• શુક્રવાર, 03 જુલાઈ, 2026

સિંધુ જળ વિવાદ : ભારતની કૂટનીતિથી પાક રઘવાયું

થોડા દિવસ પહેલાં પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સિંધુ જળ સમજૂતીના સંદર્ભમાં ભારતને સીધી લશ્કરી કાર્યવાહી અને યુદ્ધની ધમકી આપી હતી. એ પછી તેના જળવાયુ પરિવર્તન પ્રધાન મલિકે બેહૂદું નિવેદન કરતાં બીજી ધમકી આપી કે, પાક.નું સિંધુ પાણી રોકાશે તો તેના હાથ કાપી નાખશું.

ઘરમોરચે ચોતરફથી ઘેરાયેલા પાકિસ્તાને ગંભીર આંતરિક પરિસ્થિતિથી જનતાનું ધ્યાન ભટકાવવા આ પ્રકારની વાહિયાત વાતો કરે છે. બાકી એ સુપેરે સમજે છે કે, મહાસમર્થ ભારત સામે એ આંખ ઊંચી કરીને જોઈ શકે તેમ નથી. પાકિસ્તાનના શાસકો દુનિયાભરમાં ભીખનો કટોરો લઈ ફરી રહ્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કડક શબ્દોમાં એકથી વધુ વાર સીમાપાર સંદેશ આપ્યો છે કે, ભારતને હવે છંછેડવાની રખે ભૂલ કરતા, અમને કોઈ છંછેડશે તો છોડશું નહીં.

એક તરફ પાક. પરસ્ત પરિબળો બન્ને દેશ વચ્ચે પુન: વાટાઘાટ શરૂ થાય તેવી હિમાયત કરી રહ્યાં છે. એ લોકો પહેલગામનો નરસંહાર ભૂલી ગયા હોય તો તેમને પાકની ખોખલી ધમકીઓથી અંદાજ આવી જવો જોઈએ કે આતંકવાદ અને શાંતિ એકસાથે કદી ચાલી શકે નહીં. ખ્વાજા આસિફનું બયાન તો જુઓ એ જનાબ કહે છે, `પાણી અમારી રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે અને ભારત સાથે યુદ્ધ કરતાં અચકાશું નહીં.'

અહીં એ નોંધનીય છે કે, સિંધુ જળસંધિનો મુદ્દો પહેલગામ હુમલા સાથે સંકળાયેલો છે. જમ્મુ-કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવીને પાક. પ્રેરિત આતંકવાદીઓએ હત્યાકાંડ આચરતાં ભારતે પાડોશી દેશ સાથે તમામ જાતના સંબંધો સ્થગિત કરી દીધા અને 1960માં વિશ્વ બૅન્કની મધ્યસ્થતાવાળી સિંધુ જળસંધિ પર સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લીધો હતો. ભારતનો રાજદ્વારી સંદેશ બહુ સ્પષ્ટ છે. નિર્દોષ ભારતીયોનું લોહી અને નદીઓનું જળ એકસાથે વહી ન શકે. ભવિષ્યમાં પાકિસ્તાન તરફ વહેતાં સિંધુ જળને પણ પૂરેપૂરું નિયંત્રિત કરવાનો ભારતે આકરો નિર્દેશ આપતાં ઇસ્લામાબાદમાં ખળભળાટ મચી ગયો છે. 

અહીં એ નોંધનીય છે કે, 1960ની સમજૂતી અંતર્ગત ત્રણ પૂર્વીય નદીઓ (રાવી, બિયાસ અને સતલજ)નો પૂરો અધિકાર ભારતને મળ્યો છે, જ્યારે ત્રણ પશ્ચિમી નદીઓ (સિંધુ, જેલમ અને ચિનાબ)નાં પાણીનો મોટો હિસ્સો પાકિસ્તાનને ફાળવવામાં આવ્યો છે. જાણકારોના કહેવા મુજબ આ સંધિ અંતર્ગત ભારતને પશ્ચિમી નદીનાં પાણીના ઉપયોગથી મર્યાદિત ખેતી, પરિવહન અને પાણી રોક્યા વિના વીજળી ઉત્પન્ન કરવાનો નિર્વિવાદ અધિકાર મળ્યો હોવા છતાં આપણે વર્ષોથી ઉદાર વલણ રાખીને પોતાના ભાગે આવતાં પાણીનો ઉપયોગ નથી કર્યો. 

અલ નિનો પરિબળને લીધે વરસાદ ખેંચાઈ જતાં ભારત સહિતના દેશો પર જળ સંકટનું જોખમ ઊભું છે. પાકિસ્તાનમાં તો પાણીની કટોકટી ગંભીર છે. તેની એક તૃતીયાંશ વસ્તી પાણીની અછત ભોગવી રહી છે. પાકિસ્તાને તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો દરવાજો ખટખટાવીને ભારત આંતરરાષ્ટ્રીય દાયિત્વનું ઉલ્લંઘન કરતું હોવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ તે હકીકત ભૂલી ગયું છે કે, વિયેના કન્વેન્શન અૉન ધ લૉ અૉફ ટ્રીટીઝમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, દ્વિપક્ષીય સંબંધોમાં અગર કોઈ એક `મૂળભૂત પરિસ્થિતિમાં બદલાવ' માટે  કારણભૂત બને કે સંધિના ઉદ્દેશોનું ઘોર ઉલ્લંઘન કરે તો સંધિ સસ્પેન્ડ કરી શકાય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ