દર વર્ષે ચોમાસામાં ગેરકાયદે અને ધોકાદાયક એટલે કે જોખમી ઇમારતો પત્તાંના મહેલની જેમ કડડભૂસ થવી અને નિર્દોષોના જીવ જવા એ જાણે રૂટિન થઈ ગયું છે. પાલિકા અને પ્રશાસન ચોમાસા પૂર્વે આવી ઇમારતો ખાલી કરાવવાની નોટિસો મોકલી આપી પોતાની ફરજ બજાવવાનો સંતોષ માણે છે. છતાં વિકલ્પના અભાવે અનેક લોકો આવી ઇમારતોમાં જીવ હથેળીમાં લઈ વસતાં હોય છે. ભીવંડીમાં ગયા અઠવાડિયે કોહિનૂર બિલ્ડિંગનો એક ભાગ તૂટી પડ્યો અને દસ જણનાં મૃત્યુ થયાં. આ ઇમારત એક તો ગેરકાયદે હતી અને તેને જોખમી જાહેર કરાઈ છતાં લોકો તેમાં વસતા હતા. કારણ કે ભીવંડીમાં આવી ઇમારતો ખાલી કરનારના વસવાટ માટે કોઈ વ્યવસ્થા જ નથી. તંત્રએ આ અતિ-ધોકાદાયક ઇમારતનાં વીજ તથા પાણી જોડાણ કાપી નાખ્યાં હોવા છતાં લોકો અહીં રહેતા હતા. આવી દુર્ઘટના બને એ પછી થોડો સમય તેના વિશે ચર્ચા થાય છે, પણ તેનાં મૂળમાં કોઈ જતું નથી અને કાયમી ઉકેલમાં અનેક સમસ્યાઓ છે. અદાલતોની જેમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું છે કે, જોખમી જાહેર કરાયેલી ઇમારતોમાં રહેનારાઓને જબરદસ્તી ત્યાંથી કાઢવામાં આવશે. પણ સવાલ એ છે કે, આ લોકો જશે ક્યાં?
વીસેક વર્ષ પહેલાં બનેલી કોહિનૂર બિલ્ડિંગના ચારેય માળા ગેરકાયદે હતા, વર્ષો સુધી એ બાબતમાં કાર્યવાહી થઈ નહીં. પછી આ ઇમારતને પહેલા ધોકાદાયક અને પછી અતિ-ધોકાદાયક જાહેર કરાઈ અને સ્ટ્રક્ચરલ અૉડિટ અહેવાલ રજૂ કરવાની નોટિસ બજાવાઈ. જોકે, એ બાબતમાં પણ કંઈ ન થયું અને એ પછી આડેધડ સમારકામ શરૂ કરાયું અને એમાં આ દુર્ઘટના થઈ. રિપેર કૉન્ટ્રાક્ટર અને મકાનમાલિક સામે કાર્યવાહીનું હથિયાર ઉગામવામાં આવ્યું છે. પણ આટલાં વર્ષ આંખ આડા કાન કરનાર પાલિકા અને તેના અધિકારીઓનો વાંક નથી - સમરથ કો નહીં દોષ ગોંસાઈ? આવી ઇમારત ખાલી કરાવી સમારકામ કરાવવું અથવા તોડી પાડવાની સત્તા પાલિકા કમિશનર પાસે હોવા છતાં આવું થતું નથી. થોડા સમય પહેલાં આવી જોખમી ઇમારતો માટે ક્લસ્ટર રિડેવલપમેન્ટની યોજના લાવવામાં આવી હતી, મુંબઈ નજીક થાણેમાં કેટલાક પ્રોજેક્ટ શરૂ પણ થયા. પણ એકંદરે આમાં પણ અનેક અંતરાયો આવે છે. બીલ્ડરોને પરવડનારાં ઘરો બાંધવામાં રસ નથી અને સરકાર આ મોરચે ગંભીર નથી, આથી સસ્તાં ઘરોના અભાવે ઓછી આવક-વર્ગના લોકોને જીવ હથેળીમાં લઈ જોખમી ઇમારતોમાં રહેવાની ફરજ પડે છે. વત્તાઓછા અંશે બધે જ આ પરિસ્થિતિ છે. ગેરકાયદે ઇમારતો ઊભી થાય ત્યારે આંખ આડા કાન કરવા, દુર્ઘટના બને તો તેની જવાબદારી કોઈક પર નાખી કાર્યવાહી કરવી અને મરણ પામેલાઓના પરિવારને આર્થિક મદદ જાહેર કરી દેવી, આ રૂટિન થઈ ગયું છે. ઝૂંપડપટ્ટીને કાયદેસર કરવી તથા આવી ઇમારતો સામે કાર્યવાહી ન કરવી એમાં ભ્રષ્ટાચાર તથા વોટ બૅન્કનું ગણિત પણ હોય છે. મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે, એ ઉક્તિને યથાવત્ રાખવામાં જાણે કે તંત્ર સંતુષ્ટ હોય એવી પરિસ્થિતિ છે.