બીજી તરફ તહેવારો ટાણે વેપારી સંગઠનોમાં ભારે આક્રોશ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : દેશમાં
રૂ. 2,000થી વધુ મૂલ્યના પર્સન-ટુ-મર્ચન્ટ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) વ્યવહારો
પર 15 ઓક્ટોબર 2026થી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) લાગુ કરવાના પ્રસ્તાવને રિઝર્વ
બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ સત્તાવાર સમર્થન આપ્યું છે. જોકે, તહેવારોની મોસમ પૂર્વે
લેવાયેલા આ નિર્ણય સામે રિટેલ અને વેપારી સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
આરબીઆઈએ સોશિયલ મીડિયા
'ડ' પર જણાવ્યું હતું કે, રૂ. 2,000થી વધુના મોટા મૂલ્યના યુપીઆઈ વ્યવહારો પર એમડીઆર
દાખલ કરવો એ ભારતની ડિજિટલ પેમેન્ટ્સ ઇકોસિસ્ટમની દીર્ઘકાલીન સ્થિરતાને મજબૂત કરવા
તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. તે યુપીઆઈને વિસ્તરણ, નવીનતા અને દેશભરના ગ્રાહકો તથા
વ્યવસાયોને સેવા આપવાનું ચાલુ રાખવામાં મદદ કરશે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે ઇકોસિસ્ટમના
સહભાગીઓ વચ્ચે એમડીઆરની વાજબી વહેંચણીથી ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્વીકૃતિ
નેટવર્કમાં રોકાણ વધશે. આ માળખા હેઠળ વ્યક્તિ-થી-વ્યક્તિ (પીટુપી) અને રૂ. 2,000 સુધીના
નાના મર્ચન્ટ વ્યવહારો સંપૂર્ણપણે મફત રહેશે તેમજ યુપીઆઈ હંમેશાં સુરક્ષિત, અવિરત,
સસ્તું અને સુલભ બની રહેશે.
તહેવાર ટાણે જ પડકારો:
સીએમએઆઈ
ક્લાથિંગ મેન્યુફેક્ચરર્સ
એસોસિએશન ઓફ ઇન્ડિયા (સીએમએઆઈ)ના પ્રમુખ સંતોષ કટારિયાએ ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું
કે, તહેવારોની મોસમની શરૂઆતમાં જ યુપીઆઈ પર એમડીઆર લાગુ કરવો એ ઉદ્યોગ માટે વધુ પડકારજનક
છે. આ સમયગાળો વેપારીઓ, રિટેલર્સ અને કન્ઝ્યુમર બિઝનેસિસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે,
જેમાંથી ઘણા પહેલેથી જ માગ વધારવા અને માર્જિન સુધારવા સખત મહેનત કરી રહ્યા છે.
આ તબક્કે ડિજિટલ વ્યવહારો
પર વધુ એક ખર્ચ ઉમેરવાથી હજુ માંડ સ્થિર થઈ રહેલી ઇકોસિસ્ટમ પર વધુ દબાણ સર્જાવાનું
જોખમ છે. યુપીઆઈ વપરાશ અને ઔપચારિકીકરણનું એક શક્તિશાળી માધ્યમ રહ્યું છે અને સ્વીકૃતિ
ખર્ચ વધારતા કોઈપણ પગલાનું, ખાસ કરીને વર્ષના સૌથી મહત્વપૂર્ણ વેચાણ સમયગાળા દરમિયાન,
ખૂબ જ કાળજીપૂર્વક મૂલ્યાંકન થવું જરૂરી છે.
મોંઘવારીમાં લોટ ઢીલો:
કૈટ
અખિલ ભારતીય ખાદ્ય તેલ
વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કૈટના રાષ્ટ્રીય મંત્રી શંકર ઠક્કરે આકરા પ્રહારો
કરતાં કહ્યું કે, યુપીઆઈ પર ચાર્જ એટલે મોંઘવારીમાં લોટ ઢીલો આખરે ખિસ્સું તો જનતાનું જ ઢીલું થશે. તેમણે ઉમેર્યું
કે, રૂ. 2,000થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆરનો પ્રસ્તાવ વેપારીઓ અને ગ્રાહકો બંને
માટે નુકસાનકારક છે. નબળા ચોમાસા અને ખાડી યુદ્ધના કારણે મોંઘવારી યથાવત્ છે ત્યારે
1-2 ટકાના માર્જિન પર કામ કરતા વેપારીઓ આ ખર્ચ સહન નહીં કરી શકે અને અંતે તે ગ્રાહકો
પર જ નાખવામાં આવશે.
ઠક્કરે જણાવ્યું કે ભલે
રૂ. 2,000થી વધુના ટ્રાન્ઝેક્શન સંખ્યામાં માત્ર ચાર ટકા હોય, પરંતુ મૂલ્યની દ્રષ્ટિએ
તેનો હિસ્સો આશરે 65 ટકા છે. આનાથી કાપડ, ઇલેક્ટ્રોનિક્સ, જ્વેલરી અને કરિયાણા હોલસેલ
જેવા ક્ષેત્રો પ્રભાવિત થશે અને વેપારીઓમાં `રૂ. 2,000થી ઉપર યુપીઆઈ નહીં, રોકડ આપો'
જેવી સ્થિતિ ઊભી થશે. તેમણે નાના વેપારીઓ માટે માસિક રૂા. એક લાખની શૂન્ય-એમડીઆર મર્યાદાને
અપૂરતી ગણાવી વર્ષ 2020ની જેમ યુપીઆઈ અને રૂપે ડેબિટ કાર્ડને સંપૂર્ણપણે એમડીઆર મુક્ત
રાખવા તથા બેંકોના ખર્ચ પેટે સરકારે સીધું ઇન્સેન્ટિવ આપવાની માંગ કરી છે.
દેશ ફરી કેશ ઇકોનોમી
તરફ ધકેલાવાનું જોખમ: આરએઆઈ
રિટેલર્સ એસોસિએશન ઓફ
ઇન્ડિયા (આરએઆઈ)એ રૂ. 2,000થી વધુ મૂલ્યના P2M યુપીઆઈ વ્યવહારો પર 0.4 ટકા એમડીઆર
(રૂ. 75,000 કે તેથી વધુના ટ્રાન્ઝેક્શન પર મહત્તમ રૂ. 300 કેપ) લાદવાના નિર્ણય સામે
ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સંગઠને ચેતવણી આપી છે કે તહેવારોની મોસમ શરૂ થતાં જ લેવાયેલા
આ પગલાથી નાના વેપારીઓમાં ડિજિટલ પેમેન્ટ અપનાવવાના વર્ષોના પ્રયાસો પર પાણી ફરી વળશે
અને દેશ ફરી રોકડ વ્યવહારો (કેશ ઇકોનોમી) તરફ વળે તેવું જોખમ ઊભું થશે.
આરએઆઈના સીઈઓ કુમાર રાજગોપાલને
જણાવ્યું હતું કે, ઓછા માર્જિન પર કામ કરતા નાના વેપારીઓ હવે યુપીઆઈ સ્વીકારવું કે
રોકડ લેવી તે અંગે બે વાર વિચારશે. તહેવારોમાં મોટાભાગના વ્યવહારો રૂ. 2,000થી ઉપરના
હોય છે, જેથી ડિજિટલ પેમેન્ટ પર ફી લાદતાં રોકડ વ્યવહારો સૌથી સરળ માર્ગ બની જશે. તેમણે
ઉમેર્યું કે આ પગલું સરકારના ફોર્મલાઇઝેશન એજન્ડાથી વિપરીત છે, યુપીઆઈ સ્વીકૃતિ પર
ચાર્જ લગાવવાને બદલે પ્રોત્સાહન આપવું જોઈએ, કારણ કે ટ્રાન્ઝેક્શન રોકડમાં ફેરવાતા
જીએસટી નેટવર્ક બહાર જતા રહેશે.
રાજગોપાલને દલીલ કરી
હતી કે મોટાભાગના યુપીઆઈ પેમેન્ટ બચત કે ચાલુ ખાતા સાથે જોડાયેલા ડેબિટ વ્યવહારો જેવા
છે, જેના પર ક્રેડિટ પ્રોડક્ટ જેવો ચાર્જ વસૂલવો અયોગ્ય છે. સરકારે કે આરબીઆઈએ તેનો
સંચાલન ખર્ચ ભોગવવો જોઈએ. આરએઆઈ આ મામલે નાણા મંત્રાલય અને એનપીસીઆઈ સમક્ષ રજૂઆત કરી
ડેબિટ અને ક્રેડિટ-લિંક્ડ યુપીઆઈ વ્યવહારોનું અલગ વર્ગીકરણ કરવાની માંગ કરશે.