• બુધવાર, 08 મે, 2024

રાયબરેલી-અમેઠીમાં આખરે - ભાઈ-બહેન?

રાહુલ ગાંધી અને પ્રિયંકા વડરા ગાંધી હવે અમેઠી અને રાયબરેલીની બેઠક ઉપર ઉમેદવારી કરશે - બાબત શંકા નથી. બંને બેઠકો ખાલી રાખવામાં આવી ત્યારથી અટકળો અને ચર્ચા હતી હવે કેરળમાં વાયનાડ બેઠકનું મતદાન પૂરું થયા પછી અમેઠીની જાહેરાત થવી જોઈએ. બંને બેઠકો પહેલેથી નિશ્ચિત અને ગાંધી પરિવાર માટે અનામત રાખવામાં આવી હતી. વાયનાડમાં મતદાન થયા પહેલાં અમેઠીની જાહેરાત થઈ જાય તો તેની અવળી અસર વાયનાડમાં પડે. પરિણામ આવ્યાં પછી - અર્થાત અમેઠી બેઠક જીતે તો વાયનાડને છોડી દેવાશે એવી હવા જામે અને મતદાન ઉપર અસર પડે તો બાવાના બંને બગડે! આથી અમેઠી અંગે મૌન સેવીને બનેવી રોબર્ટ વડરાનું નામ ચગાવાયું. એક બાજુ ભાજપ અને સ્મૃતિ ઇરાનીને લાગે કે રાહુલ નહીં આવે અને બીજી બાજુ અમેઠીમાં રાહુલના પ્રોક્સી તરીકે રોબર્ટ વડરા કૉંગ્રેસનું અને રાહુલનું નામ અનામત-જાળવી રાખે. બાકી અમેઠીમાં રોબર્ટ વડરાના કોઈ ચાન્સ નથી. જનતાને ગાંધી પરિવારનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે આગળ કરવામાં આવ્યા.

રાયબરેલીની બેઠક માટે પ્રિયંકા વડરા ગાંધી સિવાય કોઈ નથી. સોનિયાજીના પ્રચારમાં પણ પ્રિયંકા હતાં હવે માતાજી રાજ્યસભામાં છે તેથી પ્રિયંકા વારસદાર બને, બનશે તેવી ધારણા હતી અને હવે તે મુજબ થઈ રહ્યું છે. ભાજપના ઉમેદવાર તરીકે વરુણ ગાંધીનું નામ ચર્ચામાં હતું પણ એમણે અસ્વીકાર કર્યો છે - પરિવારનો વિવાદ અલગ રાખવા માગે છે. એમના પિતા સંજય ગાંધીના અવસાન પછી સાસુજીએ મેનકાને ઘરબહાર કાઢયાં અને બાળક વરુણના કબજા માટે મેનકાએ ઘરબહાર મધરાત સુધી ધરણા કર્યાં ત્યારે ઇન્દિરા ગાંધીએ વરુણને સોંપ્યો હતો. 

ફેમિલીનો ઇતિહાસ છે પણ હવે રાજકારણમાં ભાગ ભજવવાની વરુણની ઇચ્છા નથી. ચૂંટણી મુદ્દા ઉપર લડાય, પારિવારિક વિવાદ ઉપર નહીં- એમ તેઓ માને છે.

હવે ભાઈ-બહેન એક સાથે રણમેદાનમાં હોય ત્યારે ખેલ ખતરાનો છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવનો આગ્રહ છે કે ગાંધી પરિવારે ઉત્તર પ્રદેશના મેદાનમાં ઉતરવું જોઈએ. કૉંગ્રેસ કાર્યકરોનો ઉત્સાહ વધે અને ઇન્ડિ મોરચાને લાભ થાય. અખિલેશનો પરિવાર પણ મેદાનમાં છે તેથી મોદી સામે પરિવારનો પડકાર છે.

હવે બંને બેઠકો ગાંધી પરિવાર જીતી શકે તો વાહ-વાહ, ઝિંદાબાદ થશે અને જીતી નહીં શકે તો ઉત્તર પ્રદેશ ઉપરાંત દેશભરમાં એમની નેતાગીરી ઉપર ચોકડી મુકાઈ જાય - તો પણ અખિલેશ યાદવનું કામ થાય-! એક હરીફ ઓછા થાય - રાજ્યમાં અને રાષ્ટ્રમાં.

1952 અને 1957માં ફિરોઝ ગાંધી અને 1967, 1971 અને 1980માં ઇન્દિરા ગાંધી અને એમના પછી 2004થી 2019 સુધી સોનિયાજીએ રાયબરેલીનું પ્રતિનિધિત્વ કર્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ