સૂર્યવંશી વૈભવ ભારતીય ક્રિકેટ પરંપરાનો વૈભવી વારસો પુરવાર થયો છે. `એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ' ટુર્નામેન્ટમાં યુએઈ સામે વૈભવે દર્શાવેલી ફાંફડી ફટકાબાજી છે. ફરી એકવાર દેખાડી આપ્યું છે કે ભારતની ધરતી ઉપર સમયાંતરે અસાધારણ પ્રતિભાઓ પાંગરતી રહે છે. ભારતીય ક્રિકેટનો આ ઇતિહાસ ભવ્ય છે, તેમાં પણ 24 નવેમ્બરની વૈભવની ઈનિંગે તો ક્રિકેટના માંધાતાઓને પણ સ્તબ્ધ કરી દીધા છે. 53 દડામાં 28 સિક્સર, 7 ચોગ્ગાથી 204 કર્યા. 28 દડામાં સેન્ચ્યુરી અને બાવન દડામાં બેવડી સદી કરીને વિક્રમ સ્થાપ્યો, લિસ્ટ-એ ક્રિકેટમાં તેણે આ સ્થાન અંકિત કર્યું છે. 384.91ના સ્ટ્રાઈકિંગ રેટથી તે રમ્યો. આ અકલ્પનીય છે છતાં આજે તો વાસ્તવ છે.
વૈભવ સૂર્યવંશીના નામની ચર્ચા સર્વત્ર છે. ગઈકાલે જે થયું તે અલબત્ત મોટો વિક્રમ છે, પરંતુ આ કોઈ આકસ્મિક ઘટના નથી. તેની પોતાની જ કારકિર્દીની સફરમાં આવેલો એક અગત્યનો પડાવ છે. 13 વર્ષની વયે `આઇપીએલ'માં રાજસ્થાન રોયલ્સની ટીમમાંથી રમીને સૌથી યુવા ખેલાડી હોવાનું તેને ગૌરવ મળ્યું હતું. આઇપીએલ 2025માં 35 દડામાં સેન્ચ્યુરી, આઇપીએલ 2026માં 776 રન સાથે `અૉરેન્જ કૅપ' તેના શિર ઉપર મુકાઈ ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે ક્રિકેટનું તેનું મેદાન નાનું નથી. પંદર વર્ષ અને નવ્વાણું દિવસની તેની ઉંમર, ત્યારે ભારતીય સિનિયર ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય ટી-20માં પદાર્પણ કરી `અન્ડર 19' વિશ્વ કપમાં વિજય અને એશિયન ગેમ્સમાં સુવર્ણચંદ્રક, આ વૈભવનો ટ્રેક રેકૉર્ડ છે.
ટુર્નામેન્ટની શરૂઆતમાં બે મૅચમાં વિચલિત દેખાયા બાદ માનસિક જુસ્સો ટકાવીને તેણે ઐતિહાસિક પુનરાગમન કર્યું. બૉલિંગ અને અન્ય દબાવના પડકાર તો તે ઝીલી શકે છે. હવે અગત્યનું એ છે કે ક્રિકેટ દર્શકોની, દેશવાસીઓની અને તેની પોતાની અપેક્ષાઓના `વાદળાં' આ `સૂર્ય'વંશીને ઘેરી ન વળે. ટી-20, લિસ્ટ-એ ક્રિકેટની આક્રમકતાની સાથે ટેસ્ટ ક્રિકેટ માટેનું ધૈર્ય, ટેક્નિક કેળવવાં તેના માટે અગત્યનાં છે. બિહાર કે ભારતનું ક્રિકેટ તો વૈભવ સૂર્યવંશીની પ્રતિભા માટે એક `બાઉન્ડ્રી' છે. તે વૈશ્વિક ક્રિકેટનું ભાવિ છે. ભારતીય ક્રિકેટ `રણજી યુગ', `સુનીલ ગાવસ્કર એરા', `કપિલદેવ કાળખંડ' તરીકે ઓળખાતું આવ્યું છે. સચિન તેંડુલકર કે વિરાટ કોહલી યુગ પછી હવે ભવિષ્યમાં ક્રિકેટ `વૈભવ સૂર્યવંશી યુગ' તરીકે ઓળખાય તેવી તમામ શક્યતાઓ 24 નવેમ્બર પછી બળવત્તર બની છે, વૈભવે સંતુલન અને સાતત્ય જાળવવાના રહેશે.