• શનિવાર, 25 માર્ચ, 2023

બેબાકળા વિપક્ષો  

કેન્દ્રીય બજેટને વિપક્ષ નેતાઓએ ચૂંટણીલક્ષી બજેટ ગણાવ્યું છે. તો કેટલાંક રાજ્યોના નેતાઓને પોતાના રાજ્યને કશું નથી મળ્યું એવી કાગારોળ મચાવી છે. કેટલાક નેતાઓ કહે છે કે બજેટમાં જનકલ્યાણકારી કોઈ યોજના નથી, જ્યારે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુખ અબદુલ્લાએ બજેટમાં મધ્યમ વર્ગને મદદ કરવામાં આવી છે, બધાને કંઈને કંઈ આપવામાં આવ્યું છે એવા પ્રતિભાવ વ્યક્ત કર્યા છે. 

વાસ્તવમાં બજેટનાં છ-સાત વિશેષ પાસાં છે અને ટૂંકમાં કહીએ તો આ રિસ્પોન્સિવ (પ્રતિભાવશીલ) અને રિસ્પોન્સિબલ (જવાબદાર) બજેટ છે. રિસ્પોન્સિવ અર્થાત્ પ્રતિભાવશીલ એ માટે છે કે અગાઉ એવું કોઈ બજેટ રજૂ નથી થયું, જેમાં સમાજના બધા વર્ગોને કંઈને કંઈ લાભ થયો હોય. બજેટ વ્યાપક રૂપથી બધા વર્ગો માટે આટલું સકારાત્મક હશે એવું અનુમાન કોઈને નહોતું.

બજેટ કેન્દ્રનું છે, નહીં કે રાજ્યોનું. એટલે બીજાં રાજ્યો લઈ ગયા અને અમે રહી ગયા એવી ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી. આમ પણ એ કંઈ આવશ્યક ન હતું કે રાજ્યોને ફરી 1.3 લાખ કરોડ રૂપિયા 50 વર્ષ માટે વિનાવ્યાજે લોનરૂપે આપવામાં આવે. રાજ્યો પાસે ઘણી બધી એવી વિત્ત ક્ષમતા છે, જેનો ઉપયોગ હજુ સુધી કરવામાં આવ્યો નથી. કારણ કે તેઓએ પહેલા જે મેળવ્યું છે   તેનો જ પૂર્ણપણે ઉપયોગ નથી કર્યો. આમ છતાં અત્યારે રાજ્યોને જે વધારાની રકમ મળી રહી છે તેનો તેઓએ સંપૂર્ણપણે જનહિતમાં ઉપયોગ કરવાની યોજના બનાવવી જોઈએ.

આગામી ચૂંટણીઓ જોતાં સરકાર પાસે એ તક જરૂર હતી કે તે કેટલીક મફત યોજનાઓની ઘોષણા કરે, પરંતુ સરકારે રેવડી વહેંચવાથી દૂર રહેતા એક વિકાસોન્મુખી જવાબદાર બજેટ રજૂ કર્યું. આને લઈ બજેટની ટીકા કરવાને કોઈ અવકાશ નથી, પણ સરકારનો વિરોધ કરવા ખાતર કરવાની પોતાની પરંપરા વિપક્ષોએ બજેટની ટીકા કરી `જાળવી' રાખી છે. જોકે, તેઓની ટીકાઓની કોઈ અસર લોકો પર થાય એવી શક્યતા નથી.

આ વર્ષે નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. બજેટમાં ફરીથી એ વિશ્વાસ દેખાયો છે કે વિકાસની રાજનીતિ સ્થાયી પણ હોઈ શકે છે અને ચૂંટણી સફળતાનો આધાર પણ. ભાજપે આગોતરા જ બજેટના લાભ પહોંચાડવાની વ્યૂહરચના નક્કી કરી લીધી છે, જે અંતર્ગત અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં  આની વ્યાખ્યા કરવામાં આવશે અને પછી આખું તંત્ર એ કવાયતમાં જોડાઈ જશે. જેથી સરકારી યોજનાઓને લાભ જરૂરિયાતમંદો સુધી પહોંચે.

અહીં એની નોંધ લેવી ઘટે કે નાણાપ્રધાનના બજેટ ભાષણ વેળા જ્યારે રાહુલ ગાંધીએ ગૃહમાં પ્રવેશ કર્યો તો કેટલાક સાથી સાંસદોએ ભારત જોડોના સૂત્ર પોકાર્યા, પરંતુ તે તત્કાળ શાંત પણ થઈ ગયા હતા. બહાર વિપક્ષ બજેટ માટે ગમે તેટલી ટિપ્પણ કરે, પરંતુ સંસદની અંદર લગભગ નાણાપ્રધાનના 70 મિનિટ દરમિયાન એવું કોઈ વક્તવ્ય ન આવ્યું કે વિપક્ષ કોઈ વિરોધ કરે. વાસ્તવમાં બજેટ માટે વિપક્ષ માટે બોલવા જેવું કશું નથી. બજેટથી આગામી ચૂંટણીમાં સફળતાની ભાજપે પાર્શ્વભૂમિકા તૈયાર કરી લીધી છે. વિપક્ષ સંગઠિત નથી એ હકીકત છે અને બજેટે વિરોધ કરવાનું કોઈ કારણ નહીં આપતાં વિપક્ષો બેબાકળા બન્યા લાગે છે.