• શનિવાર, 25 માર્ચ, 2023

અદાણી સામેના આક્ષેપો શંકાસ્પદ

ભારત અને દુનિયામાં કારોબાર સામ્રાજ્ય વિકસાવીને વિશ્વના અમીરોને હંફાવી રહેલું અદાણી જૂથ મહત્ત્વાકાંક્ષી એફપીઓ લાવી રહ્યું છે, એવા સમયે જ અમેરિકાની હિન્ડનબર્ગ રિસર્ચ નામની રોકાણકાર સંશોધન સંસ્થાએ કંપનીને નિશાન બનાવીને કરેલા આક્ષેપોએ શૅરબજારમાં ગભરાટ સર્જ્યો છે. દરમિયાન ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળનાં જૂથે એફપીઓની તારીખમાં કોઈ ફેરફારની સંભાવના નકારીને સંકેત આપ્યો છે કે, એ વિદેશી પરિબળોની નુકસાનકારક પ્રયુક્તિને શરણે થવાના મૂડમાં નથી. ખ્યાતનામ અદાણી જૂથ વિરુદ્ધના આક્ષેપોએ શૅરબજારમાં તરખાટ મચાવ્યો એટલું જ નહીં, અદાણી જૂથની કંપનીઓમાં ધૂમ વેચવાલી નીકળી છે અને બે દિવસમાં રોકાણકારોના આશરે 12 અબજ ડૉલર ધોવાઈ ગયા છે. હિન્ડનબર્ગનું કહેવું છે કે, અદાણી જૂથે બજાર સાથે રમત રમીને શૅરોના ભાવ કૃત્રિમ રીતે વધાર્યા છે, હિસાબમાં ગોટાળા કર્યા છે. આ આક્ષેપોને કંપની દ્વારા નકારી કાઢવામાં આવ્યા છે. કૉંગ્રેસે આ તક ઝડપી લેતાં આક્ષેપોની તપાસ રિઝર્વ બૅન્ક કે સેબી દ્વારા થાય તેવી માંગ કરી છે, પરંતુ કંપની પોતાની સ્થિતિ પર મક્કમ છે. એક નિવેદનમાં કંપનીએ કહ્યું છે કે, તેને નુકસાન પહોંચાડવાના ષડ્યંત્રના ભાગરૂપે `તથ્ય વિહોણો' હેવાલ વહેતો કરવામાં આવ્યો છે. શૅરોમાં ઊથલપાથલને પગલે ગૌતમ અદાણી વિશ્વના ધનકુબેરોની યાદીમાં સાતમા ક્રમે સરકી ગયા છે. વૈશ્વિક સ્તરે ભારત અને ભારતીયોનો વધતો પ્રભાવ ઘણા દેશો-લોકોથી સહન નથી થતો એ સ્વાભાવિક છે. અદાણી પર આરોપ મૂકનાર હિન્ડનબર્ગનું પોતાનું બેકગ્રાઉન્ડ શંકાસ્પદ છે અને તેના અહેવાલનો સમય તેના ઈરાદાઓ છતા કરી દે છે. પોતે રોકાણકારોના હિતમાં મોટી કંપનીઓના નાણાકીય વ્યવહારોની તપાસ કરે છે અને તેમની ગેરરીતિઓ બહાર લાવે છે એવો તેનો દાવો છે, પરંતુ હિન્ડનબર્ગ કેવળ સેવાભાવી સંસ્થા નથી. તે શૅરબજારમાં સક્રિય છે. તેણે કબૂલ કર્યું છે કે, અમે (હિન્ડનબર્ગે) અદાણી જૂથની કંપનીઓમાં વેચાણ કરીને મંદીનો ધંધો કર્યો છે. અદાણી જૂથનો મોટો પબ્લિક ઇસ્યૂ ખૂલવાનો હતો તેની આગલી રાત્રે હિન્ડનબર્ગે પોતાનો અહેવાલ બહાર પાડયો, જેથી તેને વધુમાં વધુ નુકસાન પહોંચાડી શકાય. હિન્ડનબર્ગનો અહેવાલ પ્રગટ થયા પછી પણ અદાણી જૂથના પબ્લિક ઈસ્યૂને એન્કર ઇન્વેસ્ટરોનો ઉત્સાહભર્યો પ્રતિભાવ મળ્યો તે સૂચક છે. બૅન્કિંગ શૅરોની વેચવાલીના સંદર્ભમાં સીએલએસએએ કહ્યું છે કે, ભારતીય બૅન્કોએ ખાસ ગભરાવા જેવું નથી. ભારતનો ઉદય ઘણી વિદેશી સરકારો, સંસ્થાઓ અને હસ્તીઓને ખટકે છે. આ આક્ષેપો કોઈ મોટી ઝુંબેશનો ભાગ હોઈ શકે. અદાણી જૂથના કરજ વિશે અગાઉ પણ કહેવાયું છે. વિકાસશીલ કંપની પર કરજ તો હોવાનું, પણ તેની પાસે પૂરતી રોકડ આવક અને અસ્ક્યામતો હોય તો લેણદારોએ ચિંતા કરવા જેવું શું છે? અદાણી જૂથે હિન્ડનબર્ગના આક્ષેપોને જૂના, પાયાવિહોણા અને બદઈરાદભર્યાં ગણાવ્યાં છે અને અદાલતમાં જવાનો નિર્દેશ આપ્યો છે. આમાંથી ઘણી બાબતોના ખુલાસા તે અગાઉ આપી ચૂક્યું છે. આ લખાય છે ત્યારે હિન્ડનબર્ગ પર ન્યાયિક લડાઈની તૈયારી દર્શાવી છે. આ ઘટનાક્રમ સામાન્ય રોકાણકારોને બેચેન બનાવનારો છે. બજારના નિષ્ણાતો માને છે કે, હિન્ડનબર્ગના આક્ષેપો સાચા નથી જણાતા. આ મામલો આગામી દિવસોમાં કેવોક રંગ પકડે છે એ જોવાનું રહેશે. એજન્સી જો ખોટી જ હોય તો તેને અદાણી સમૂહે પાઠ ભણાવવો રહ્યો.