• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

પાણીનાં ટૅન્કરો : હવે વ્યવહારુ નિયમો જરૂરી

મુંબઈમાં પાણીનાં ટૅન્કરોની હડતાળ પાછી ખેંચી લેવાનો નિર્ણય રાહતદાયક છે. નળથી જળ આપવાની મોદી સરકારની યોજના હોવા છતાં મહાનગર મુંબઈમાં પચાસ ટકા વસતિ ટૅન્કરનાં જળ ઉપર નભે છે અને પાંચ દિવસ ‘દુષ્કાળ’થી હેરાનગતિ ભોગવી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી. આર. પાટીલના સંપર્ક અને સૂચના પછી મુંબઈ સુધરાઈએ ડિઝાસ્ટર મૅનેજમેન્ટના કાયદા હેઠળ મુંબઈમાં બોરવેલ-કૂવાઓના માલિકો અને ટૅન્કર ઍસોસિયેશનને સખત તાકીદ કરી હતી. આખરે ટૅન્કરો જપ્ત થવાની શક્યતા ટાળવા સમાધાન થયું છે. પાલિકાએ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ લાગુ કર્યા બાદ ટૅન્કર ઍસોસિયેશને હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો.

મુંબઈમાં ટૅન્કર ઍસોસિયેશનમાં 2000 ટૅન્કરો નોંધાયેલાં છે અને દૈનિક વીસ કરોડ લિટરથી બસો કરોડ લિટર પાણી પૂરું પાડે છે. આ ઉપરાંત મુંબઈ સુધરાઈનાં ટૅન્કરો 385 કરોડ લિટર પાણી રોજેરોજ પૂરું પાડે છે છતાં પુરવઠામાં ખાધ રહે છે. હાઉસિંગ સોસાયટીઓ, ઉદ્યોગો ઉપરાંત મકાનોનાં બાંધકામ અને ગેરકાયદે વસાહતોની જરૂરિયાત પૂરી પાડવા માટે ટૅન્કરો એકમાત્ર વિકલ્પ છે. મહાનગરના નવનિર્માણ-માર્ગોનાં બાંધકામ માટે પાણીપુરવઠો ઠપ થઈ ગયો હોવાથી હાલાકીમાં વધારો થયો હતો.

ભૂગર્ભ જળ સ્રોતના ઉપયોગનું નિયમન કરવા માટે કેન્દ્ર સરકારે વિશેષ અૉથોરિટીની વ્યવસ્થા કરી છે. તેના દ્વારા ભૂગર્ભ જળના ઉપયોગ માટે માર્ગદર્શિકા બહાર પાડી છે જે મુજબ મહાનગરના કૂવાઓ ફરતે 200 મીટર મોકળી જગા હોવી જોઈએ જેથી પાર્કિંગ સમસ્યા થાય નહીં. દરેક કૂવામાંથી રોજ કેટલું પાણી ખેંચાય છે તે જાણવા ‘મીટર’ હોવાં જોઈએ. એક ટૅન્કરને એક દિવસમાં કેટલું પાણી મળે તેની મર્યાદા બાંધવી જોઈએ. આ માર્ગદર્શિકા મુંબઈ માટે વ્યવહારુ નહીં હોવાથી નોટિસો પાછી ખેંચીને કેન્દ્ર સમક્ષ યોગ્ય રજૂઆત કરવાની સમજૂતી થઈ છે. તેથી હાલ તુરંત ટૅન્કરો અને જળવપરાશકારોને રાહત મળી છે.