મતદાતાઓની યાદી અંગે વિવાદ વકરી રહ્યો છે ત્યારે જમીયત ઉલમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ ભારતમાં મુસ્લિમો પ્રતિ ભેદભાવ રાખતા હોવાનો આક્ષેપ કરીને નવો વિવાદ છેડયો છે. રાજકીય વિવાદ કરતાં પણ વધુ ગંભીર બાબતે મુસ્લિમ સમાજની યુવા પેઢીને ભડકાવવા, ઉશ્કેરવાનો આ પ્રયાસ છે. મૌલાના મદની કહે છે કે ન્યૂ યૉર્કના મેયર જોરખાન મમદાની બની શકે છે અને સાદીક ખાન લંડનના મેયર બની શકે છે પણ ભારતમાં એક મુસ્લિમ કોઈ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પણ બની શકતા નથી અને જો કોઈ બની જાય તો તેને - આઝમ ખાનની જેમ જેલભેગા થાય છે.
મૌલાના સાહેબે અલ ફલાહ યુનિવર્સિટીનો દાખલો
ટાંક્યો છે, પણ ભૂલી જાય છે કે આ યુનિવર્સિટીનું નામ આતંકવાદીઓ સાથે ખરડાયું છે. દિલ્હીમાં
ચાંદની ચોકની બહાર આત્મઘાતી હુમલામાં ડૉક્ટરોનું ગ્રુપ પકડાયું છે અને પગેરું છેક યુનિવર્સિટી
સુધી ગયું છે. દિલ્હીમાં થયેલા આતંકી હુમલાનો કારસો યુનિવર્સિટીમાં ઘડાયો હતો અને પકડાયેલા
ઈસમો - ડૉક્ટરોએ કબૂલ પણ કર્યું છે. હવે મૌલાના આતંકીઓના બચાવમાં બોલી રહ્યા છે કે
મુસ્લિમ સમાજના ભલા માટે બોલી રહ્યા છે? આતંકવાદીઓને સજા થશે તો પણ બચાવ થશે? આતંકવાદનો
કોઈ મજહબ નથી હોતો, લોહીનો રંગ અલગ નથી હોતો એવી સુફિયાણી વાતો આપણે સાંભળતા આવ્યા
છીએ ત્યારે હવે મૌલવી સાહેબ આતંકીઓને બચાવવા માટે ન્યૂ યૉર્ક અને લંડનના મેયરનાં નામ
આપે છે, પણ તેઓ કોઈ આતંકી ઘટનામાં સંડોવાયા છે? એમની સાથે સરખામણી કરવાનો અર્થ નથી.
મૌલવી મદનીના સમર્થનમાં કેટલાક કૉંગ્રેસી
નેતાઓ બહાર આવ્યા છે. અલબત્ત, એમણે કહ્યું છે કે આતંકીઓ સામેની કાર્યવાહીમાં સમગ્ર
યુનિવર્સિટીને ખતમ કરી શકાય નહીં! પણ જ્યારે સમગ્ર યુનિવર્સિટીનો ઉપયોગ થયો હોય ત્યારે
આતંકના મૂળ સુધી પહોંચ્યા વિના ચાલે નહીં. મદનીસાહેબ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને ભૂલી
ગયા લાગે છે! ભારતમાં મુસ્લિમ યુનિવર્સિટી પણ છે અને મદરેસાઓમાં આધુનિક શિક્ષણ આપવા
માટે સરકારી મદદ પણ મળે છે.
મદનીસાહેબે મુસ્લિમોને અન્યાય થાય છે,
ભેદભાવ રાખવામાં આવે છે એવો આક્ષેપ કરીને કહ્યું છે કે આ ભેદભાવના કારણે મુસ્લિમ સમાજ
પાસે નેતાઓ નથી એવી ફરિયાદ સંભળાય છે. એમણે તો કહ્યું છે કે, આઝાદી પછી ભારતમાં મુસ્લિમો
માથાં ઊંચાં કરી શકે નહીં એવી તજવીજ થઈ છે!
ભારતમાં મુસ્લિમ ઉપરાષ્ટ્રપતિથી રાષ્ટ્રપતિ
સુધી મુસ્લિમ અગ્રણી પહોંચ્યા છે. ભારતીય સેનામાં પણ સેવા આપી છે અને આપી રહ્યા છે
ત્યારે રાજકીય નેતાઓએ મુસ્લિમ સમાજનું શું ભલું કર્યું તે પ્રશ્ન છે.
આજે જાહેર જીવનમાં બૅરિસ્ટર ઓવૈસી છે અને
બિહારની ચૂંટણીમાં મુસ્લિમ નેતા તરીકે ઉભર્યા છે ત્યારે એમની સામે જૂના - સ્થાપિત નેતાઓનું
વજન વધારવા માટેનો આ પ્રયાસ હોય તો આશ્ચર્ય નથી પણ સમગ્ર યુવા પેઢીને ઉશ્કેરવાની જરૂર
નથી.