• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

આંદોલનનો અંત, સૌનો વિજય

દેશભરમાં અવિરત ચાલી રહેલાં આંદોલનો વચ્ચે મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓને પહેલી જીત હાંસલ થઈ છે. મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)ના પેપર લીક મુદ્દે આંદોલન ચલાવી રહેલા વિદ્યાર્થીઓની મહત્ત્વની માગણીઓને માન આપી મહારાષ્ટ્ર સરકારે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી એમપીએસસીના ચૅરમૅન વિવેક ભિમાનવારને ફરજિયાત રજા પર ઉતારી દીધા છે. આ સાથે જ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એફડીએના વડા તુકારામ મુંઢેને તપાસ પૅનલના સચિવ નીમ્યા, જેના કારણે અગિયાર દિવસ બાદ આ આંદોલનનો અંત આવ્યો છે. એનસીપી (એસપી)ના રોહિત પવાર, મનસેના વડા રાજ ઠાકરે તથા કૉંગ્રેસના રાહુલ ગાંધી જેવા નેતાઓએ આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર અને એસઆઇઆર સામે ચાલી રહેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો વચ્ચે મહારાષ્ટ્ર સરકારે એમપીએસસી આંદોલકો સામે નમતું ઝોખ્યું હોવાનું ચર્ચાય છે, પણ વાત હાથમાંથી નીકળી જાય એ પહેલાં ફડણવીસે લીધેલા ત્વરિત નિર્ણયને કારણે વિરોધ પક્ષના શઢમાંથી હવા નીકળવા સાથે તુકારામ મુંઢે જેવા અમલદારને તપાસ સમિતિમાં નીમી એ સંદેશ આપ્યો છે કે, તપાસ ન્યાયી-નિષ્પક્ષ રહેશે, જેને માસ્ટરસ્ટ્રોક કહી શકાય. ભિમાનવારના રાજીનામાને બદલે તેમને રજા પર ઉતારી દેવાયા એ મુદ્દે વિરોધ કરવાની જગ્યા પણ ફડણવીસે નથી રાખી. આ આંદોલનને કારણે રોહિત પવારનું કદ વધ્યું છે, જેઓ સાતત્યપૂર્વક વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ લડી રહ્યા છે અને તેમના આ પ્રયાસોને કારણે જ અન્ય પક્ષના નેતાઓને પણ આ આંદોલનની નોંધ લેવાની ફરજ પડી હતી. સારી વાત એ છે કે, આંદોલન સમેટાઈ ગયું છે અને નિષ્પક્ષ તપાસની ખાતરી પણ છે અને સત્તાધારી તથા વિપક્ષો બન્ને આને પોતાની જીત ગણાવી રહ્યા છે, ખરેખર તો આ વિદ્યાર્થીઓનો વિજય છે.     

ઇ-પેપરના નવા શુલ્ક