આધુનિક સમયમાં શિક્ષણના વૈશ્વિકીકરણનો પ્રવાહ સતત પ્રચલિત બની રહ્યો છે. દુનિયાના શ્રેષ્ઠ અભ્યાસક્રમો અને શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓ યુવાનોને સતત આકર્ષતા રહ્યા છે. આ જ કારણ છે કે, ભારતના લાખો યુવા વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશની વાટ પકડતા થયા છે. હવે આવા વિદ્યાર્થીઓને ઘરઆંગણે દુનિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના શિક્ષણ માળખાંનો લાભ મળે તે માટેનો માર્ગ મોકળો બન્યો છે. કેન્દ્ર સરકારે દુનિયાની 1પ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીને ભારતમાં તેમના કૅમ્પસ ખોલવાની મંજૂરી આપી છે. આ માત્ર એક વહીવટી નિર્ણય નથી, પણ દેશના ઉચ્ચ શિક્ષણ માટે એક નવા યુગની શરૂઆત છે.
સરકારે જે વિદેશી યુનિવર્સિટીઓને દેશમાં કૅમ્પસ ખોલવાની
મંજૂરી આપી છે, તેમાં યુનિ. અૉફ એબર્ડીન, યોર્ક, બ્રિસ્ટલ, લિવરપુલ, ઈલીનીઈસ ટેક અને
વિક્ટોરિયા યુનિ.નો સમાવેશ થાય છે. મહત્ત્વની બાબત એ છે કે, આ યુનિવર્સિટીઓના ભારતીય
કૅમ્પસમાં તેમના મૂળ સંકુલ મુજબના અભ્યાસક્રમ, મૂલ્યાંકન અને ડિગ્રી ઉપલબ્ધ કરાશે.
વળી, તેમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને વિદેશમાં મુખ્ય કૅમ્પસમાં એક કે બે સેમિસ્ટર
માટે અભ્યાસ કરવાની તક મળશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ઉચ્ચ શિક્ષણને વૈશ્વિક સ્તરે
સ્પર્ધાત્મક બનાવવાની નેમ ધરાવતી 2020ની રાષ્ટ્રીય શિક્ષણનીતિને અનુરૂપ નવી વ્યવસ્થાને
મંજૂરી અપાઈ છે.
મહત્ત્વની બાબત એ છે કે, સરકારના આ નિર્ણયથી સ્વદેશી
યુનિવર્સિટીઓની સામે પણ એક નવો પડકાર ઊભો થશે. શક્ય છે કે, આમાં વિરોધનો સૂર પણ ઊઠી
શકે છે. જોકે, સ્વદેશી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને તેમના તમામ સ્તરનાં ધોરણને સુધારીને આગામી
સ્પર્ધા માટે પોતાને વધુ સજ્જ કરવા પર હવે તાકીદનું ધ્યાન આપવાની જરૂરત રહેશે. આપણા
દેશમાં આઇઆઇએમ કે આઇઆઇટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ હવે સ્વદેશમાં પોતાના વ્યાપને વધારવો
રહ્યો. સરવાળે તો દેશના શિક્ષણ માળખાં અને વિદ્યાર્થીઓને ફાયદો જ થશે.