• બુધવાર, 01 મે, 2024

ચૂંટણી અને નગદ નારાયણ  

ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીના ઇતિહાસની સૌથી મોટી જપ્તી કરવામાં સફળતા મેળવી છે. તેની દેખરેખ હેઠળ રૂા. 4650 કરોડની જપ્તી કરાઈ છે. જેમાં રૂા. 2069 કરોડના ડ્રગ્સનો પણ સમાવેશ થાય છે. 2019ની લોકસભા ચૂંટણીમાં જપ્ત થયેલા કુલ રૂા. 3475 કરોડ કરતાં વર્ષે અત્યારસુધીમાં ધરખમ વધારો થયો છે અને હજી તો શરૂઆત છે. જપ્તીમાં રૂા. 395 કરોડની રોકડ અને રૂા. 489 કરોડની શરાબ સામેલ છે. ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી પહેલાં નેતાઓનાં વાહનોની તપાસ શરૂ કરી છે. તેમ તપાસમાં બેદરકારી દાખવતા અધિકારીઓને બરતરફ પણ કરાયા છે. પંચે 106 સરકારી કર્મચારીઓ સામે નેતાઓનો ચૂંટણી પ્રચાર કરવા બદલ કડક પગલાં લીધાં છે.

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆતથી પણ પહેલાં ચૂંટણી પંચ દ્વારા વીતેલાં લગભગ ત્રણ પખવાડિયાંમાં સાડા ચાર કરોડ રૂપિયાથી પણ વધુ જપ્તી કરવી દાખવે છે કે ભારતની  ચૂંટણીઓ હજી ધનબળની સમસ્યાથી મુક્ત નથી થઈ, પરંતુ વધી રહી છે. જપ્તીને લઈ એમ અવશ્ય કહી શકાય કે ચૂંટણીની ઘોષણાઓ પછી આદર્શ આચારસંહિતા લાગુ થવાની સાથે સરકારની એજન્સીઓ રોકડ, આભૂષણ, શરાબ અને સંદિગ્ધ વસ્તુઓની હેરાફેરી રોકવા માટે હાઈ ઍલર્ટ પર છે. આમ છતાં 2019ની લોકસભા ચૂંટણીઓ દરમિયાન જેટલી જપ્તી થઈ છે, તેનાથી લગભગ 800 કરોડ રૂપિયાથી વધુની જપ્તી તો છેલ્લા 45 દિવસમાં થઈ છે, નિશ્ચિત ચિંતાનો વિષય છે.

મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમારની શંકા સાચી સાબિત થાય છે, તેમણે ચૂંટણીઓની ઘોષણા કરતી વેળા ચાર મુખ્ય પડકારોનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં બાહુબળ, અફવા, આચારસંહિતાનું ઉલ્લંઘન સહિત નાણાશક્તિ પણ સામેલ હતી. ચૂંટણી પંચના નિયમ એકદમ સ્પષ્ટ છે કે કોઈપણ વ્યક્તિ 50 હજાર રૂપિયાથી વધુ રોકડ કે દસ હજાર રૂપિયાથી અધિક મૂલ્યની નવી વસ્તુઓ સાથે પકડાય છે તો તે જપ્ત કરી લેવામાં આવશે, સિવાય કે તે કાયદેસર દસ્તાવેજો દ્વારા સિદ્ધ કરે કે વસ્તુઓ ચૂંટણીથી સંબંધિત નથી. કેટલાંક રાજ્યોને બાદ કરતાં બાહુબળ પર તો અંકુશ છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતે રોકડ, ગિફ્ટો અને કૅફી પદાર્થ જપ્ત કરવામાં આવ્યાં છે તેનાથી કોઈ રાજ્ય બાકાત નથી. નાણાશક્તિથી જીતેલા ઉમેદવાર ચૂંટણી ખર્ચ વસૂલ કરશે અને અહીંથી ભ્રષ્ટાચારની શરૂઆત થશે.

કુલ જપ્તીમાં 45 ટકાથી વધુ કૅફી પદાર્થો હોવા પણ ભારે ચિંતાજનક છે. આમ છતાં 1.8 કરોડ નવા યુવાન મતદારોને આનાથી કોઈ સંદેશ મળશે? તામિલનાડુ, તેલંગણા અને મહારાષ્ટ્ર જેવાં રાજ્ય રોકડ જપ્તીના પ્રકરણમાં ટોચ પર છે, જે દક્ષિણ માટે નવું નથી. આવાં પ્રકરણોમાં દોષી વ્યક્તિઓ પર આકરી કાર્યવાહી તો થવી જોઈએ, આમ છતાં સૌથી મહત્ત્વનો સવાલ છે કે બધા પક્ષો પોતાના રાજકીય સ્વાર્થોને બાજુએ રાખી ચૂંટણી સુધારાની દિશામાં ગંભીરતાથી આગળ વધશે?