• રવિવાર, 05 મે, 2024

રેલવે સ્ટેશનો પ્રવાસ કેન્દ્રી બનાવો

આમઆદમીનો રેલવે પ્રવાસ આરામદાયી બનાવવા માટે   વર્ષના બજેટમાં ઘોષિત કરવામાં આવેલું શૂન્ય વેઈટિંગ લિસ્ટનું ધ્યેય પાર કરવા માટે રેલવે વિભાગે પગલાં લેવાનું શરૂ કર્યું છે. મધ્ય રેલવે પર ચાર સ્થળોએ મેગા ટર્મિનસ ઊભાં કરવાનો નિર્ણય રેલવેએ લીધો છે. માટે મહામુંબઈનાં સ્થળોએ મેગા ટર્મિનસ ઊભાં કરાશે. માટે જગ્યાની શોધ શરૂ થઈ છે.

મહામુંબઈમાં ઉતારુઓની માગણીઓ વધતી જાય છે. તેને લઈ મહામુંબઈમાં હાલનાં ચાર રેલવે ટર્મિનસને બાદ કરતાં નવાં ચાર મેગા ટર્મિનસ ઊભાં કરવાં માટે પનવેલ, કલ્યાણ, કલંબોલી, ડોમ્બિવલી, થાણે અને પરેલ એમ સંભવિત સ્થળોનો જાયજો લેવાનું ચાલુ છે, પરંતુ હજી સુધી જગ્યા ઉપલબ્ધ નથી થઈ. હાલનાં ટર્મિનસથી પૂર્ણ ક્ષમતાથી ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જેને લઈ મલ્ટિમૉડલ કનેક્ટિવિટી ધરાવતાં મેગા ટર્મિનસ ઊભાં કરવામાં આવનાર છે જે આવકારપાત્ર છે.

મેગા ટર્મિનસનો વિચાર મુંબઈ પૂરતો નહીં હોવો જોઈએ. શહેરોમાં ઊભી કરાતી સુવિધા ભવિષ્યમાં વધનારી વસ્તીને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. આપણે અત્યાર સુધી જે સુવિધાઓ ઊભી કરી છે, તેનો વિસ્તારિત પરિસર સાબૂત રાખવા પ્રતિ દુર્લક્ષ સેવાયું છે. ઉપરાંત ઉતારુઓને લાંબા અંતરના પ્રવાસ માટે નીકળતાં પહેલાં શહેરાંતર્ગત પ્રવાસ પાર કરીને સ્ટેશને પહોંચવું પડે છે, આનો કદી વિચાર નથી કરવામાં આવ્યો. ટર્મિનસ સુધી ભારે સામાન લઈને એકાદ કુટુંબ કેવી રીતે પહોંચશે, તે વિચારીને ટ્રાફિક સુવિધા ઊભી કરવા અંગે પણ વિચાર નથી થયો.

ભવિષ્યમાં મેગા ટર્મિનસ મુંબઈથી દૂર ખુલ્લી જગ્યામાં ઊભાં કરવામાં આવે તો તળમુંબઈ કે મુંબઈમાં રહેતા ઉતારુઓ સામાન સહિત વાજબી ભાડાંમાં કેવી રીતે પહોંચી શકે તેનો વિચાર થવો ઘટે. મુંબઈનો ભાર ઓછો કરવા માટે પશ્ચિમનાં પરાંમાં બાંદ્રા ટર્મિનસ અને પૂર્વ પરાંમાં કુર્લા ટર્મિનસ ઊભું કરવામાં આવ્યું છે, પરંતુ ત્યાં પહોંચવાનો માર્ગ આજે પણ અડચણભર્યો  છે. રિક્ષા-ટૅક્સીની લૂંટમાર રોજની થઈ પડી છે. અનુભવ પુણે, નાસિક જેવાં શહેરોને સતાવે છે.

મુંબઈનાં મુખ્ય સ્ટેશનોથી છૂટતી ટ્રેનોની સંખ્યા વધી છે, નવી ટ્રેનો પણ શરૂ કરવામાં આવી છે, છતાં રાહદારી પુલ, પ્લૅટફૉર્મોની સંખ્યા, વેઈટિંગ રૂમોની સુવિધામાં કોઈ વધારો નથી થયો. રેલવે સ્ટેશનોના પ્રવેશદ્વારો અતિક્રમણોથી ઘેરાયેલા છે. રેલવેનું નેટવર્ક વિસ્તારતી વેળા રેલવે દ્વારા તેની જમીન અને તેની આસપાસના પરિસરની પૂરતી કાળજી લેવામાં આવી હોવાથી ઉતારુઓને જે ત્રાસ થાય છે તે પહેલાં દૂર થવો જોઈએ.