• બુધવાર, 11 માર્ચ, 2026

નેપાળમાં આશાનું નવું કિરણ

નેપાળની સામાન્ય ચૂંટણીનાં પરિણામો ચોંકાવનારાં છે, પણ સદંતર અનપેક્ષિત તો નથી . છેલ્લાં 14 વર્ષમાં 18 સરકાર જોનારા નેપાળના નાગરિકોએ, ખાસ કરીને જેન ઝીએ શ્રીલંકા અને બાંગ્લાદેશની જેમ જૂના જોગી જેવા રાજકીય પક્ષો અને નેતાઓને કોરાણે મૂકી દીધા છે. રવિ લામિછાનેના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય સ્વતંત્ર પક્ષ (આરએસપી)ને મતદારોએ ખોબલે ખોબલે મત આપ્યા છે અને રૅપ ગાયક, વ્યવસાયે સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને કાઠમાંડુના મેયર 35 વર્ષના બલેન્દ્ર શાહ ઉર્ફે બલેન દેશના આગામી વડા પ્રધાન બનવાના છે. ચૂંટણી જેન ઝીએ કરેલા દેશવ્યાપી આંદોલનોના મહિના પછી આવી છે અને વિરોધ પ્રદર્શનોના પગલે કે. પી. શર્મા ઓલીને વડા પ્રધાન પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. સોશિયલ મીડિયા પર પ્રતિબંધને પગલે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો પાછળ જોકે ભ્રષ્ટાચાર, બેરોજગારી, સતત પહોળી થતી આર્થિક ખીણ જેવાં નક્કર કારણો હતાં. કે. પી. શર્મા ઓલી હોય કે પુષ્પકુમાર દહલ પ્રચંડ હોય કે શેરબહાદુર દેઉબા બધા ભૂતપૂર્વ વડા પ્રધાનો પર ભ્રષ્ટાચારના આરોપો છે. મતદારોનો આક્રોશ એવો હતો કે, ગઢ ગણાતા મતદાર સંઘમાંથી માજી વડા પ્રધાન ઓલીનો પચાસ હજાર મતોના તફાવતથી પરાજય થયો છે

 ચાર વાર વડા પ્રધાન રહી ચૂકેલા ઓલીના પક્ષ કૉમ્યુનિસ્ટ પાર્ટી અૉફ નેપાલ (યુનિફાઈડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ) અને નેપાલી કૉમ્યુનિસ્ટ પાર્ટી બંને સામ્યવાદી પક્ષોની બેઠક સંખ્યા બે આંકડા સુધી પણ પહોંચી નથી. તો, નેપાલી કૉંગ્રેસ પક્ષની સ્થિતિ બંને કરતાં સારી ગણાય, પણ ચાર વર્ષ જૂના આરએસપીએ 165માંથી 100થી વધુ બેઠકો પર વિજય મેળવ્યો છે. આમ તો નેપાળની સંસદમાં કુલ 275 બેઠકો છે, પણ 165 પર સીધી ચૂંટણી થાય છે અને બાકીની સીટો રાજકીય પક્ષોએ જીતેલી બેઠકોના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. ભારત માટે નેપાળમાં નવી સરકાર સાથે સહકાર વધારવા માટે યોગ્ય છે. એક તો ચીનતરફી ઢોળાવ ધરાવતા સામ્યવાદી પક્ષોનો સફાયો થઈ ગયો છે. જોકે, ભારતની મોટા ભાઈની ભૂમિકા છેલ્લા થોડા સમયથી કેટલાક પાડોશી દેશમાં હસ્તક્ષેપ તરીકે જોવાઈ રહી છે. આથી, બાબતમાં સંતુલન રાખી યુવાન નેતૃત્વ સાથે નિકટતા સાધી આર્થિક સહકાર વધારવો જોઈએ. ભારત નેપાળનો સૌથી મોટો વેપાર ભાગીદાર તો છે અને હવે રાજકીય સ્થિરતા આવે તો ભારત સાથેના સંબંધો તથા અટકી પડેલી કનેક્ટિવિટી યોજનાઓ અને ઊર્જા જેવાં ક્ષેત્રોમાં સહકાર વધારી શકાય છે. આરએસપીની છબિ સુધારાવાદી અને આર્થિક ઉદારતાવાદીની અત્યારે તો જણાય છે. ગયા વર્ષના દેખાવો દરમિયાન ભારતવિરોધી પૉસ્ટ બલેન શાહે સોશિયલ મીડિયા પર મૂકી હતી. જોકે, ભારત કે ચીન કોઈ એક તરફ નવી સરકારનો ઝોક નહીં હોય બાબત નેપાળના નાગરિકોની જેમ ભારત માટે પણ આશાનું કિરણ ગણાશે.