• શનિવાર, 27 એપ્રિલ, 2024

અભય યોજના લંબાવવાથી જૂની ઈમારતોના રિડેવલપમેન્ટની અડચણો દૂર થશે  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : મહારાષ્ટ્ર રાજ્ય સરકારનાં ઘણાં વર્ષોથી વિલંબિત સ્ટૅમ્પ ડયૂટી વિવાદનો અંત લાવવા મુદ્રાંક શુલ્ક અભય યોજનાને ત્રીજી વખત વિસ્તારવાનો નિર્ણય લેવાયો છે. અભય યોજનાના બીજા ચરણનો 30મી જૂન સુધી લાભ લઈ શકાશે. યોજનાનો સૌથી વધુ લાભ મુંબઈની હજારો જૂની ઈમારતોને થશે જેમણે હજી સુધી જમીન પોતાના નામે નથી કરાવી. મહારાષ્ટ્ર સોસાયટી વેલ્ફેર એસોસિયેશન અનુસાર, મુંબઈમાં લગભગ 35 હજાર રજિસ્ટર સોસાયટી છે જેમાંથી 15 હજાર સોસાયટીએ ડિમ્ડ કન્વેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી જમીન સોસાયટીના નામે કરાવી લીધી છે. જ્યારે વીસ હજાર જેટલી સોસાયટીના નામે જમીન નથી. ડિમ્ડ કન્વેન્શ હોવાના કારણે સ્ટેમ્પ ડયૂટી અને દંડની રકમ વધી જાય છે. બિલ્ડરના નામથી સોસાયટીના નામે જમીન ટ્રાન્સફર કરાવવા સોસાયટીએ સ્ટેમ્પ ડયૂટી જમા કરાવવી પડે છે. 

સ્ટેમ્પ ડયૂટીના વર્ષો જૂના વિવાદને ખતમ કરવા સરકાર વર્ષ 1980થી 2000 અને વર્ષ 2001થી 2020 સુધી સ્ટેમ્પ ડયૂટી અને દંડમાં છૂટ આપી છે. અભય યોજનાના બીજા ચરણમાં વર્ષ 1980થી 2000 સુધીની સોસાયટીને એક લાખ રૂપિયા સ્ટેમ્પ ડયૂટી પર એંસી ટકાની છૂટ અને દંડની રકમ માફ કરવામાં આવી છે. 

એક લાખ રૂપિયા કરતાં વધુની સ્ટેમ્પ ડયૂટીમાં 40 ટકાની છૂટ અને દંડની રકમમાં 70 ટકાની છૂટ આપવામાં આવી છે. વર્ષ 2001થી 2020 સુધીની પ્રોપર્ટીમાં 20થી 25 ટકાની છૂટ આપવામાં આવી રહી છે. યોજનાના પ્રથમ ચરણની છેલ્લી તારીખ 31મી જાન્યુઆરીએ પૂરી થઈ ગઈ છે. બીજા ચરણની છેલ્લી તારીખ 31મી માર્ચ હતી એને લંબાવીને 30મી જૂન કરવામાં આવી છે. 

નારેડકો મહારાષ્ટ્રના વરિષ્ઠ ઉપાધ્યક્ષ મંજુ યાજ્ઞિકે સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે. મંજુના જણાવ્યા અનુસાર તારીખ લંબાવવામાં આવતા જૂની સોસાયટીઓ એનો લાભ લઈ જમીન સોસાયટીના નામે કરાવી શકશે. એનાથી રિડેવલપમેન્ટમાં આવી રહેલી અડચણો દૂર થશે અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી આવશે.