• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

સંસદના પ્રાંગણમાં તમાશો : સનાતનનું અપમાન

પેપર લીકના મુદ્દે લોકસભામાં ધાંધલ-ધમાલ અને ખરડો પસાર થયા પછી રાબેતા મુજબ કાર્યવાહી શરૂ થઈ રહી છે ત્યારે વિરોધ પક્ષના નેતાએ અયોધ્યામાં દેવદ્રવ્યની ચોરીના મુદ્દે દેશ અને દુનિયાનું ધ્યાન આકર્ષવા માટે નવો કીમિયો અજમાવ્યો છે. હકીકતમાં સનાતન ધર્મની મજાક-હાંસી ઉડાવવા માટે એક તમાશાનું આયોજન થયું હતું. રાજેશ રંજન નામના અપક્ષ સંસદસભ્ય - જેઓ પપ્પુ યાદવ તરીકે જાણીતા છે - તે ભગવા વસ્ર ધારણ કરીને સાધુ-સંતની ભૂમિકામાં સંસદના દ્વારે બેઠા હતા અને રાહુલ ગાંધી - પ્રિયંકા તથા મલ્લિકાર્જુન ખડગે સહિત કૉંગ્રેસી તથા અન્ય માનનીય સભ્યો તમાશો જોઈ રહ્યાં હતાં. રાહુલ ગાંધીએ દાન-પેટીમાં `ભેટ' ચડાવી અન્ય સભ્યો એમને અનુસર્યા પછી સાધુવેશમાં બેઠેલા પપ્પુ યાદવે (પૂજારી) દાનપેટીની રકમ કાઢીને ખિસ્સાં ભરીને ભાગવા લાગ્યા - ભાગે છે એવું નાટક કર્યું અને `લોકો' એમને પકડયા...

તમાશો જે લોકોએ ટીવી ઉપર ધ્યાનથી જોયો હોય તો - શ્રીરામના ફોટાવાળું પુસ્તક હાથમાં હતું તે બાજુમાં પછાડીને ખિસ્સાં ભરતા હતા. પપ્પુ યાદવનું મૂળ નામ ઘણા જાણતા હશે - તમાશો દાનની રકમ ચોરવા ઉપરાંત સનાતન ધર્મની મજાક ઉડાવવા માટે હતો. સેક્યુલરવાદીઓ અન્ય કોઈ ધર્મનાં વસ્રો પહેરીને આવા ઢોંગ - ધતૂરા કરવાની હિંમત કરે ખરા?

તમાશાની ટીકા થઈ રહી છે અને સ્પીકરસાહેબ માનનીય સભ્ય પપ્પુ યાદવને બોલાવીને વાત કરનાર છે એવા અહેવાલ છે પણ બોલાવીને સ્પીકર શું કહેશે? વિપક્ષો પપ્પુની પીઠ થાબડે છે ત્યારે સ્પીકરસાહેબ કાન પકડશે?

વિપક્ષી નેતાઓ સંસદની ગરિમા અને પ્રતિષ્ઠાની મજાક ઉડાવી રહ્યા છે, માત્ર સનાતન ધર્મની નહીં! પણ બધું હવે `ન્યૂ નોર્મલ' છે! જંતરમંતર ખાતે કેટલાક `િવદ્યાર્થીઓ' અસભ્ય ચેનચાળા કર્યા અને વડા પ્રધાન મોદીને તથા એમનાં સ્વ. માતુશ્રીને ગાળાગાળી ભાંડવામાં કાંઈ બાકી રાખ્યું નહીં અને મોદીએ સૌને માફ કર્યા કે અવળે રસ્તે ચડેલા છોકરાઓને કોર્ટના ધક્કા ખવડાવવાનો અર્થ નથી. આવી ભલમનસાઈ નબળાઈમાં ખપે છે અને સામાન્ય લોકો તેમના સત્તાભૂખ્યા નેતાઓને `ફોલો' કરીને `માનનીય - અસભ્ય' બનતા જાય છે. મા-બાપના સંસ્કાર લજાવે છે!

સભાગૃહની અંદર તમાશો થાય ત્યારે સ્પીકર તે અટકાવી શકે. ઠપકો આપે - પણ બહાર - દરવાજા સામે આવાં નાટક ભજવાય ત્યારે માત્ર સલાહ અપાય!

તમાશો ચાલે છે ત્યારે બીજી બાજુ - હિંસાનો ભોગ બનેલા પોલીસકર્મીઓના પરિવારો પત્રકાર પરિષદમાં માહિતી આપી રહ્યા હતા કે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ હિંસાનો ભોગ બન્યા હતા. વિદ્યાર્થીઓના નેતાઓની માગણી સરકારે સ્વીકારી - કાનૂની કાર્યવાહી નહીં થાય! પણ પોલીસ ઉપર થયેલા દમનની ફરિયાદ સુપ્રીમ કોર્ટે સાંભળી છે અને કહ્યું છે કે વિદ્યાર્થી હોય કે પોલીસ અમારા માટે સૌ સરખા છે. અસામાજિક તત્ત્વોની તપાસ અને સજા થવી જોઈએ...