરિકાની સર્વોચ્ચ
અદાલતે પોતાના ચુકાદામાં ટાંક્યું છે કે, તાતિંગ ટેરિફ ફટકારવા માટે ટ્રમ્પ વહીવટે
આપેલું યુદ્ધ જેવી કટોકટીનું કારણ વાજબી નથી. પોતાના ઇશારે નાચે એવું ન્યાયતંત્ર ઇચ્છતા
ટ્રમ્પે નીમેલા એક જજે આ કેસની સુનાવણીમાં સવાલ પૂછયો છે કે, ફ્રાન્સ અને સ્પૅન અમેરિકાના
સંરક્ષણ અને ઔદ્યોગિક આધાર સામે જોખમ ઊભું કરે છે? સર્વોચ્ચ અદાલતના વધુ એક ન્યાયમૂર્તિએ
પૂછયું હતું કે, શું અમેરિકા વિશ્વના દરેક દેશ સામે યુદ્ધમાં છે? જવાબ આપવાની તમા ટ્રમ્પને
નથી, કેમ કે તેમને તો એવું જ લાગે છે કે, દુનિયાના બધા દેશો અમેરિકા પાસેથી ખાટી જાય
છે અને વિશ્વનો નંબર વન દેશ બધે મુંડાય છે. ટ્રમ્પે અડધી સદી પૂર્વેના ઈન્ટરનેશનલ ઈમર્જન્સી
ઈકૉનોમિક પાવર ઍક્ટનો આશરો લઈ પોતાના કાર્યકાળના પહેલા એક વર્ષમાં બધાને ત્રાહિમામ્
પોકારાવી દીધા. આ બધામાં ટ્રમ્પના મતે દુનિયાનો સમાવેશ થાય છે, પણ એમાં અમેરિકાના સ્થાનિક
વેપાર-ધંધાનો ખંગ વળી ગયો છે અને નાગરિકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પ
ટેરિફ લાદવા માટે કોઈક બીજો જૂનો કાયદો કે રસ્તો શોધી કાઢશે, કેમ કે તેમની હિટલર જેવી
માનસિકતા દૃઢપણે કહે છે કે, અમેરિકા જેવું મહાન કોઈ નહોતું અને તેને ફરી મહાન બનાવવું
એ આપણી પવિત્ર ફરજ છે.
સારી વાત એ છે
કે, આ વર્ષે અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી યોજાવાની છે અને અન્ય કોઈ કાયદા હેઠળ ટ્રમ્પ
પાસે અત્યારે છે એવી અમર્યાદ સત્તા નહીં હોય. અમેરિકન સંસદના ઉપલા ગૃહ કૉંગ્રેસની ચૂંટણીઓમાં
આમ પણ ટ્રમ્પ માટે કપરાં ચઢાણ છે અને ટેરિફ રિફન્ડ કરવાની આવી તો તેમની હાલત ઓર કફોડી
થશે. ભારતે લાંબી વાટાઘાટો બાદ ટ્રેડ ડીલ મેળવી છે, પણ હવે ટ્રમ્પ અદાલતી આદેશ પછી
ફરી વીફરશે તો બધું ધોવાઈ જતાં વાર નહીં લાગે. અદાલતની આ લપડાકને ટ્રમ્પ કઈ રીતે લેશે
એનો અંદાજ તો આવી જ ગયો છે. ટ્રમ્પને જે આવડે છે એ જ તેઓ કરતા રહેશે, એ પણ નક્કી જ
છે.