આમ તો આ હજી પ્રસ્તાવ છે, પણ અમલમાં મુકાય તો ટ્રાફિક અને હવાની નબળી ગુણવત્તાથી પીડાતા મુંબઈ જેવા શહેર માટે કન્જેશન ટૅક્સ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. વસ્તીની ગીચતા અને ઉચ્ચ ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં પીક અવર્સ દરમિયાન વાહનના પ્રવેશ પર વસૂલાતો વિશેષ કર એટલે કન્જેશન ટૅક્સ. કોલાબા વિસ્તારમાંથી ચૂંટાયેલા ભાજપના નગરસેવક મકરંદ નાર્વેકરે મુંબઈ મહાનગર પાલિકના કમિશનર ભૂષણ ગગરાણીને લખેલા પત્રમાં પાલિકાના આગામી બજેટમાં આ કર લાદવાનું સૂચન કર્યું છે. દક્ષિણ મુંબઈ જેવા સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ જેવા વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે આ કર વસૂલવાથી શરૂઆત કરી શકાય, એવું સૂચન પણ તેમણે કર્યું છે. કન્જેશન ટૅક્સ વાહનોનો બિનજરૂરી અને વધુ પડતો ઉપયોગ ઘટાડવામાં તથા લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા સાથે ટ્રાફિક અને વાયુ પ્રદૂષણ બંને ઘટાડવામાં મદદરૂપ થશે. સવારે આઠ વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન અને સાંજે પાંચથી આઠ વાગ્યાની વચ્ચે ઉચ્ચ-ટ્રાફિક ઝોનમાં પ્રવેશતાં વાહનો પર દરેક એન્ટ્રી દીઠ 50થી 100 રૂપિયાનો કન્જેશન ટૅક્સ લાગુ કરવાનું સૂચન કરાયું છે. મુંબઈ જેવા શહેરમાં વાહનોની વધતી સંખ્યા અને ટ્રાફિક જામમાં વેડફાતા માનવ કલાકો જોતાં આ ટૅક્સ સમયની માગ છે.
લંડન, સિંગાપોર
અને સ્ટોકહોમ જેવાં શહેરોમાં કન્જેશન ટૅક્સ અસ્તિત્વમાં છે, ભારતમાં પણ કર્ણાટક સરકારે
બેંગ્લુરુના ગીચ વિસ્તારમાં પીક અવર્સ દરમિયાન વાહનોના પ્રવેશ પર આવો ટૅક્સ નાખવાનો
પ્રસ્તાવ મૂક્યો હતો. ચોક્કસ વિસ્તારમાં દિવસના ચોક્કસ સમયગાળા દરમિયાન પ્રવેશતાં વાહનોનાં
ફાસ્ટૅગમાંથી આ કરની રકમ કપાઈ જાય અને એએનપીઆર એટલે સીસીટીવી કૅમેરાની મદદથી વાહનની
નંબર પ્લૅટ ઓળખી કાઢવામાં આવે એવી સિસ્ટમ આના માટે ઉપયોગમાં લેવાનું પણ સૂચન છે. પચાસેક
વર્ષથી સિંગાપોરમાં આ ટૅક્સ અમલમાં છે, તો અન્ય કેટલાક દેશોમાં આ ટૅક્સ વર્ષોથી પ્રસ્તાવિત
છે, પણ અમલમાં મુકાયો નથી. નવી દિલ્હીમાં નંબર પ્લૅટ પરની એકી-બેકી સંખ્યાના આધારે
વાહનોને રસ્તા પર ઉતારવાનો પ્રયોગ કરાયો હતો. 2023ના એક અહેવાલ અનુસાર, મુંબઈમાં કિલોમીટર
દીઠ 2300 વાહનો છે, જે દેશનાં મહાનગરોમાં વાહનોની ગીચતામાં સર્વોચ્ચ છે. 2019માં આ
આંકડો કિ.મી. દીઠ 1840 અને એ પહેલાં 2014માં કિ.મી. દીઠ 1150 વાહનોનો હતો. વળી, એકલા
2025માં મુંબઈ આરટીઓમાં 3.02 લાખ નવાં વાહનો નોંધાયાં છે. આ પરિસ્થિતિ જોતાં મુંબઈને
ખાસ કરીને દક્ષિણ મુંબઈમાં ટ્રાફિક જામ અને વાયુ પ્રદૂષણ ઘટાડવાની દિશામાં આવું કોઈ
પગલું લેવું અનિવાર્ય બની રહેશે.