• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

અફઘાન ટીમના ક્લીન સ્વીપ માટે ઊતરશે ભારત

આજે અફઘાનિસ્તાન સામે ત્રીજી અને અંતિમ ટી-20 : સૂર્યવંશીનું રમવું સંભવ

નવી દિલ્હી, તા. 16 : અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી ત્રણ મેચની ટી20 શ્રેણીના પહેલા બે મેચમાં બઢત બનાવી ચૂકેલી ટીમ ઇન્ડિયા ફરી એક વખત દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં વિરોધી ટીમનો સફાયો કરવાના ઈરાદે મેદાને પડશે. પહેલા બે મેચમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રહેલા ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને તક મળે તેવી સંભાવના છે. ભારતીય ટીમે પહેલા બે મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું છે અને હવે ત્રીજો મેચ જીતીને વ્હાઇટ વોશની તૈયારી કરવામાં આવી છે. 

ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું હતું કે, ફિરોઝશાહ કોટલામાં થનારા ત્રીજા અને અંતિમ મેચમાં ટીમ કોમ્બિનેશનમાં બદલાવ થઈ શકે છે. જેથી તમામ ખેલાડીઓને 19મી સપ્ટેમ્બરથી શરૂ થનારી એશિયન ગેમ્સ માટે જાપાન રવાના થતા પહેલા જરૂરી મેચ અભ્યાસની તક મળી શકે. અત્યારસુધીની પસંદગીથી એક વાત સ્પષ્ટ થઈ છે કે સૂર્યવંશીને ટીમમાં સમાવવા વિશેષ પ્રયાસ માટેની તૈયારી નથી. વર્તમાન સમયે અભિષેક અને સંજુ સારા ફોર્મમાં છે. તેવામાં ટીમ મેનેજમેન્ટે બદલાવનો નિર્ણય કરવો પડશે. બીજી તરફ અફઘાનિસ્તાને પાવરપ્લેમાં ભારતના અનુભવી ફાસ્ટ બોલરોનો સામનો કરવાની રીત શોધવી પડશે. બેટિંગમાં અફઘાનિસ્તાનનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. અફઘાનિસ્તાને ભારતને પડકાર ફેંકવા 200 રન કરવા પડશે.