• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

આજથી ખૂલતો એનએસઈનો આઇપીઓ

લાંબા ગાળાના રોકાણકારો માટે ઉત્તમ તક

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : ભારતીય મૂડીબજારમાં બહુપ્રતિક્ષિત નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નો પબ્લિક ઇશ્યૂ 17 સપ્ટેમ્બરે ખૂલી 22 સપ્ટેમ્બરે બંધ થશે. રૂ. 1ની ફેસ વેલ્યુના 12.63 કરોડ શેર્સ માટે રૂ. 1,700થી રૂ. 1,785ની પ્રાઇસ બેન્ડ નક્કી કરાઈ છે. રૂ. 22,000 કરોડથી વધુના આ ઘજિ આઈપીઓ માટે 19 મર્ચન્ટ બેન્કર્સ નિમાયા છે અને રિટેલ લોટ સાઇઝ 8 શેર્સની છે. અપર બેન્ડે એક્સચેન્જનું માર્કેટ કેપ રૂ. 4.42 લાખ કરોડ આંકવામાં આવ્યું છે, જે લિસ્ટિગ પર 10 ટકાના ઉછાળે પણ દેશની ટોપ-10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાં સામેલ થશે. નિષ્ણાતોના મતે આ આઈપીઓ લિસ્ટિગ સમયે રોકડી કરવાને બદલે લાંબા ગાળે આકર્ષક વળતર મેળવવાની શ્રેષ્ઠ તક સાબિત થશે.

એનએસઈનો નફાનો માર્જિન 55.1 ટકા

એનએસઈએ નાણાં વર્ષ 2026માં 55.1 ટકા વેરા પછીના નફાના માર્જિન સાથે સીએમઈ ગ્રૂપ અને એચકેઈએક્સ પછી વૈશ્વિક સ્તરે ત્રીજું સ્થાન મેળવ્યું છે (બીએસઈ 48.3 ટકા), જ્યારે લેટેસ્ટ ક્વાર્ટરમાં માર્જિન 59 ટકા રહ્યું હતું. પશ્ચિમી સમકક્ષોની સરખામણીએ એનએસઈ અડધાથી વધુ આવકને નફામાં ફેરવે છે. નાણાં વર્ષ 2022થી નાણાં વર્ષ 2026 દરમિયાન આવકમાં 20.5 ટકા સીએજીઆર નોંધાયો છે. એક્સચેન્જે દેવામુક્ત બેલેન્સશીટ અને રૂ. 68,198 કરોડના ટ્રેઝરી રોકાણ સાથે 33 ટકા આરઓઈ હાંસલ કર્યો છે. શેરદીઠ ડિવિડન્ડ નાણાં વર્ષ 2024ના રૂ. 18થી વધીને નાણાં વર્ષ 2026માં રૂ. 35 નોંધાવ્યું છે અને પેઆઉટ રેશિયો 54 ટકાથી વધીને 84 ટકા થયો છે.