• બુધવાર, 04 નવેમ્બર, 2026

ધર્મ, અર્થ અને મોક્ષનો કુંભમેળો

દક્ષિણ ગંગા તરીકે વિખ્યાત ગોદાવરી નદીના તીરે તીર્થનગરી નાસિક અને ત્ર્યંબકેશ્વરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ધર્મ ધ્વજ લહેરાયો અને એકવીસથી બાવીસ મહિના ચાલનારા સિંહસ્થ કુંભમેળાના પગરણ થયા. જોકે, પહેલું અમૃત કે શાહી સ્નાન આવતા વર્ષે અૉગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં હશે. કુંભમેળાનો ધ્વજારોહણ સમારંભ અત્યંત સાદગીપૂર્વક, પારંપરિક રીતે અને બહુ ધામધૂમ વિના યોજાતો રહ્યો છે, પણ આ વખતે તેને ન ભૂતો ન ભવિષ્યતિ એવું ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ગોદાવરીના કાંઠે શંખનાદ અને ગોદાની મહાઆરતીનો વિશ્વ વિક્રમ સર્જાવો તે આ સમારંભની વિશિષ્ટતા રહી. વિરોધી પક્ષોએ ટિપ્પણી કરી છે કે, ભાજપે ધાર્મિક આયોજનને પણ એક ઈવેન્ટનું સ્વરૂપ આપી દીધું છે. જોકે, આ પ્રકારના આયોજનો રાજકીય સમર્થકો-વિરોધીઓને સંદેશ આપવાની સાથે સરકારની ક્ષમતાઓ તથા સિદ્ધિઓનું પ્રદર્શન કરવાની તક હોય છે. ટીકા તો એ વાતની પણ થઈ રહી છે કે, મહારાષ્ટ્ર સરકારે કુંભમેળા માટે રૂા. 35 હજાર કરોડની ફાળવણી કરી છે અને અત્યારે રાજ્યમાં દુકાળની પરિસ્થિતિમાં આ ખર્ચ વધુ પડતો છે. જોકે, વિરોધીઓ એ ભૂલી જાય છે કે કુંભમેળા જેવા આયોજન પાછળ થતો ખર્ચ અનેક લોકોને રોજગાર પૂરો પાડે છે અને તેના કારણે અનેક ક્ષેત્રોને વેગ મળે છે અને રાજ્યની અર્થવ્યવસ્થાને પણ તેનો લાભ થતો હોય છે.

ધર્મ ધ્વજા ફરકી તેની પૂર્વસંધ્યાએ આવેલા સરકારી અહેવાલે જોકે ચિંતા વધારી મૂકી છે, જે મુજબ ગોદાવરી નદીમાં અૉક્સિજનનું પ્રમાણ શૂન્ય છે. વળી, નાસિકમાં ચાલી રહેલાં વિકાસકાર્યો ખરેખર પૂર્ણ થયા છે કે કેમ? એવો સવાલ પણ ઊભો થયો છે. જોકે, આ આખા આયોજનને રાજકારણની દૃષ્ટિએ જોવા કરતાં આધ્યાત્મિક રીતે જોવાની જરૂર છે. નદીને લોકમાતા કહેવાય છે અને જેમ સંસ્કૃતિ કુંભના કેન્દ્રમાં છે, તેમ નદી સંસ્કૃતિનો હાર્દ છે. વળી, તીર્થયાત્રા અને કુંભ હવે માત્ર ધાર્મિક-આધ્યાત્મિક બાબતો રહ્યા નથી તેની સાથે અર્થતંત્ર અને રોજગાર પણ જોડાયેલો છે. વળી, આ વખતનું આયોજન તો હરિતકુંભ એટલે કે પર્યાવરણની દૃષ્ટિએ પણ યોગ્ય એવી છાપ ધરાવે છે. 83 વર્ષ પહેલાં રચાયેલી ગ્રહોની સ્થિતિ આ વખતે ફરી સર્જાઈ છે ત્યારે કુંભમેળાના આ આયોજનને રાજકારણથી મુક્ત રાખવો એ સૌની જવાબદારી છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ