• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

સવાલ ભાવિ પેઢીનો, આવશ્યકતા અમલ બજાવણીની

શાળાઓની આસપાસ તંબાકુજન્ય ઉત્પાદનો અને દારૂ જેવા કેફી પદાર્થોના વેચાણ પર જેમ પ્રતિબંધ છે, તેમ મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશને (એફડીએ) શાળાના પરિસરમાં હાનિકારક જંકફૂડના વેચાણ પર કડક પ્રતિબંધ મૂક્યો છે. એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ વિવિધ રેસ્ટોરાં અને હોટેલ્સ તો ઠીક પાલિકા, હાઈ કોર્ટ અને મંત્રાલય તથા ઉચ્ચભ્રૂ ક્લબ્સનાં રસોડાંમાં નિયમોના ઉલ્લંઘન બાબતે સપાટો બોલાવ્યો છે. શાળાની આસપાસના પચાસ મીટર વિસ્તારમાં જંકફૂડ, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડના વેચાણ પર બૅન મૂકવાનો નિર્ણય સ્વાગત યોગ્ય છે. વળી, આવા ઉત્પાદનોની જાહેરાત પણ શાળા નિકટ નહીં કરી શકાય અને ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી તથા દંડનું શસ્ત્ર ઉગામવામાં આવશે. વળી, શાળાઓને પણ આમાં જવાબદાર બનાવવામાં આવી છે. વર્લ્ડ હૅલ્થ અૉર્ગેનાઈઝેશનના એક અહેવાલ મુજબ ભારતમાં 1.44 કરોડથી વધુ બાળકો-કિશોરો સ્થૂળતાની સમસ્યા ધરાવે છે. દેખીતી રીતે આનો સંબંધ બાળકોની ખાણીપીણીની અયોગ્ય રીતો સાથે છે, જે તેમને ભવિષ્યમાં ડાયાબિટીસ, હૃદયરોગ તથા અન્ય બીમારીઓ તરફ ધકેલી શકે છે. જોકે, વાંચવા-સાંભળવામાં ક્રાંતિકારી લાગતા ઉપરોક્ત નિયમોની અમલ બજાવણી એફડીએ કઈ રીતે કરશે, મોટો પ્રશ્ન છે. વળી, બીજી સમસ્યા છે કે, શાળાઓમાં નિયમોનું પાલન થાય છે કે નહીં તેની જવાબદારી શિક્ષકો પર નાખવામાં આવશે. એક તો પહેલેથી શિક્ષકોને વસતિગણતરી તથા ચૂંટણી પંચની એસઆઈઆર કવાયતમાં જોતરવામાં આવ્યા છે, આવામાં તેમના પર વધારાની જવાબદારી નાખવી કેટલી યોગ્ય છે?

રાજ્ય એફડીએમાં 200 ફૂડ ઈન્સ્પેક્ટરનાં પદો સામે માંડ 41 અધિકારીઓ છે, રીતે પ્રયોગશાળા તથા અન્ય પદો પણ ખાલી છે. જિલ્લા સ્તરે ફૂડ સિક્યુરિટી અધિકારીનાં ખાલી પદોને પગલે એક અધિકારી પાસે અનેક તાલુકાનો કાર્યભાર છે. આવામાં, અમલ બજાવણી કેવી રીતે થશે? અપૂરતા સ્ટાફને કારણે રજાના દિવસે તથા અૉવરટાઈમ કામ કરવું પડતું હોવાની ફરિયાદ મુંઢેની હાજરીમાં અધિકારીઓએ સંબંધિત ખાતાના પ્રધાનને કરી હતી. ભારતમાં હૃદયરોગ તથા ડાયાબિટીસનો વ્યાપ જે ઝડપે વધી રહ્યો છે જોતાં બાળકોમાં આહાર બાબતે તકેદારી એકમાત્ર વિકલ્પ છે. આવામાં એફડીએનું પગલું આવકારદાયક છે, આથી અમલ બજાવણી માટે માનવબળ પૂરું પાડવા અંગે તથા શાળાના વહીવટ મંડળે વાલીઓ તથા સ્વયંસેવી સંસ્થાઓ સાથે મળી મોરચે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, કેમ કે સવાલ દેશની આવતીકાલનો છે એકથી વધુ પેઢીના ભવિષ્યનો છે.