• બુધવાર, 04 નવેમ્બર, 2026

વડા પ્રધાન પદ માટે મોદી સામે રાહુલ ગાંધીની દાવેદારી

દિલ્હીના રામલીલા મેદાનમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ યોજાયેલી રૅલી - જાહેરસભામાં મોટા ભાગના વિપક્ષી નેતાઓની હાજરી રાહુલ ગાંધી માટે જરૂર પ્રોત્સાહિત સાબિત થઈ હશે તેથી જ એમણે નિશાન બદલીને વડા પ્રધાન મોદી તથા ગૃહપ્રધાન અમિત શાહને સત્તા ઉપરથી દૂર કરવાની અને કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી છે! જ્ઞાનેશકુમારને પદભ્રષ્ટ કરાવવા માટે વિરોધ આંદોલન વધુ જોરશોરથી જારી રાખવાની જાહેરાત પણ કરી છે. જોકે ચૂંટણી કમિશનરને જાહેરસભા અને ``મોક પાર્લામેન્ટ''ના ઠરાવથી પદભ્રષ્ટ કરી શકાય નહીં. આ વિવાદમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આખરી હશે. વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને `ધમકી' પણ નવી નવાઈ નથી. રાહુલ ગાંધીના નિશાના ઉપર સત્તા - વડા પ્રધાન પદ છે - અને આ વાત છૂપી નથી, જગજાહેર છે! રાહુલ ગાંધીએ રામલીલાની જાહેરસભામાં કબૂલાત કરીને તેઓ વિપક્ષના ઉમેદવાર-દાવેદાર હોવાનો સંદેશ આપ્યો છે અને અમિત શાહે એમને જવાબ આપ્યો છે કે રાહુલજી મોક - નકલી સંસદમાં વડા પ્રધાનની ખુરસી ઉપર બેસીને આનંદ-સંતોષ માણતા રહેશે.

જ્ઞાનેશકુમારની કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ થઈ છે અને સંવિધાન મુજબ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આખરી હશે. રાહુલ ગાંધી અને અન્ય સિનિયર નેતાઓ જાણે છે કે જાહેરસભામાં માગણી કરવાથી, નોટિસ આપવાથી તેઓ જ્ઞાનેશકુમારને દૂર કરી શકે નહીં. અલબત્ત, રાહુલ ગાંધીના સલાહકારોનો વ્યૂહ આ વિવાદ ચૂંટણી સુધી ચાલ્યા કરે અને અન્ય વિપક્ષી નેતાઓને પણ તેમાં જોડાવાની ફરજ પડે એવો હતો અને તેમાં સફળતા મળી છે. રાહુલ ગાંધી વિપક્ષી નેતા અને વડા પ્રધાન પદના દાવેદાર છે એવી છાપ-છબી ઊપસી છે. પણ વડા પ્રધાન કૌન બનેગા તેનો ચુકાદો રામલીલા મેદાનમાં એકઠા થયેલા નેતાઓ અને લોકો લઈ શકે નહીં. હવા ઊભી કરી શકાય છે પણ દેશભરમાં લોકો - મતદારોએ આખરી ચુકાદો આપવાનો છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી આવી રહી છે તેમાં પણ જનતાનો મિજાજ અને નાડ પારખવા મળશે. પણ આ વિરોધ સભામાં મંચ ઉપર એકસાથે વિપક્ષી નેતાઓ ઊભા રહે તે મહત્ત્વનું છે. આવી `એકતા'નું પ્રદર્શન ઘણી વખત થયું છે પણ ઘણા વખતે દર્શન થયાં છે! હવે ચૂંટણી જાહેર થયા પછી વિપક્ષી એકતા - ઇન્ડિ મોરચો કેવી એકતા બતાવશે તે જોવાનું છે. ભાજપે પણ ``માત્ર મુઠ્ઠીભર'' લોકો હાજર હતા તેવા ખ્યાલમાં રાચવાને બદલે વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ કે સભામાં દસ લાખ લોકો ભલે ન હતા, પણ સંખ્યા મોટી હતી જ. ચૂંટણીમાં મતદાન કરી શકે નહીં, નામ રદ્બાતલ થયા હોય એવા લોકો, અને ભાજપ-એનડીએના હાથે વારંવાર હારેલા નેતાઓ હાજર હતા. ચૂંટણીમાં અવિશ્વાસ હોવાના પ્રચારના પરિણામે લોકોની હાજરી હતી તે સ્વીકારવું જોઈએ. ચૂંટણી પંચે મતદારયાદીની ચકાસણી અને વિરોધ થયા પછી - છૂટાછવાયા સુધારા કર્યા છે પણ નકારાત્મક પ્રયાસો અને પ્રચારને મળતી પ્રસિદ્ધિમાં લાભ રામલીલા મેદાનની સભાને મળ્યો છે.

હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ. મતદારયાદીના સુધારા - મુખ્ય ચૂંટણી કમિશનરની કાર્યવાહી ઉપરાંત ભારતની લોકતાંત્રિક પ્રણાલી-ચૂંટણીમાં લોકોનો વિશ્વાસ અડગ રહે તે સૌથી મહત્ત્વની બાબત છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ