• રવિવાર, 05 મે, 2024

એલએસી મુદ્દે ભારત અને ચીન વચ્ચે થઈ 29મી બેઠક

બીજિંગ, તા. 28 : ભારત-ચીનના સરહદી મામલે પરામર્શ અને સમન્વય માટે કાર્યતંત્રની 29મી બેઠક મળી હતી. બેઠકમાં બન્ને પક્ષોએ એલએસીથી પૂરી રીતે સૈનિકો હટાવવા અને બાકી મુદ્દાનો ઉકેલ  કરવા ઉપર વિચાર વિમર્શ કર્યો હતો. વિદેશ મંત્રાલયે ગુરૂવારે એક નિવેદનમાં જાણકારી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે મહત્ત્વપૂર્ણ બેઠક 27 માર્ચના રોજ બીજિંગમાં થઈ હતી. મંત્રાલયે નિવેદનમાં કહ્યું હતું કે બન્ને પક્ષોએ ઉંડો વિચાર વિમર્શ કર્યો હતો કે ભારત-ચીન સરહદી ક્ષેત્રના પશ્ચિમી સેક્ટરમાં એલએસીથી પુરી રીતે સૈનિકોની વાપસી કેવી રીતે કરવામાં આવે. તેમજ બાકી રહેલા મુદ્દાનો પણ ઉકેલ કેવી રીતે થાય. વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (પૂર્વ એશિયા) ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. બેઠકમાં બન્ને પક્ષ રાજદ્વારી અને સૈન્ય માધ્યમથી નિયમિત સંપર્કમાં રહેવા અને વર્તમાન દ્વીપક્ષિય સમજૂતિ અને પ્રોટોકોલ અનુસાર સીમાવર્તી ક્ષેત્રોમાં શાંતિ જાળવી રાખવાની આવશ્યકતા ઉપર સહમત થયા હતા.